• સોમવાર, 12 મે, 2025

અબડાસામાં મિની વાવાઝોડાં સાથે અડધોથી એક ઇંચ

ભુજ, તા. 10 : કચ્છમાં એક દિવસે કમોસમી વરસાદે વિરામ રાખ્યા બાદ ફરી એકવાર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે જિલ્લાના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઝાપટાંથી લઈ એક ઈંચ સુધીનો વરસાદ પડયો હતે. અબડાસા તાલુકામાં મિની વાવાઝોડાં સાથે વરસાદ પડતાં ભાચુંડા વાડીવિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં. આ તરફ જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો ઊંચકાઈ 39.7 ડિગ્રીએ પહોંચતાં ભુજ રાજ્યનું સર્વાધિક ગરમ મથક બનતાં શહેરીજનો ગરમીમાં શેકાયા હતા. હવામાન વિભાગે બે દિવસ કેટલાક સ્થળે કમોસમી વરસાદની સંભાવના દેખાડી છે. કોઠારાથી મનોજ સોનેના અહેવાલ મુજબ અબડાસા તાલુકાના અમુક ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. ગરમી-ઉકળાટ વચ્ચે ભાચુંડામાં ભારે પવન સાથે એક ઈંચ વરસાદ પડયાનું રાજા ભાનુશાલીએ જણાવેલું હતું. ભાચુંડા વાડીવિસ્તારમાં 100 જેટલાં વૃક્ષો ભારે પવનમાં પડી ગયાં હતાં. ક્યાંક વાડીવિસ્તારનાં મકાનના પતરાં પણ ઊડી ગયાં હતાં. બાજરીના ઊભેલા પાકને પણ નુકસાની થઈ હતી. તેરા ગામે અડધો ઈંચ વરસાદ ભારે પવન સાથે થયો હોવાનું ગિરીશ શાહએ જણાવ્યું હતું. કોઠારામાં ઝાપટાં અને ધનાવાડા, ગઢવાડા, નાગોરમાં અડધો ઈંચ વરસાદ થયાની માહિતી મળી હતી. - ફાચરિયામાં એક ઇંચ  : હવામાન વિભાગની આગાહી વચ્ચે બપોર બાદ એકાએક હવામાન બદલાતાં કાળા  વાદળો ફાચરિયા ગામે છવાઈ ગયા હતા અને ભારે ઝાપટાં સાથે એક ઈંચ  વરસાદ થયાનું સરપંચ માંડણભાઈ રબારીએ જણાવ્યું હતું. આ તરફ નખત્રાણા તાલુકાના રવાપરમાં 20 મિનિટ સુધી ઝાપટાં પડતાં માર્ગો પરથી પાણી વહ્યાં હતાં. જિલ્લા મથક ભુજમાં ધૂપ-છાંવના માહોલ વચ્ચે આખો દિવસ પ્રખર તાપનો અનુભવ થયો હતો. કંડલા પોર્ટમાં 38 અને નલિયામાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયો હતો. માતાના મઢમાં ઝાપટાંરૂપી ગાજવીજ સાથે વરસાદની હાજરી મળી હતી. રાપર તાલુકાના સેલારી ગામે શનિવારે સાંજે 7 વાગ્યે ગાજવીજ ને પવન સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડતાં સેલારીની બજારોમાં પાણી વહી નીકળ્યાં હતાં, તેવું દિનેશભાઈ એમ. ઠક્કરે જણાવ્યું હતું, તો આડેસરમાં વરસાદી છાંટા પડયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd