નરેશ અંતાણી : સામાન્યત: પુરાતત્ત્વ અને ઈતિહાસ, સંગ્રહાલયો
તથા આપણા પ્રાચીન વારસાને બદલાવ અને પરિવર્તન સાથે શો સંબંધ ? આવું સૌ કોઈ પૂછે કે માને. જૂનું
એટલે જૂનું અને નવી દુનિયા સાથે કોઈ લેવાદેવા નહીં એવું માનનારાને કહી શકાય કે,
આપણા સ્મારક કે વારસાના મૂળ ઢાંચામાં કોઈ પરિવર્તન ભલે ન લાવી શકાય,
પરંતુ તેનાં જતન-સંવર્ધન અને તેની આસપાસના વિસ્તારને સુંદર બનાવી એમાં
જરૂર પરિવર્તન લાવી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર જરૂર બનાવી શકાય. ભારતીય સંસ્કૃતિમાં
64 કલાને સ્થાન આપવામાં આવ્યું
છે. આ કલાઓમાં શિલ્પ, સ્થાપત્યના
આપણા વારસાને પણ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં શિલાલેખો, પાળિયા, મંદિર
સ્થાપત્ય, શિલ્પ વગેરે પ્રમુખ છે. આ તમામ આપણી વિરાસતમાં આપણો ભવ્ય ઈતિહાસ અને સંસ્કૃતિ સમાયેલા છે, જેનાથી આપણી ભાવિ પેઢી જ્ઞાત થાય
એ માટે તેનું સંરક્ષણ અને જતન અતિ આવશ્યક છે. તેની વિગતે વાત કરવાનો અહીં અવકાશ નથી,
પરંતુ તેમાં પરિવર્તન લાવી, તેને બનાવી મુલાકાતીઓ, સંશોધકો
અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવી પ્રવાસનનો વિકાસ કરી શકાય એમ છે. કચ્છનાં ગામેગામ આવેલા સેંકડો પાળિયા કે શિલાલેખ
એક નવી કથા, ઈતિહાસને સાચવી બેઠા છે, જેનો
એક જ દાખલો અહીં આપવો છે, આપણી ભારતીય શક સંવતના આરંભનો સર્વપ્રથમ
શિલાલેખ કચ્છમાંથી મળ્યો છે, એ આપણા માટે અતિ ગૌરવની વાત છે.
આ હકીકતને નવી પેઢી સમક્ષ લાવવી આવશ્યક છે. આ સ્મારકો અને આપણી ધરોહર સુધી નવી પેઢીને
લઈ જવાની આપણી ફરજ છે, પરંતુ એ માટે આ સ્મારકોનાં સ્થાનની આસપાસના વિસ્તારને આકર્ષક બનાવી તેને આધુનિક
સ્પર્શ આપવો જરૂરી છે. ભારતીય સંસ્કૃતિ અને
સંસ્કારમાં દત્તક લેવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. સંતાન દત્તક લેવા, વૃક્ષ કે અભ્યાસ કરતાં બાળકોને દત્તક લેવાની આપણે ત્યાં સુંદર પરંપરા છે. આ
સંસ્કાર અને પરંપરાને એક નવી જ રીતે ભારત સરકારે `એડોપ્ટ એ હેરિટેજ'નાં નામથી તાજેતરમાં અમલમાં મૂકી છે. દેશના સ્મારકોનાં
સંરક્ષણ અને સંવર્ધન માટે આ યોજના અમલમાં આવી
છે. કચ્છમાં પણ તેનો અમલ કરાય તો કચ્છના સ્મારકોનું પણ સંરક્ષણ અને જતન થાય અને જિલ્લાના
પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે એમ છે. ભુજના ઐતિહાસિક ડુંગર પર બનાવાયેલું સ્મૃતિવન
