ભુજ, તા. 9 : ત્રણ
વર્ષ કરતાં વધુના લાંબા અંતરાલ પછી કચ્છની 166 ગ્રામ
પંચાયતની સામાન્ય અને 241 ગ્રામ
પંચાયતની પેટા મળી 407 ગ્રામ પંચાયત
માટે આગામી 22 જૂને મતદાન હાથ ધરાવાનું છે, ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોનો
રાફડો ફાટતાં જિલ્લાભરમાં ઉમેદવારી ફોર્મ ભરવાનાં સ્થળે ફોર્મ ભરવા આવેલા મુરતિયાઓ
સાથે તેમના દાવેદારોનો જમાવડો જોવા મળ્યો હતો. જિલ્લાની 166 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચપદ માટે 200થી વધુ અને સભ્યપદ માટે લગભગ 700થી વધુ ફોર્મ ભરાયાં છે. મંગળવારે ભરાયેલાં તમામ ઉમેદવારી
ફોર્મની ચકાસણી થશે. બુધવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું આખરી ચિત્ર
સ્પષ્ટ થશે. જો કે, આ માટેનું ચિત્ર વિધિવત રીતે તો બુધવારે
જ સ્પષ્ટ થશે. મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ કચ્છની આ 166 ગ્રામ પંચાયતને વહીવટદાર શાસનમાંથી પણ મુક્તિ મળી જવાની
છે. બીજી જૂને જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ પ્રમાણમાં સુષ્ક રહેલા માહોલ બાદ ઉમેદવારી
ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લાના તમામ તાલુકામાં મામલતદાર અને તા. પંચાયત કચેરીએ
મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતાં ચૂંટણીના ગરમાવાએ હવે રંગ પકડયો હોવાનો માહોલ જોવા
મળ્યો હતો. સવારથી બપોર સુધી ચાલેલી ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ જિલ્લાતંત્ર દ્વારા
સત્તાવાર રીતે મોડી સાંજે ગ્રામ પંચાયત માટે કુલ કેટલા ઉમેદવારી ફોર્મ ભરાયાં તેની
સત્તાવાર વિગત જાહેર કરી હતી. જિલ્લામાં સૌથી વધુ 65 ગ્રામ
પંચાયતની સામાન્ય અને 38 ગ્રામ
પંચાયતની પેટાચૂંટણી ભુજમાં યોજાવાની છે ત્યારે ભુજ તાલુકામાં સરપંચપદ માટે 106 અને સભ્યપદ માટે 502 દાવેદારોએ
પોતાની દાવેદારી નોંધાવી છે. કેટલાક મોટા અને સમૃદ્ધ ગામના દાવેદારો પોતાના ટેકેદારો
સાથે વાજતેગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા જિલ્લા મથકે પહોંચ્યા હતા. કચ્છમાં ઔદ્યોગિક વિકાસ
વેગવાન બન્યા બાદ ગ્રામ પંચાયતના સરપંચપદનું મહત્ત્વ વધ્યું છે. એટલે જ કેટલાક એવા
ગામો કે જ્યાં ઔદ્યોગિક ધમધમાટ જોવા મળે છે ત્યાંની ચૂંટણીને લઇ વ્યાપક ચર્ચાની સાથે
ધમધમાટ જોવા મળતો હોય છે. અબડાસા તાલુકાની છ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચપદ
માટે 11 અને સભ્યપદ માટે 58 જેટલાં ફોર્મ ભરાયાં છે. નલિયાની મામલતદાર કચેરીએ ઉમેદવારી
ફોર્મ ભરવાની કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો. સરહદી લખપત તાલુકામાં સરપંચ પદ માટે
12, તો સભ્યપદ માટે 58 ઉમેદવારી
ફોર્મ ભરાયાં હતાં. રાપર તાલુકામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થવા સાથે પાટલા બેઠકોનો દોર શરૂ થયો હતો. જિલ્લામાં કેટલી
ગ્રા. પંચાયતમાં સભ્યપદ બિનહરીફ થઇ તેનો ચોક્કસ આંકડો સત્તાવાર રીતે રાત્રિ સુધી જિલ્લાસ્તરે
ઉપલબ્ધ થયો નહોતો.