ભુજ, તા. 19 : ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલ
વેલમાર્ક લો પ્રેશરની અસર તળે મોન્સૂન ટ્રફ ગુજરાત સુધી લંબાતાં વાતાવરણમાં પલટો આવ્યો
છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર જિલ્લાના દશેય તાલુકામાં સામાન્ય ઝાપટાંથી લઇ
બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે હજુ બે દિવસ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ
વરસવાની આગાહી કરી છે. ખાસ કરીને આવતીકાલ રવિવારે કેટલાક વિસ્તારમાં વધુ ભારે વરસાદ
વરસે તેવી સંભાવના દેખાડવામાં આવી છે. કાળા ડુંગરમાં બે ઇંચ, લખપત-અંજારમાં એક-એક ઇંચ, ભુજ-માંડવી-મુંદરા-ભચાઉ-અબડાસામાં અડધોથી એક તો રાપર-ગાંધીધામમાં ઝાપટાં વરસ્યાં
હતાં. - ભુજમાં ધીમી ધારે ઝાપટાં : દશેક દિવસના વિરામ બાદ જિલ્લા મથક ભુજમાં
વરસાદી માહોલ સર્જાયો હતો. આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ પુન: વરસાદી માહોલ
સર્જાતાં માર્ગો પર ધીમી ધારે અને ઝાપટાં સ્વરૂપે પડેલાં પાલર પાણી વહેતાં થયાં હતાં.
બપોર સુધી ધીમી ધારે છાંટા વરસવાનું જારી રહ્યા બાદ વાદળછાયો માહોલ જળવાયેલો રહેતાં
વધુ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી. સત્તાવાર રીતે જિલ્લા મથકે અડધા ઇંચ વરસાદની
નોંધ થઇ હતી. ભુજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવો જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. - કાળા ડુંગરમાં બે ઇંચ : સરહદી પચ્છમ
પંથકમાં એકવાર ફરી મેઘરાજાની મહેર થઈ હતી. સવારે 8:30થી 9:30 સુધીમાં મુખ્ય
મથક ખાવડામાં 15 મિલિમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે કાળા ડુંગર પર બે ઇંચ જેટલા વરસાદના
સમાચાર દત્ત મંદિરના મેનેજર રણજિતાસિંહે આપ્યા હતા. કુરનથી અગ્રણી સરૂપાજીના જણાવ્યા
અનુસાર ઉત્તર તરફનાં ગામડાં કુરન, ધ્રોબાણા, મોટા વગેરે ગામોમાં લગભગ પોણા ઇંચ જેટલો વરસાદ થયો છે. પશ્ચિમનાં ગામડાં તુગા,
ધોરાવર, જામકુનરિયા ગામોમાં પોણો ઈંચ જેટલા વરસાદના સમાચાર મળી રહ્યા છે. પાશી વિસ્તાર
તરીકે ઓળખાતા ખારી, ગોડપર, અંધવ,
દદ્ધર વિ. ગામોમાં માત્ર ઝાપટાંથી જમીન ભીંજાઇ હતી. આ વરસાદથી જે ખેડૂતોએ
અગાઉ વાવણા કરેલ છે તેમને મોટી રાહત મળશે. વરસાદી માહોલ સાથે ગાઢ અંધકાર છવાયેલો રહ્યો