ભૂકંપ સંગ્રહાલય, વિજ્ઞાન સંગ્રહાલય આના સુંદર ઉદાહરણો છે. અલબત્ત
રાજ્ય સરકારે તેનું સંચાલન ખાનગી સંસ્થાનોને સોપ્યું છે, દત્તક
તરીકે નથી સોંપાયા. કચ્છના સ્મારકોનો આ યોજનામાં કેવી રીતે વિકાસ કરી પ્રવાસન ઉદ્યોગને
વિકસાવી શકાય તે જોઈએ એ પહેલાં ભારત સરકારની `એડોપ્ટ એ હેરિટેજ' યોજના શું છે તે સમજીયે. આજે રાષ્ટ્રને આપણા
પોતાની સાંસ્કૃતિક ધરોહર પ્રત્યે ગૌરવ અને અભિમાન છે, આથી જ ભારત સરકારે `િવરાસત ભી વિકાસ ભી'ના સંકલ્પ સાથે પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગ પર
ઝડપથી આગળ વધી શકાય અને પ્રવાસન ઉદ્યોગને પણ બળ આપી શકાય એ માટે દેશની સમૃદ્ધ વિરાસતનાં
સ્થળોનાં સંરક્ષણ માટેના એક સુંદર પ્રયાસના ભાગરૂપે `એડોપ્ટ એ હેરિટેજ' યોજનાનો અમલ કરી વિરાસતનાં સ્થળો પર પર્યટકોને
સુંદર અનુભવ કરાવવા આવકાર્ય પહેલ કરી છે. આ યોજના અંગર્તગ સીએસઆર ફંડનાં માધ્યમથી સાંસ્કૃતિક
અને ઐતિહાસિક સ્થળો પર વધુમાં વધુ સુવિદ્યાઓ ઊભી કરવા કોર્પોરેટ સંસ્થાનોને જાહેર નિમંત્રણ
આપ્યું છે, જેમાં ભારત સરકાર દ્વારા સંરક્ષિત સ્મારકો પર પ્રવાસીઓની
સુરક્ષા અને સ્વચ્છતાનાં ધોરણોમાં સુધારો અને વધારો કરવો, આવાં
સ્થાનો પર સુગમતા અને જાણકારીની સુવિધાને ઉત્તેજન આપી ગાઈડો તૈયાર કરી પ્રવાસીઓ માટે
સુગમ સવલતો અને વાતાવરણનું નિર્માણ કરવું.
દેશના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્મારકોને સુરક્ષિત કરવાની સાથે તેને આનુષંગિક આર્થિક
વિકાસ અને રોજગારી ઊભી કરવાનો આ યોજનાનો મુખ્ય
હેતુ છે. આ યોજનાથી સ્કારકોનું જતન, સંવર્ધન થશે, પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને લોકોને રોજગારી પૂરી પાડી શકાશે. આ યોજનાના
અમલ માટે સીએસઆરના ફંડનો સદ્ઉપયોગ કરવા દેશના પ્રતિષ્ઠાનો અને જાહેર ટ્રસ્ટોને ભારત
સરકારે આહ્વાન કર્યું છે. આ યોજનાનો અસરકાર અમલ થાય તો કચ્છનાં સ્મારકોને પણ તેનો લાભ મળી શકે એમ છે. કચ્છમાં
છેક વાગડથી લખપત સુધી ફેલાયેલાં સ્મારકો અસુરક્ષિત અને નધણિયાતા પડયાં છે, ત્યારે કેન્દ્ર સરકારની આ યોજનાનો અમલ કચ્છમાં કરી જિલ્લામાં આવેલાં અનેક ઔદ્યોગિક
પ્રતિષ્ઠાનો અને જાહેર સાહસો આ સંસ્થાનો કચ્છનાં સ્મારકોને દત્તક લે અને તેનો વિકાસ
કરે તો અહીંનાં સ્મારકોનું પણ જતન, સંરક્ષણ થશે અને પ્રવાસીઓ
માટે અહીં અનેક સુવિધાઓનો વિકાસ થવાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે અને સ્થાનિક
રોજગારી પણ ઊભી કરવામાં મદદરૂપ બની શકે એમ છે. અલબત્ત આ યોજના માત્ર કેન્દ્ર સરકારનાં
સ્મારકો પૂરતી જ મર્યાદિત છે, પરંતુ જો કોઈ બિનસરકારી સંગઠન કે
પ્રતિષ્ઠાન સ્મારકનાં જતન-સંવર્ધન કરવા તૈયારી બતાવી આગળ આવે તો ગુજરાત સરકારનું પુરાતત્ત્વ
ખાતું સકારાત્મક અભિગમ અપનાવી તેનો સહયોગ લેવા તત્પર હોવાની ખાતરી રાજ્યના પુરાતત્ત્વ-સંગ્રહાલય
વિભાગના નિયામક ડો. પંકજ શર્માએ આ લખનારને આપી છે. કચ્છનાં આવાં સ્મારકોની વાત કરીએ
તો ભુજથી નખત્રાણા જતા માર્ગમાં આવતા પુંઅરેશ્વરનું શિવાલય તથા બૌદ્ધ મઠ તરીકે જાણીતું
નાની-વડીમેડી સ્મારકને કોઈ સંસ્થાન દત્તક લે અને તેને સુરક્ષિત અવસ્થામાં લઈ જવા નિષ્ણાત
સ્થપતિઓની મદદ લે, અહીં વિશાળ જમીન પર સુંદર ઉદ્યાન, લાઈટ એન્ડ સાઉન્ડ-શો, પ્રવાસીઓ માટે આવશ્યક ખાન-પાનની
સુવિધા ઊભી કરવામાં આવે તો અહીં એક સુંદર અને રમણીય પ્રવાસન મથક ઊભું કરી શકાય એમ છે,
જો એમ થાય તો વર્ષોથી ખંડિત અવસ્થામાં ઊભેલાં આ સ્મારકોમાં પણ જાણે જીવ
આવશે અને તેનો ભવ્ય ઈતિહાસ પણ તે આપોઆપ બોલવા લાગશે. વિશ્વ ધરોહર તરીકે સ્થાન પામેલાં ધોળાવીરા ખાતે
પણ અનેક સુવિધાઓની આવશ્યકતા છે. વિશ્વ ધરોહર તરીકે તેની જાહેરાત થયા પછી અહીં તેનો
જોઈએ તેવો વિકાસ કે સુવિધાઓમાં વધારો થવાની આશાઓ હતી તે પૂરી થઈ હોવાનું જોઈ શકાતું
નથી, ત્યારે ધોળાવીરાને
પણ દેશનું કોઈ મોટું પ્રતિષ્ઠાન દત્તક લે તો અહીં પણ અનેક સુવિધાઓનો વિકાસ કરી શકાય
એમ છે. અહીં પણ વિરાસતની નજીક ઉદ્યાન, ખાન-પાનની સુવિધા,
આવાસની અદ્યતન સુવિદ્યા વિકસાવવામાં આવે તો પ્રવાસીઓને રાત્રિ રોકાણ
માટે દૂર જવાની જરૂર ન રહે. વળી ઘડુલી-સાંતલપુર માર્ગ તૈયાર થઈ જતાં ધોળાવીરા ભુજથી
માત્ર 1ર7 કિલોમીટર દૂર છે. આ માર્ગ પર ખાવડા પછી ખાન-પાન સુવિધા, પ્રસાધન સુવિધા, પેટ્રોલ
પંપ જેવી સગવડો વિકસાવવામાં આવે તો પ્રવાસીઓને સુગમ પડે એમ છે. ભુજ શહેરમાં આવેલો જમાદાર ફતેહમહમદનો ખોરડો પણ
કચછના ઈતિહાસની અનેક તવારીખનો સાક્ષી છે. આઝાદી પછી છેક ર001ના ધરતીકંપ સુધી તેમાં અનેક સરકારી કચેરીઓ આ ખોરડામાં બેસતી
હતી. ધરતીકંપમાં તેને નુકસાન થયા પછી હાલે કચ્છના ઈતિહાસના અનેક ચડાવઉતારની સાક્ષી
આ ઈમારત તદન ખંડેર હાલતમાં પડી રહી છે. આજે આ ખોરડો તદન નિર્જન અને અવાવરુ હાલતમાં બાવળના ઝૂંડ વચ્ચે ઘેરાઈ ગયો છે
અને ભેંકાર બની ગયો છે. હકીકતમાં આ સ્થાનને પર્યટક સ્થાન બનાવી શકાય એમ છે. આ માટે
