નખત્રાણા, તા. 10 : અહીંના હિન્દુ સર્વ જ્ઞાતિનાં
સ્મશાનગૃહ તથા લાયબ્રેરીનાં નવનિર્માણનાં કામ માટે તંત્ર દ્વારા અપાયેલા વર્કઓર્ડરને
એક વર્ષ અને કામ શરૂ થયાને છ માસથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં કામ અત્યંત ધીમી ગતિએ
ચાલી રહ્યું છે. આ કામ ક્યારે પૂરું થશે તેવી
નગરજનોમાં ચર્ચા જોવા મળી રહી છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયત્નોથી સ્મશાન
ગૃહમાં આવતા મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે રૂા. 35 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ગેસ આધારિત સગડી માટે બાટલા
અન્ય સામગ્રી રાખવા માટે સ્ટોરરૂમ બનાવવાના અભાવે એ સગડી શોભાના ગાંઠિયા જેવી પડી છે.
નગરપાલિકા હસ્તકનાં કામની વિગત સૂત્રો પાસેથી મળેલ મુજબ સગડી માટેનાં ઉપકરણ સાધનો રાખવા
માટે એક રૂમની આવશ્યક્તા માટે રૂા. 1.25 લાખની ગ્રાન્ટ તંત્ર દ્વારા આવી ન હોવાનાં કારણે આ કામ ખોરંભે
ચડયું છે. જ્યારે રૂા. 15 લાખના ખર્ચે
સ્મશાનગૃહમાં છત તથા રૂા. 10 લાખના ખર્ચે
લાયબ્રેરી ભવન કામ પણ સરકારી ગ્રાન્ટ જમા ન થવા તેમજ કોન્ટ્રક્ટર કામના એજન્સી દ્વારા
એક વર્ષના સમયમાં કામ પૂર્ણ કરવાના કરારનાં કારણે ગોકળ ગતિએ ચાલતું કામ પૂર્ણ થવાની
નગરજનો પ્રતિક્ષામાં છે. પાટીદાર સમાજના અગ્રણી લાલજીભાઈ રામાણીએ આ રૂમ બનાવવાના પ્રશ્નના
ઉકેલ માટે લોકફાળો એકત્ર કરવા સૂચન કર્યું હતું. લાયબ્રેરીનું કામ સવેળા પૂર્ણ થાય
તેમજ રસ્તા પાણી ગટર સહિતના મંજૂર થયેલાં કામો સમયસર પૂર્ણ થાય તેવી નગરજનોની વ્યાપક
માંગ છે.