ગાંધીધામ, તા. 20 : ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ
થયેલા મેઘપર-કુંભારડીની રહેણાક વસાહતો પાસે રોડની બાજુમાં જ ગટર ચેમ્બરો ખુલ્લી હોવાથી
લોકો અને વાહનચાલકો માટે જોખમી બની છે. માંગલ્ય રેસિડેન્સીની ગોળાઈ ઉપર જ ખુલ્લી ગટર
ચેમ્બર હોવાથી અકસ્માતો પણ સર્જાયા છે. ખાસ કરીને રાત્રિના સમયે વધારે જોખમ રહે છે.
વહીવટી તંત્ર દ્વારા તુરંત પગલાં ભરીને ખુલ્લી ગટર ચેમ્બર ઉપર ઢાંકણા ઢાંકવામાં આવે
તેવી માંગ લોકો કરી રહ્યા છે. મેઘપર-કુંભારડીમાં રોડ-રસ્તા, ગટર પાણી, લાઈટ,
સફાઇના અભાવે ફેલાયેલી ગંદકી સહિતની અનેક સમસ્યાઓથી લોકો પરેશાન છે.
ગામનો ગ્રામ પંચાયતમાંથી મહાનગરપાલિકામાં સમાવેશ થયેલો છે, તેમ
છતાં સ્થિતિમાં કોઈ સુધારો દેખાતો નથી. લોકો મહાનગરપાલિકાની કચેરી સુધી રજૂઆતો કરવા
પહોંચે છે. જવાબદારો દ્વારા ખાતરી પણ અપાય છે, પરંતુ કામગીરી
થતી નથી. સમયસર સમસ્યાઓ સંબંધી ફરિયાદોનો નિકાલ થતો નથી, જેના
કારણે લોકોની મુશ્કેલી ઓછી થતી નથી. કુંભારડીની માંગલ્ય રેસિડેન્સી સહિતની જે વસાહતો
છે, તેની બાજુના માર્ગોને કાંઠે ખુલ્લી ગટર ચેમ્બરોથી ગંભીર અકસ્માતનો ખતરો ઊભો થયો છે. જોખમી ચેમ્બર
ઉપર તુરંત ઢાંકણા ઢાંકવામાં આવે તેવી માંગ વિસ્તારના લોકો કરી રહ્યા છે.