હતો. - કાચાં સોનાં સમી મહેર : મોટી વિરાણીથી પ્રતિનિધિ ઉમર ખત્રીએ જણાવ્યું
હતું કે, સવારના 10થી સાડા અગિયાર સુધી નખત્રાણા તાલુકાના
મોટી વિરાણી, વાંઢ, રામેશ્વર, પખડા ડુંગર, સુખપર,
ખુથા ડુંગર, ચેતર પોઇ વાય વિસ્તારમાં - ધીમી ધારે દોઢ કલાક એકધારો
વરસાદ વરસતાં પાણી વહી નીકળ્યાં હતાં. : દેવીસરના શૈલેશ આઇયા અને ભારાપરના લક્ષ્મણદાન
ગઢવીએ દેવીસર, લાખિયારવીરા, ભીમસર, દેવસર, હીરાપર, ભારાપર, રામસરોવર, ગડાપોઠા,
જતાવીરા વિસ્તારમાં વરસાદના વાવડ આપ્યા હતા. વરસાદથી ખેતરોમાં ઊભેલા
પાકને ટેકો મળી ગયો હતો. આમારાના વેરશીભાઇ આહીરે જણાવ્યું હતું કે, આમારા, રતડિયા, કરોલપીર,
જીંજાય વિસ્તારમાં આજે સવારના ભાગમાં લાંબો સમય સુધી આકાશમાંથી રિમઝિમ-રિમઝિમ
બરખા વરસી હતી. રવાપર સહિત આજુબાજુના વિસ્તારોમાં આઠેક દિવસના વિરામ બાદ સવારથી જ વરસાદી
માહોલ વચ્ચે મેઘરાજાની પધરામણી થઇ હતી. સવારના સાત વાગ્યાથી લઇને સાંજ સુધી ઝરમર વરસાદ
વરસતો રહ્યો હતો. - દહીંસરામાં
એક ઇંચ : આ વિસ્તારમાં ત્રણ દિવસના વિરામ પછી આજ
સવારથી મેહુલિયો વરસ્યો હતો. સવારથી સાંજ સુધી વરસાદી માહોલ વચ્ચે એક ઇંચ આભમાંથી પાણી
વરસ્યું હતું. ચુનડી, ધુણઇ,
સરલી, ગોડપર, મેઘપર,
ખત્રી તળાવમાં ઝાપટાં પડયાં હતાં. કપાસ, મગફળી,
એરંડા, ચોળા, મગ,
તલના પાકો માટે કાચું સોનું વરસ્યું છે, તેવું
ખેડૂતોએ કહ્યું હતું. - લખપત તાલુકામાં
દોઢ ઇંચ : લખપત તાલુકામાં આજે સવારથી સાંજ સુધી સતત
ઝાપટાં સ્વરૂપે દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. દિવસ દરમ્યાન સૂર્યનારાયણનાં દર્શન થયા
ન હતાં. મુખ્ય મથક દયાપર, ઘડુલી,
દોલતપર, મેઘપર, બીટિયારી,
ઓડીવાંઢ, લાખાપર, ખટિયા,
અમિયા વિસ્તારમાં એકથી દોઢ ઇંચ વરસાદ ઝાપટાંરૂપે શાંતિપૂર્વક વરસ્યો
હતો. કોરિયાણી, કપુરાશી, પાનધ્રો વિસ્તારમાં
ઝરમર ઝાપટાં પડયાં હતાં. 15 દિવસથી ખાનગી
મોબાઇલસેવામાં લોકોને સમસ્યા વધી રહી છે. નેટ પણ ધીમા ચાલે છે અને ફોન પણ હંમેશાં વ્યસ્ત
બતાવતા હોય છે. તગડી રકમ મેળવી લીધા પછી મોબાઇલસેવાના
ઠેકાણા નથી, જેથી લોકોમાં રોષ ફેલાયો
છે. આજના વરસાદી ઝાપટાંઓથી દયાપરના મુખ્ય તળાવમાં નવાં નીર આવ્યાં હતાં. માતાના મઢ
ખાણ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ નહીંવત હોવાનું જીએમડીસીના અધિકારીએ જણાવ્યું હતું.
