• મંગળવાર, 17 જૂન, 2025

પૂર્વ કચ્છમાં સરહદી વિસ્તારના લોકોને ભારતીય સૈન્યની સક્ષમતા ઉપર સંપૂર્ણ ભરોસો

રામજી મેરિયા દ્વારા : ચોબારી (તા.ભચાઉ) તા. 11 : પહેલગામ હુમલાબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ભર્યો માહોલ ઊભો થયો છે ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં સરહદ પારની કોઈ હિલચાલને પહોંચી વળવા માટે સૈન્ય સાબદું બન્યુ છે, તો બીજી બાજુ સ્થાનિક લોકો પણ જાગૃત બન્યા છે. પૂર્વ કચ્છના સરહદી વિસ્તારના બેલા, મૌવાણા, બાલાસર વિસ્તારની કચ્છમિત્રની ટીમે મુલાકાત લીધી હતી, ત્યારે લોકો ચિંતામુક્ત જોવા મળ્યા હતા. બાલાસરના કુંભા મારાજ અને વિક્રમસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અમને અહીં કોઈ પણ પ્રકારનો ડર કે ભય નથી.  આપણી સેના સક્ષમ છે. અમો નિશ્ચિત છીએ. બાલાસર પોલીસ સ્ટેશનના એસ.વી. ચૌધરીએ જણાવ્યું હતું કેઆ વિસ્તારમાં સઘન પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે. કોઈ પણ જગ્યાએ  હિલચાલ જણાય તો તંત્રને જાણ કરવા તેમણે જણાવ્યું હતું. પ્રાંથળ વિસ્તારની મુલાકાત દરમ્યાન બેલાગામના ધારાશાત્રી ભૂપતસિંહ વાઘેલા પણ જોડાયા હતા. આ વિસ્તારની તાસીરના જાણકાર  શ્રી વાઘેલા સ્થાનિક લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એક સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર થતો હતો. બજારમાં છેક થરપાકર સુધીના લોકો અહીં બજારમાં ખરીદી માટે આવતા હતા. બેલા ગામની બજાર આજે પણ અકબંધ છે. ગામનાં ઠાકર મંદિર પાસે બેઠેલા અગ્રણી મંગુભા વાઘેલા, ભીખુભા અને મહાવીરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વર્ષ 65 અને 71નાં  યુદ્ધમાં પણ કોઈ અસર થઈ હોવાનુ ક્યારેય  વડીલો પાસેથી સાંભળ્યુ નથી. બેલાની બજારમાં ગધેડા, ઘોડા, બળદગાડી, ઉંટ ઉપર વેપાર  થતો હતો. સામે પારથી લોકો ચિંભડા, કોઠીંબા, કાચરા,બાજરો લાવતા હતા. અહીંથી કાપડ સહિતની વસ્તુ લઈ જતા હતા. બેલાની બજારનો સૂરજ મધ્યાહ્ને હતો તે સમયે  પાંચ કોરી હોય, તો બેલાની બજારમાં જવાય તેવી કહેવત હતી.  પ્રાંથળ પંથકમાં લોકો હોલસેલ અને રિટેલ ખરીદી માટે આવતા હોવાનુ સ્થાનિકોએ ઉમેર્યું હતું.   આ બજારની કેટલીક દુકાનો હજુ પણ ચાલુ છે. બેલામાંથી જૈન અને લોહાણા સમુદાયના લોકોએ સ્થળાંતર કર્યું છે. હાલમાં અહીં મેઘવાળ, કોળી, રબારી, ક્ષત્રિય સહિતની જ્ઞાતિના લોકો વસવાટ કરી રહ્યા છે તેવું બેલાના ગ્રામજનોએ જણાવ્યુ હતું. 1971માં શરણાર્થી તરીકે  અહીં આવેલા  સૂરતાજી મહારાજ  રેડીયો ટયૂન કરી યુદ્ધની તંગદિલીના સમાચાર  સાંભળતા જોવા મળ્યા હતા. યુદ્ધની પરિસ્થિતિમાં ડર નથી લાગતો  તેના  જવાબમાં આ વૃદ્ધે જણાવ્યું હતું કે, વર્ષ 1971માં અહીં આવ્યા, ત્યારે પણ ડર્યા ન હતા તો પછી અહીં શેનો ડર. આપણી સેના મજબૂત છે. અમો ભય વિના રહીએ છીએ. 71ની સાલમાં   બળદગાડીમાં સરસામાન અને અનાજ લઈને અહીં આવ્યા  હતા તેવુ તેમણે વધુમાં જણાવ્યુ હતું. દેશની સરહદે તંગદિલીભર્યા માહોલ વચ્ચે વાગડ પંથકમાં સરહદ પાસેનાં ગ્રામ્ય વિસ્તારના  લોકોનો  ભારતીય સુરક્ષા સેના  ઉપર ભરોસો  અકબંધ છે અને લોકો રાબેતા મુજબ પોતાના કામધંધામાં વ્યસ્ત છે. લોકોમાં અહીં યુદ્ધનો ભય નહીં પણ જાગૃતતા જોવા મળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd