ભુજ, તા. 5 : અબડાસાનાં મોથાળા ગામને જોડતા
એપ્રોચ રોડ પર પુલ બાંધવા ગ્રામજનોની 25-30 વર્ષની માગણી સ્વીકારાઇ, પરંતુ પુલ રૂપે વિકાસ એવો થયો કે પહેલા જ વર્ષમાં પુલ તૂટી જતાં અનેક તર્ક-વિતર્ક
સર્જાયા હતા. મોથાળા ગામમાં પ્રવેશ કરવા ત્રણેય રસ્તામાં પાપડી હોવાથી ચોમાસાં દરમ્યાન
પાણીના ભારે પ્રવાહનાં કારણે કલાકો સુધી જાણે ગામ ટાપુમાં ફેરવાઇ જતાં અવરજવર બંધ થઇ
જતી હોય છે. છેલ્લા 30 વર્ષથી મુખ્ય
પાપડીના સ્થાને પુલ બનાવવા ગ્રામજનો માગણી કરતા આવ્યા હતા. ગામના સરપંચ વિનેક ડાભી
અને કોંગ્રેસના અગ્રણી ચેતન જોષી, પ્રગતિ
મંડળના પ્રમુખ મહેન્દ્ર ભાનુશાલીના જણાવ્યા પ્રમાણે અમે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
સમક્ષ રજૂઆત કરતાં તેમણે ગંભીરતા સમજી ડી.એમ.એફ.ની ગ્રાંટમાંથી રૂા. 65 લાખની ફાળવણી કરાવી પુલ મંજૂર
કરાવ્યો હતો. ગામના સરપંચના શપથવિધિ વખતે આવેલા
વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ સ્થળ પર પુલ મંજૂરીની ખાતરી આપી હતી. બાદમાં
પુલ મંજૂર થયો અને પુલ બની જતાં ગ્રામજનોને મોટી આશા બંધાઇ કે હવે વરસાદમાં કોઇ વિઘ્ન
નહીં આવે, પરંતુ પુલ બનતાં ગયા વર્ષે પહેલા જ વર્ષમાં
પુલ તૂટી જતાં રૂા. 65 લાખની રકમ
એળે જતાં મોટી નારાજગી ફેલાઇ હતી. વિકાસની મોટી વાત થાય છે ત્યારે એક વર્ષ પહેલાં તૂટી
ગયેલા પુલનાં કામમાં એવું શું થયું તેની તપાસ પણ થઇ નથી કે નવા પુલની મંજૂરી પણ અપાઇ
નથી. ફ્લડનું કામ હોવાથી તાત્કાલિક નવા પુલનું કામ મંજૂર થવું જોઇએ, પણ એવું થયું નથી. ધારાસભ્ય શ્રી જાડેજાએ ખાતરી
આપી છે કે નવો પુલ મંજૂર થઇ જશે, પણ જો આ પ્રકારનાં વિકાસકામો
થતાં હોય તો જવાબદારી કોની એ નક્કી થવું જોઇએ તેવી માગણી ઊઠી હતી. પુલવાળા એક કિ.મી.ના
કોઝવેના રોડની જગ્યાએ પણ ખાડા જ છે, તેનો ઉકેલ આવે તેવું આગેવાનોએ
જણાવ્યું હતું.