સૌપ્રથમ જમાદાર ફતેહમહમદના ખોરડાને રાજ્યનાં પુરાતત્ત્વ ખાતાં દ્વારા રક્ષિત જાહેર
કરવાની પ્રક્રિયા કરવી અત્યંત જરૂરી છે. આખાય પરિસરમાંથી ગાંડા બાવળનાં વૃક્ષોને દૂર
કરી ખોરડાની અંદર તથા બહારથી સફાઈ કરવાની કાર્યવાહી કરવી જોઈએ. ખોરડાને અંદર તથા બહારથી
સુરક્ષિત બનાવવા જરૂરી હોય તેટલી મરંમત કરી અંદરની વીજળી વ્યવસ્થા સુચારુ કરવી જોઈએ, જેથી અંદર જનારા પ્રવાસી આખાય ખોરડાની અંદરની
કાષ્ટકળાને મન ભરી જોઈ, માણી શકે. ખોરડાની બહારના સંપૂર્ણ પરિસરની સફાઈ કરી નાનો એવો
બગીચો તૈયાર કરી બાકીના જમીનના ભાગમાં પેવરબ્લોક પાથરી તેની કમ્પાઉન્ડની દીવાલને નવેસરથી
બનાવી સંપૂર્ણ પરિસરને રમણીય બનાવવું જોઈએ. સાંજના કે રાત્રિના ભાગમાં પણ આ પરિસર શોભાયમાન
બની શકે તે માટે બહારના ભાગે સુંદર લાઈટિંગ વ્યવસ્થા કરવી જોઈએ. રાત્રિના લાઈટ એન્ડ
શોનાં માધ્યમથી ઓરડાના ઈતિહાસનેય જીવંત કરી શકાય. આમ કરવાથી આખાય પરિસરથી શોભામાં વધારો
કરી પ્રવાસીઓ માટે તેને આકર્ષણનું કેન્દ્ર બનાવી શકાય એમ છે.
જો આમ કરવામાં આવે તો ભુજ શહેરનું એક અણમોલ નજરાણાંને નષ્ટ થતું
બચાવી અને પ્રવાસીઓનાં આકર્ષણમાં પણ એક વધારો કરી શકીશું.
ખીરસરા અને કાનમેર હડપ્પીય વસાહતો ખાતે પણ સ્થળ સંગ્રહાલય સહિત
પ્રવાસીઓને આકર્ષવા આનુષંગિક સુવિધાઓ વિકસાવવા કોઈ પ્રતિષ્ઠાન આગળ આવે એ ઈચ્છનીય છે.
અંજાર તાલુકાના છેવાડે આવેલું ભુઅડનું ભુઅડેશ્વર મંદિર પણ અત્યંત
પ્રાચીન સ્થાપત્ય વારસો ધરાવે છે. તેના સુધી પ્રવાસીઓને પહોંચવું સરળ બનાવાય અને અહીં
પણ મંદિર પરિસરને સુરક્ષિત અને સ્વચ્છ બનાવી પ્રવાસીઓ માટે સુવિધાઓ ઊભી કરવા તેને દત્તક
લેવા પ્રતિષ્ઠાન તૈયાર થાય તો પ્રવાસીઓ માટે તે અત્યંત આકર્ષણનું કેન્દ્ર બની શકે એમ છે.
આ ઉપરાંત જિલ્લાના કેરા, કોટાય, કંથકોટનો કિલ્લો, સિયોતની બૌદ્ધ ગુફા વગેરે સહિતનાં
અન્ય સ્મારકો પણ કોઈ પ્રતિષ્ઠાન તેને દત્તક
લે અને અહીં પણ પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવામાં આવે તો અહીં પણ જંગલમાં મંગલ ઊભું
કરી પ્રવાસીઓને આકર્ષી શકાય એમ છે.
ભારત સરકારની `સ્માકરોને દત્તક લો' યોજનાનો અમલ કરાવાવ પ્રતિષ્ઠાનો, ઓદ્યોગિક ગૃહોને જાગૃત
કરવા કોઈ પહેલ કરે એ આવશ્યક છે અને જો એમ થાય તો આવનારા દિવસોમાં કચ્છના સ્માકરોમાંય
પરિવર્તન લાવી તેનું ભાવિ ઉજ્જવળ બનાવી શકાય એ નિશ્ચિત છે.