- અબડાસા તાલુકામાં અડધાથી એક
ઇંચ : મુખ્ય મથક નલિયા તેમજ આસપાસનાં ગામોમાં
બપોર બાદ ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસતાં નગરના માર્ગો ભીના થયા હતા. સિંધોડી, રાપરગઢ, પરજાઉ,
સુથરી સહિત ગામોમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બિટ્ટા-અબડાસા અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની પાંચ દિવસના
વિરામ બાદ ફરી આજે સવારના 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી
અડધા ઇંચ જેટલો વરસાદ પડયો હતો. હમીરપર, નાની-મોટી ધુફી, ભારપર, પાટ,
બાલાપર, ખાનાય, ભવાનીપર અને
મોથાળામાં મેઘરાજાએ હાજરી પૂરાવી હતી, તેવું બિટ્ટાના જગદીશ ઠક્કરે
જણાવ્યું હતું. - કોઠારામાં
આજે વરસાદી માહોલ : કયારેક ઝાપટાં
તો ક્યારેક ઝરમર આજે સવારથી ચાલુ રહેતાં પોણો ઇંચ જેવો વરસાદ પડયો હતો. ખીરસરા (કોઠારા)માં
અડધો ઇંચ, ડુમરા, વરંડી,
લઠેડી, કોટાયા અડધો ઇંચ વરસાદ થયો હતો. કડુલી,
બેરા, આધાપર, આરીખાણામાં
એક ઇંચ વરસાદ વરસ્યાનું સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ધનાવાડા,
ગઢવાડા, નાગોરમાં પોણો ઇંચ વરસાદ પડયો હતો,
કનકપુરમાં એક ઇંચનું સરપંચ ચંદ્રિકાબેન રંગાણીએ જણાવ્યું હતું. તેરા,
રાતાતળાવ, મોથાળામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.
ભાચુંડા વિસ્તારમાં ઝાપટાં પડયાં હતાં. ઘરડા પંથકમાં સવારના 11 વાગ્યાથી સાંજ સુધી ઝરમર છાંટા
પડયા હતા. - વાકર પાણી વાળતાં ખેતરોમાં
પાલર પાણી વરસ્યાં : જેઠ અને અષાઢના પ્રારંભે મુશળધાર વરસેલા
મેઘરાજાએ કચ્છમાં છેલ્લા બારેક દિવસથી મેઘવિરામ લેતાં ફરી એકવાર હવામાનમાં ભેજ અને
ઉકળાટ અનુભવાતાં લોકોને તીવ્ર ગરમીનો સામનો કરવો પડી રહ્યો હતો. પિયતવાળા ખેડૂતોએ ચોમાસુ
પાકમાં પાણી વાળવાની કામગીરી આરંભી દીધી હતી, પરંતુ માત્ર વરસાદ પર મદાર રાખનાર ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને વરસાદ પડવાની
ચાતક નજરે રાહ જોઇ રહ્યા હતા. નેત્રામાં વાકર પાણી વાળતાં ખેતરોમાં પાણી વરસ્યાનું
ધરતીપુત્રોએ કહ્યું હતું. લખપત તાલુકામાં સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધી વરસાદ પડયો
હતો. વાવણી કરનાર ખેડૂતોના પાક માટે સોનું વરસ્યું હતું. માતાના મઢ, દોલતપર, દયાપર, ભાડરા, કોટડા મઢ સહિતના વિસ્તારમાં વરસાદ પડતાં પાણી વહી નીકળ્યાં હતાં. ખેડૂતો- માલધારીઓ
આ `પસ મીં'
પડતાં ઘાસ તેમજ ઊભા પાકને ખૂબ જ ફાયદો થયો છે, તેવું જણાવી રહ્યા છે. - અંજારમાં એક ઇંચ : અંજાર શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે એક ઇંચ વરસાદ
થતાં સિઝનનો વરસાદ નવ ઇંચથી વધુ નોંધાયો હતો. વહેલી સવારથી જ વરસાદી માહોલમાં સવારે
8થી 10 વચ્ચે ભારે ઝાપટાં સ્વરૂપે 16 મિ.મી. વરસાદ થતાં આજે જોરદાર વરસાદની આશા સેવાઇ હતી. બપોરના
10થી 12 વચ્ચે 6 મિ.મી. તથા
2થી 4 વચ્ચે હળવાં ઝાપટાં સ્વરૂપે 9 મિ.મી. સાથે આજે દિવસ દરમ્યાન 23 મિ.મી. સાથે સિઝનનો વરસાદ 232 મિ.મી. (નવ ઇંચથી વધુ) થયેલ છે. બજારમાં વરસાદી માહોલ વચ્ચે શાંતિ જોવા
મળી હતી. તળાવોમાં નવાં નીર આવ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે વરસાદ થતાં ખેડૂતોમાં
ખુશી વ્યાપી હતી. હજુ પણ વાતાવરણમાં સખત ગરમી અને વરસાદી માહોલ છવાયેલ છે.