ભુજ, તા. 10 : કચ્છ અને સૈરાષ્ટ્ર સહિત રાજ્યના
નાના મોટા અનેક કલાકારોની આંગળી પકડી તેમને ગીત,
સંગીત અને સંતવાણી સહિતના કાર્યક્રમોનાં માધ્યમથી પાયાનું પ્લેટમફોર્મ
પૂરું પાડનારા કચ્છના જાણીતા નોબત વાદક શૈલેષ ચમનલાલ જાનીની આ નિ:સ્વાર્થ સેવાઓનું
ઋણ ચૂકવવા માટે કલાકારો અને સંસ્થાઓ દ્વારા આગામી તા. 15-6 રવિવારે મુંબઈમાં લોકડાયરો
યોજાશે, જેમાં જાણીતા કલાકાર ઓસમાણ મીર અને તેમના પુત્ર
આમીર મીર રમઝટ બોલાવશે. નોબત વાદનને લઈને લિમ્કા બુક ઓફ રેકર્ડમાં નામ અંકિત કરનારા
મૂળ માંડવીના વતની અને હાલે ભુજ રહેતા શૈલેષ જાની ગીત, સંગીત
અને સંતવાણી દ્વારા અનેકવિધ જીવદયા, ધાર્મિક, સામાજિક, સેવકીય અને દેશહિતનાં કાર્યો કરી ચૂકયા છે,
તો નાના મોટા અનેક કલાકારોનો હાથ પકડી તેમને સ્ટેજ ઉપર પહોચાડવામાં પણ
તેમનું મહત્ત્વનું અને અદકેરું યોગદાન રહ્યું છે. આગામી તા. 15મી જૂન રવિવારે માટુંગા સન્મુખાનંદ હોલમાં
શ્રી જાનીના લાભાર્થે ઓસમાણ અને આમીર મીરની પિતા-પુત્રની જોડી પેશ થશે. આ કાર્યક્રમનાં
માધ્યમથી થનારી આવક શૈલેષભાઈને આર્થિક સહાયના સ્વરૂપે અપાશે. એવું અજરામર ટ્રસ્ટ દ્વારા
આયોજિત આ લોકડાયરા માટે આયોજન વ્યવસ્થા સંભાળી રહેલા લાલભાઈ રાંભિયા, પ્રતીક મહેતા અને વિક્રમ નિઝામાએ જણાવ્યું હતું.
કચ્છી કલાકારની કદરરૂપે યોજાઈ રહેલા આ કાર્યક્રમ માટે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા
તથા કચ્છના સામાજિક આગેવાનો અને મસ્કત ગુજરાતી સમાજ પણ સહયોગ આપી રહ્યા છે. અજરામર
ટ્રસ્ટના મયૂર બોરીચા અને વિનોદ ગાલાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, 2001ના કચ્છના ભૂકંપ સમયે અસરગ્રસ્તો સાથે અબોલાં પશુઓ માટે સતત 24 કલાક નોબત વગાડી શ્રી જાનીએ
ફાળો એકત્ર કરી આપ્યો હતો, તો 2004માં ગાયોના ઘાસચારા માટે 48 કલાક નોબત વાદન સાથે તેમની
ફાળો એકત્ર કરવાની આવી જ ભૂમિકા રહી હતી.