• મંગળવાર, 17 જૂન, 2025

ભુજમાં જામ્યો વિધાનસભા ચૂંટણી જેવો માહોલ

ભુજ, તા. 9 : ગ્રામ્ય સંસદના સુકાની પદની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિને ભુજ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતના સરપંચ પદ 102, જ્યારે સભ્ય બનવા માટે  502 ઉમેદવારે દાવેદારી નોંધાવી છે, જ્યારે કેટલાંક ગામોમાં યોજાનારી પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે 15 અને સભ્ય માટે 12 ઉમેદવારે ફોર્મ ભર્યાં હતાં, ફોર્મ ભરવાના અંતિમ દિન સોમવારે આ પ્રક્રિયા માટે ઉમેદવારોની સાથે ટેકેદારો પણ મોટી સંખ્યામાં ઊમટી પડતાં તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ધમધમાટ જોવા મળ્યો હતો. ભુજ તાલુકામાં 35 સામાન્ય અને 38 ગામમાં પેટા ચૂંટણી યોજાવાની છે, જેના માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિને કુલ 635 ફોર્મ ભરાયા હતા, આ ચૂંટણીને લઈને ગ્રામ્યસ્તરથી લઈને શહેરની તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ફોર્મ ભરવા મોટી સંખ્યામાં આવેલા ઉમેદવારો સાથે ટેકેદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભુજ તાલુકા પંચાયત, જૂની અને નવી મામલતદાર કચેરીના પ્રાંગણમાં ઉમેદવારોની સાથે ગ્રામ્ય પહેરવેશમાં આવેલી મહિલાઓ તેમજ ટોળે વળી બેઠેલા પુરુષોએ જુસ્સા સાથે જણાવ્યું કે, જે વિકાસના કામો કરે એવા ઉમેદવારના કામો જોઈએ જ ચૂંટવો જોઈએ.

સમૃદ્ધ ગામમાં સૌથી વધુ ઉમેદવાર

શહેરના પરાં સમાન માધાપર (નવાવાસ)માં છેલ્લાં ત્રણેક વર્ષથી વહીવટદારનું શાસન છે, એશિયાના સમૃદ્ધ ગામ તરીકે જેની ગણના થાય છે તેવા માધાપર (નવાવાસ) ગામે યોજાનારી ચૂંટણીમાં સરપંચ પદ માટે છ, જ્યારે સભ્ય માટે 67 ફોર્મ ભરાયાં છે.

પદ્ધરમાં 36 ફોર્મ ભરાયાં

આ ગામનું શાસન વર્ષોથી કોંગ્રેસના કબજામાં છે, ત્યારે આ વખતે કોણ બાજી મારે છે, તે જોવાનું છે, તો ઔદ્યોગિક ધમધમાટ ધરાવતાં પદ્ધર ગામે પણ સરપંચ પદ માટે ચાર અને 31 સભ્ય પદ માટે ફોર્મ ભરાયા છે, જ્યારે શહેરના પશ્ચિમ કોણે આવેલા મિરજાપર ગામે સુકાની તરીકે ચાર અને સભ્ય માટે 28 જણે ઉમેદવારી નોંધાવી છે. તો સરલી ગામે સરપંચ પદ માટે નવ જણે અને સભ્ય માટે 18 જણે ફોર્મ ભર્યાં છે.

નવ ગામમાં બિનહરીફ સરપંચ ચૂંટાશે

તાલુકાના કોડકી, ગડા, ચપરેડી, ગજોડ, વડઝર, હોડકા, વરલી, ખેંગારપર અને નાના વરનોરા ગામે સરપંચ પદ માટે એક-એક ફોર્મ ભરાતાં આ ગામોના સુકાની બિનહરીફ ચૂંટાશે. જો કે, તેનું સ્પષ્ટ ચિત્ર ફોર્મ પરત ખેંચવાના દિવસે બુધવારે થશે.

પેટા ચૂંટણી માટે 27 ફોર્મ રજૂ થયાં

તાલુકાના 38 ગામમાં યોજાનારી પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિને આજે સરપંચ પદ માટે 15 અને સભ્ય પદ માટે દાવેદારી નોંધાવી હતી. આ ગામો પૈકી સરપંચ પદ માટે કુરબઈમાં ત્રણ, મોખાણા છ, નારાણપર (પસાયતી) ત્રણ, સાડઈમાં એક જ (જે બિનહરીફ થશે) અને સોયલામાં બે ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં, જ્યારે સભ્યની દાવેદારી માટે મદનપુરા, કુરબઈ બે-બે, સુખપર, મોખાણા, આણંદસર, મિસરિયાડો, ભોજરડો, નારાણપર (પ)માં એક-એક ફોર્મ ભરાયાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd