• રવિવાર, 20 જુલાઈ, 2025

ટેક્નોલોજીના સહારે મનોરંજન બન્યું મજેદાર

ડો. સમૃદ્ધિ રામાણી : મનોરંજન જીવનનું અભિન્ન અંગ છે. આપણા દોડતાં-ભાગતાં જીવનમાં મનોરંજન વિના જીવન વીતાવવું શક્ય નથી. મનોરંજન વિના માનવી પોતાનું મન પ્રફુલ્લિત કરી શકતો નથી, એ વાત કહેવી જરાય અતિશયોક્તિ ન કહી શકાય. મનોરંજનની શરૂઆત માનવજીવનની ઉત્પતિ સાથે જ થઈ ગઈ હતી. રાજા-મહારાજાઓ મનોરંજન માટે હાસ્ય, નૃત્ય તથા કલાકારોના કાર્યક્રમો યોજતા એ વાત  આપણા માટે નવી નથી. પહેલાંના જમાનામાં લોકો પાસે અન્ય મનોરંજનનાં સાધનો ન હતાં, ત્યારે ઘરના લોકો સાથે બેસી એક-બીજા સાથે વાતો કરી, ચોરે બેસી ગામ-ગપાટા કરી, ભજનો ગાઇ, મેળાઓ, વિવિધ ઉત્સવોની  ઉજવણી જેવી પ્રવૃત્તિઓ દ્વારા મનોરંજન કરતા. અઠવાડિયે કે બે અઠવાડિયે એકાદ શેરી નાટક કે ભવાઈના કાર્યક્રમ આખાં ગામને કે નગરને મનોરંજક વાતાવરણ પૂરું પાડતાત્યારે આખાં ગામ કે નગરના વાસીઓ આતુરતાથી રાહ જોતા.  પહેલાંનાં જીવનમાં મનોરંજનનાં સાધનો સીમિત હતાં, પણ ડિજિટલ યુગમાં તો મનોરંજન આંગળીના વેઢે  થઇ ગયું છે. લેપટોપ કે મોબાઈલનું બટન દબાવતાં જ વ્યક્તિને પોતાનું મનગમતું મનોરંજન ઘરબેઠા સરળ રીતે ઉપલબ્ધ થઈ ગયું છે, પણ શામાંથી મનોરંજન મેળવવું એ વિકટ સમસ્યા છે. પહેલાંનાં મનોરંજનમાં આપણી ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી જોવા મળતી હતી. આજે હવે પાશ્વાત્ય સંસ્કૃતિનો સમન્વય પણ જોવા મળે છે. - નવી રંગભૂમિનાં નવાં કામણ : ગુજરાતી સવેતન રંગભૂમિની શરૂઆત 1853માં થઈ ત્યારબાદ અનેક પરિવર્તનો આવ્યાં. સી.સી. મહેતાના આગમન સાથે શરૂ થયેલી નવી અવેતન રંગભૂમિએ પણ અનેક પરિવર્તનો સાથે ખૂબ પ્રગતિ કરી. કચ્છની અવેતન રંગભૂમિનો પણ ગૌરવવંતો ઈતિહાસ રહ્યો છે, જેમાં વિવિધ સંસ્થાઓએ તેના વિકાસમાં અગ્ર ભાગ ભજવ્યો છે. સાંનિધ્યના પંકજભાઈ ઝાલાના જણાવ્યા મુજબ, હાલે નવી રંગભૂમિમાં આધુનિકતાના રંગો દેખાય છે. ઝાકઝમાળ વધી છે. ટેક્નોલોજીમાં પરિવર્તનથી  સાઉન્ડ, લાઈટની સુવિધા સારી થઈ છે. એક જ સેટમાં નાટક ભજવવાને બદલે હવે એલઇડી ક્રીનનો ઉમેરો થયો છે. જે મનોરંજનમાં વધારો કરતાં લોકો ફરી નાટકો જોવા તરફ વળ્યા છે. ઓસ્કારમાં પહોંચેલી `લાસ્ટ ફિલ્મ શો' ફિલ્મમાં સહયોગી કાસ્ટિંગ ડિરેક્ટર રહી ચૂકેલા નયનભાઈ રાણાના જણાવ્યા મુજબ, નવી રંગભૂમિનાં નાટકોમાં નેચરલ અભિનયનો યુગ શરૂ થયો છે. પહેલાં માઈકની સુવિધાના અભાવે અથવા સ્થિર માઈકને કારણે છેલ્લે સુધી બેઠેલા પ્રેક્ષકોને સંવાદ  સંભળાય તથા દૃશ્યની ભાવના સમજાય તે માટે ઓવરએક્ટિંગ કે રાડો પાડીને બોલવું પડતું હતું, પણ હવે કોલર માઈકની સુવિધા સાથે ભરતમૂનિ દ્વારા રચિત નાટયશાત્રમાં બતાવેલા ભાવો સરળતાથી છેલ્લે બેઠેલા પ્રેક્ષકો સુધી પહોંચાડી શકાય છે. સાથે સમય મુજબ પટકથામાં પણ ફેરફારો આવ્યા છે. ફક્ત સામાજિક કે ધાર્મિક નાટકોને બદલે  પ્રાયોગિક નાટકો તથા પ્રવર્તમાન સમસ્યાઓ, સંબંધો સહિતના વિષયો સાથે નાટકો થાય છે. - જૂની રંગભૂમિનો જરા જુદો અંદાજ : કચ્છના ખૂણે-ખૂણે નાટક ધબકે છે, એ કહેવું જરાય અતિશયોક્તિ નથી. નવરાત્રિ દરમ્યાન કચ્છના અનેક ગામોમાં રામલીલા થાય છે. જેને માણવા આજે પણ દૂર-દૂરથી લોકો એટલી જ આતુરતાથી આવે છે. નિરોણા પંથકના બિબ્બરમાં છેલ્લાં 75 વર્ષથી રામલીલા આકર્ષણ જમાવે છે. રામાયણના પ્રસંગોને છંદ, દોહા, ચોપાઈઓ સાથે જીવંત કરાય છે. કચ્છની કાંઠાળપટ્ટીનું કાઠડા ગામ 86 વર્ષથી રંગભૂમિનું કેન્દ્ર રહ્યું છે. ઉપરાંત વાંઢ, મોટી મઉં, મસ્કા, બિટ્ટા, નલિયા, નખત્રાણા વિસ્તાર નાટય પ્રવૃત્તિઓથી ધબકતો રહ્યો છે. ગાંધીધામમાં પણ પાંચ-છ દાયકાથી રેલવે મિત્રમંડળ દ્વારા રામલીલા ભજવાય છે, તેવું મંડળના કાર્યકર્તા કિષ્નાભાઈ મિશ્રાએ જણાવ્યું હતું. જૂની રંગભૂમિમાં આવેલા બદલાવો વિશે જાણીતા લેખક ગૌતમ જોશીના જણાવ્યા મુજબ, પહેલાં પેટ્રોમેક્સની લાઇટો પર વિવિધ પ્લાસ્ટિકનો પડદો લગાવી નાટકો થતાં. હવે ફોકસ લાઈટમાં થાય છે. પહેલાં પડદા પાછળની વ્યક્તિ પ્રોમ્પ્ટ કરતી, તે સ્ટેજ પર ઊભેલા કલાકાર સાંભળે ને બૂલંદ અવાજે નાટકના સંવાદ બોલે, પણ હવે તો શ્રાવણ મહિનાની શરૂઆતથી જ રિહર્સલ થવા લાગ્યા છે તથા કોલર માઈકની સુવિધા આવી છે, પહેલાં ઘરમાં ઉપલબ્ધ હળદર, કંકુ જેવી - કચ્છી વાદ્યોની બોલબાલા : કલાવારસો સંસ્થાના ભારલમભાઈ સંજોટના જણાવ્યા મુજબ, ગામડાઓમાં ધાર્મિક પ્રસંગો, સામાજિક કાર્યક્રમો સુધી સીમિત થયેલા વાદ્યોની પુન: બોલબાલા વધી છે. ફિલ્મો, ઓનલાઈન માધ્યમ તથા રણોત્સવને કારણે કચ્છી વાદ્યો દેશ-વિદેશ સુધી પહોંચ્યાં છે. હાલે ગ્લોબલ ઓડિયન્સને ધ્યાને રાખી ડ્રમ, કી-બોર્ડ સહિતના વાદ્યો સાથે કચ્છી વાદ્યોનો સમન્વય કરી ફ્યુઝન સંગીત  પીરસાય છે, હાલે જોડિયા પાવા, મોરચંગ, ઘડો-ઘમેલો, શરણાઈ, ઢોલનું ચલણ છે. કચ્છમાં 18 વિસ્તારમાં