માંડવી, તા. 9 : માંડવી
તાલુકામાં 59 ગ્રામ પંચાયત માટે સામાન્ય અને
પેટા ચૂંટણીઓ માટે આજે નામાંકનપત્રો દર્જ કરાવવાના અંતિમ દિને સરપંચ પદ માટે 43, જ્યારે સદસ્યોની બેઠકો ઉપર એકંદરે 230 જેટલા પદવાંછુએ આવેદનપત્રો દર્જ કરાવ્યા હતા. સરપંચની
ખુરશી ઉપર બિરાજમાન થવા સૌથી વધુ છ ઉમેદવાર નાગલપરમાં આગળ આવ્યા હતા, જ્યારે નાની ખાખર, દેઢિયા, હાલાપર,
ગાંધીગ્રામ અને મેરાઉ ગામોમાં સ્પર્ધકો વગરના એક-એક ઉમેદવારીપત્ર સરપંચ
માટે પેશ થયા હોવાની માહિતી મળી હતી. આવતીકાલે ફોર્મની ચકાસણી અને 11મીએ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અવધિ પૂરી થયા બાદ
આખરી સંગ્રામનું ચિત્ર પાધરું થશે. મામલતદાર વિનોદભાઇ ગોકલાણી સાથે ચૂંટણીનો કારભાર
સંભાળતા નાયબ મામલતદાર ત્રિકમભાઇ દેસાઇએ આપેલી જાણકારી પ્રમાણે આજે ફોર્મ ભરવાના અંતિમ
દિને આખરી ચિત્ર મુજબ સરપંચ પદ ઉપર 42 અને
સભ્યો તરીકે વધુ 219 મૂરતિયાએ ઉત્સાહ
બતાવતાં આંકડો ઊંચકાયો હતો. સરપંચની ચેર ઉપર આરુઢ થવા સૌથી વધારે ઉમેદવારો પાદરના નાગલપર
ગામેથી છ જેટલા આગળ આવ્યા હતા. ઉપરાંત મોટા લાયજા અને નાના ભાડિયા ગ્રામ પંચાયતોના
મુખિયા બનવા ચાર-ચાર, દુર્ગાપુર, કોડાય,
કોજાચોરા અને પોલડિયામાંથી પ્રત્યેકમાં ત્રણ-ત્રણ, મોટી સાભરાઇ, શેરડી, મોટા આસંબિયા
અને મોટી ઉનડોઠ ગ્રા.પં. માટે દરેકમાંથી બે-બે ઉમેદવારી ફોર્મ પેશ કરવામાં આવ્યા હતા.
સદસ્યો માટે સૌથી વધારે નામાંકન મોટા લાયજા (25), નાના ભાડિયા (20) જ્યારે
નાગલપરમાંથી (18) નામાંકનપત્રો
ભરાયા હતા. આમ જો ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની આખારે નોંધપાત્ર ફેરફાર ન થાય તો
પાંચ ગ્રા.પં.ને બાદ કરતાં સીધો, ત્રિકોણિયો કે બહુકોણિયો મુકાબલો જોવાઇ
રહ્યો છે. પ્રાપ્ત હકીકતો પ્રમાણે કુલ 59 ગ્રા.પં.
ચૂંટણીમાં સૌથી વધારે ગઢશીશા પટ્ટો (17), બિદડા-ગુંદિયાળી
પંથક (9), બાયઠ-લાયજા
તરફની આથમણી પટ્ટી (12), આસંબિયા-ધુણઇ
રોડ દિશાઓ (8) અને માંડવી શહેરના પાદર સમા નવ
ગામમાં સ્થાનિક પ્રજાતંત્ર ચૂનાવી ઢોલ વાગવા પડ બંધાઇ રહ્યા છે. રાજકીય ગણિતના કોષ્ટક
માંડનારાઓએ અને કેટલાક સત્તા પક્ષના અગ્રણીઓએ નામો નહીં છાપવાની શરતે કહ્યું હતું કે, ચૂંટણીનું રણસંગ્રામ મહદઅંશે આંતરિક સ્પર્ધારૂપ જોવાય છે. પ્રતિ પક્ષ સાથે
લગભગ વીસેક ટકા, જ્યારે 80 ટકા આપસી તંદુરસ્ત લડાઇનું વાતાવરણ છે. સ્થાનિક સ્વરાજની
ચૂંટણીઓ પક્ષીય સિમ્બોલ ઉપર નથી યોજાતી, તેથી કથિત તંદુરસ્ત સ્પર્ધામાં હરીફને
હરાવવાનો મોકો રહે છે. ચોપાટ ઉપર કોણ કોને ચિત કરે છે તે 22મી જૂન કહી દેશે.