• રવિવાર, 20 જુલાઈ, 2025

દર્દીઓની સેવા માટે દાતા દ્વારા ભુજની લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ યંત્રની ભેટ

ભુજ, તા. 19 : કિડનીના અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ માટે જીવનરેખા સમાન ડાયાલિસીસ સારવાર પૂરી પાડતી અહીંની લાયન્સ હોસ્પિટલને અનેક દાતાઓની સતત હૂંફ સાંપડતી રહી છે. તાજેતરમાં સ્વ. કાનુબેન ત્રિભુવનદાસ મહેતાની પુણ્યતિથિએ અને ભક્તિ ભદ્રેશ મહેતાના જન્મદિવસ નિમિત્તે ભદ્રેશભાઈ ત્રિભુવનદાસ મહેતાએ ડાયાલિસીસ મશીન માટે 7,50,000નું દાન અર્પણ  કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત દાતા પરિવારના હીનાબેન ભદ્રેશભાઈ મહેતા, ઓમભાઇ ભદ્રેશભાઈ મહેતા, હેત્વી મહેતા, વિનોદ ત્રિભુવનભાઈ મહેતા, દલીચંદભાઇ મણિલાલ મહેતા, ઈશ્વરભાઈ હિંમતલાલ દેસાઈ, ચિરાગ કીર્તિભાઈ શાહ, પંકજ અનોપચંદ મહેતા, હરેશ રવિલાલ મહેતા, મનીષ શશિકાંત મોરબિયા,ધીરૂભાઈ અનુપચંદ મહેતા સહિત તમામ મહેમાનોનું બહુમાન કરાયું હતું. લાયન્સ ક્લબના પ્રમુખ  ચંદ્રકાંત સોનીએ આવકાર પ્રવચન આપ્યું હતું. તો ડો. ભરતભાઈ મહેતાએ પોતાના વકતવ્યમાં હોસ્પિટલની સારવારલક્ષી પ્રવૃત્તિઓનો ચિતાર આપતાં કહ્યું હતું કે, અહીં મફત કિડની ડાયાલિસીસ, ફ્રી નેત્ર સારવાર કેમ્પ જેમાં મોતિયાના ઓપરેશન, દંત ચિકિત્સા વિભાગ, ઓડિયોમેટ્રી વિભાગ, જનરલ ઓપીડી વિભાગ, પેથોલોજી લેબોરેટરી અને એમબ્યુલન્સ સેવા કાર્યરત છે. ડો. ભરતભાઈએ ઉમેર્યું હતું કે,અહીં છેલ્લા બે દાયકાથી કિડનીના દર્દીઓને મફત ડાયાલિસીસ સેવા અપાઈ રહી છે, અત્યાર સુધી 2,10,000થી વધુ ડાયાલિસીસ અને 42,000થી વધુ  આંખના મફત ઓપરેશન કરાયાં છે, કચ્છના વિવિધ ગામોથી  આશરે 150 જેટલા દર્દી ડાયાલિસીસ કરાવવાઆવે છે. પ્રોજેક્ટ કો- ઓર્ડિનેટર તરીકે ભદ્રેશ મહેતાએ સેવા આપી હતી, નવીન મહેતા, શૈલેન્દ્ર રાવલ, હીરજી વરસાણી, નિરંજન પ્રસાદ અને  રોહિત જોશી ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ઉમેશ પાટડિયાએ અને આભારદર્શન વિજય માંડલિયાએ કર્યું હતું.  

Panchang

dd