વસતી વિવિધ કોમો પાસે ભાષા-બોલીની જેમ પોતાની અલગ સંગીત પરંપરા છે. પહેલાં રોજિંદી જિંદગીને રસમય બનાવવા પોતાની આસપાસની વસ્તુઓમાંથી વાજિંત્રો બનાવી સૂર રેલાયા હતા, પરંતુ હવે સીસમ, રેયડાનાં લાકડાંમાંથી કચ્છી વાદ્યો બને છે. ભવિષ્યમાં સંગીતનાં માધ્યમથી પર્યટકો કચ્છી સંસ્કૃતિ જાણે તે હેતુથી કચ્છી લોકસંગીત, કચ્છી વાદ્યો દર્શાવતા મ્યુઝિયમની કામગીરી ચાલુ છે. - વોટ્સએપ ગ્રુપ બન્યું ગામનો ચોરો : ફક્ત શહેરોમાં જ નહીં, ગામડાઓમાં પણ મોબાઇલ મનોરંજનનું સાધન બન્યું છે. ગામડાઓમાં હવે ટીવી પણ નામશેષ થઇ ગયાં છે, ત્યારે મળેલી વિગતો મુજબ વાગડ પંથકના જવાહરનગરમાં ગામ લોકોનું `ગામનો ચોરો' નામનું વોટ્સએપ ગ્રુપ બનેલું છે. નિરક્ષર લોકો પણ જોડાઇ રહે તેથી તેમાં  બોલીને સંવાદ કરાય છે, ગીતો ગવાય છે, ચર્ચાઓ થાય છે, વિવિધ મનોરંજન પીરસાય છે. આમ વોટ્સએપ ગ્રુપ નામથી જ નહીં, સાચે જ ગામનો ચોરો બન્યું. - આકાશવાણી પણ ડિજિટલની રાહે : આકાશવાણીના આસિસ્ટન્ટ સ્ટેશન ડાયરેક્ટર જયેશભાઈ રાવલના જણાવ્યા મુજબ, બીજી ઓક્ટોબર-1965થી આકાશવાણીની ભુજમાં શરૂઆત થઈ હતી. હસ્તકલાના કારીગરો, માછીમારો, માલધારીઓ સહિત કચ્છના અનેક લોકો આજે પણ રેડિયો સાંભળે છે. કચ્છી ભાષાને પ્રોત્સાહન મળે તે હેતુથી કચ્છી કાર્યક્રમો વધુ થાય છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર આકાશવાણીના પેજ મારફતે આરોગ્ય, ટ્રાફિકની રીલ્સ સહિત પ્રોગ્રામોની જાહેરાત પણ કરાય છે. યુ-ટયુબ તથા વેવ્સ જેવા ઓનલાઇન માધ્યમો પર આકાશવાણીના પોડકાસ્ટ આવે છે. ઉપરાંત આકાશવાણીની એપ પણ છે. વિવિધ માધ્યમો પર આકાશવાણીની હાજરીથી હવે દેશમાં જ નહીં વિદેશોમાં પણ લોકો સાંભળે છે. `ગામજો ચોરો' જે હવે રેયાણનાં નામે આવે છે તથા `સુરભિની સોડમ' જે રસોઈનો કાર્યક્રમ છે, તે આજે પણ ખૂબ પ્રચલિત છે. છેલ્લાં 25 વર્ષથી રામચરિત માનસ ગાન ચાલુ છે. ઉપરાંત આવનારા સમયમાં ગાંધીધામ તથા ભુજમાં પ્રાઇવેટ એફએમ આવવાની પ્રક્રિયા પણ ચાલુ છે.- રીલ્સ, શોર્ટ ફિલ્મોનું વધતું ચલણ : ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર કચ્છી ભાષાને પ્રોત્સાહિત કરતા જાણીતા કલાકાર કોમલબેન બોરાએ કહ્યું કે, આજનાં ઝડપી જીવનમાં સમયના અભાવે મનોરંજન માટે લાંબા વીડિયોને બદલે લોકો રીલ્સ તરફ વળ્યા છે તથા લાંબી ફિલ્મોને બદલે શોર્ટ ફિલ્મોનું ચલણ વધ્યું છે.  

Panchang

dd