• ગુરુવાર, 19 જૂન, 2025

ગામેગામ નંદીશાળા ખોલવાની તૈયારી

ભુજ, તા. 10 : દેશી પ્રજાતિની ગાય પોતાની ગુમાવેલી ઓળખ ફરી પ્રાપ્ત કરે અને તેની મહત્ત્વતા સમાજમાં ફરી પ્રસ્થાપિત થાય તે માટે ભુજ તાલુકાના લેર (હનુમાનજી) ખાતે 16થી 18 જૂન સુધી `ગૌસેવા સંગમ'નું અનોખુ આયોજન થયું છે. સાથેસાથે ઉપેક્ષિત એવા નંદીઓના આશ્રય માટે અહી નારાયણ નંદીશાળાનું ઉદ્ઘાટન પણ કરાશે. આવી નંદીશાળાઓમાં ગામેગામ શરૂ થાય તેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વિવિધ વિષયોને લઈને થનાર આયોજનની માહિતી આપવા આજે એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ પત્રકાર પરિષદના આરંભમાં ગૌસેવા સંગમના સંયોજક નારણભાઇ વેલાણીએ કહ્યું કે, ગોસેવા ગતિવિધિ કચ્છનાં આયોજનમાં ગિરધરભાઈ પિંડોરિયા  માધાપર અને ગોરસિયા સેવા ફાઉન્ડેશન બળદિયાના નિમંત્રણથી આ આયોજન ધરાયું છે અને તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે, તેમણે ગોરસિયા સેવા ફાઉન્ડેશન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.   નીલકંઠ ગૌવિજ્ઞાન કેન્દ્ર નાની નાગલપર અંજારના પ્રમુખ અને પ્રખર ગૌસેવક મેઘજીભાઈ હીરાણીએ ગૌસેવા સંગમ વિશે માહિતી આપતાં કહ્યું કે, ત્રણ દિવસ દરમ્યાન પ્રતિદિન 4થી 5 હજાર લોકો ઉપસ્થિત રહે તેવો અંદાજ રખાયો છે. હિતેશભાઈ જોશી ભાગવતાચાર્ય દ્વારા ગોકથાનું રસપાન કરાવાશે. એ સાથે પ્રથમ દિવસે સવારે અખિલ ભારતીય ગોસેવા ગતિવિધિ સંયોજક  અજિત મહાપાત્રાનું ગૌસેવા વિષય પર વક્તવ્ય યોજાશે. સાંજે ગાયની ખેતીમાં મહત્ત્વ વિશે ગોપાલભાઈ સૂતરિયા નું વ્યાખ્યાન યોજાશે. બીજા દિવસે સવારે  ગૌપ્રેમી મહિલા સમેલન મળશે, જેને ગૌકૃપા કથાકાર સાધ્વી નિષ્ઠા ગોપાલ સરસ્વતી સંબોધન કરશે. સાંજે જાણીતા પંચગવ્ય નિષ્ણાત ડો. હિતેશભાઈ જાનીનું વિશેષ વકતવ્ય યોજાશે. ત્રીજા અને અંતિમ દિવસે સવારે 10 વાગ્યે ગૌશાળા સંચાલક સમેલન મળશે. જેને  મેઘજીભાઈ હીરાણી સંબોધન કરશે. સાંજે ગાય દ્વારા ગ્રામ વિકાસ મુદ્દે મનોજભાઇ સોલંકીનું પ્રવચન યોજાશે. દરમ્યાન રોજ સવારે અને સાંજે ગૌકથા તેમજ સવારે સુરભિ યજ્ઞ પણ કરવામાં આવશે. સાંજના સત્ર દરમ્યાન ગાય અને પ્રાકૃતિક ખેતીમાં વિશેષ પ્રદાન કરનારા એવા તમામ લોકોને સન્માનિત કરાશે. તેમણે કહ્યું કે, છેલ્લા 10 દિવસથી ગૌસેવા સંગમના પ્રચાર માટે કચ્છના ગામેગામ યાત્રા ફરી રહી છે  એને ખૂબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. - જે ગામ નંદીશાળા શરૂ કરશે તેને આર્થિક સહાય : આ તકે એવી માહિતી પણ આપવામાં આવી હતી કે, કચ્છના જે ગામ નંદીશાળા શરૂ કરવા તૈયારી બતાવશે તેમને ગોરસિયા સેવા ફાઉન્ડેશન અને ગિરધરભાઈ પિંડોરિયા તરફથી રૂા. 3 લાખની આર્થિક સહાય તેમજ માર્ગદર્શન આપવામાં આવશે, અત્યાર સુધી પાંચ ગામોએ આવી શાળા શરૂ કરવા તૈયારી દર્શાવી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd