ગાંધીધામ, તા. 15 : ગાંધીધામ મહા નગરપાલિકામાં
ત્રણ મહિના દરમિયાન 1598 બાળકના જન્મની
નોંધણી થઈ છે અને 392 લોકોનાં મરણના
દાખલા પણ આપવામાં આવ્યા છે. જો કે, પૂર્વ કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં વસવાટ કરતા જે પરિવારોના બાળકોના જન્મ ગાંધીધામ-આદિપુરની
હોસ્પિટલોમાં થાય છે, તેમની નોંધણી પણ મહા નગરપાલિકામાં થાય છે. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને સંકુલમાં પુરુષ
કરતાં સ્ત્રી જન્મદર ઓછો છે. મહા નગરપાલિકાના ચોપડા ઉપર નોંધાયેલા આંકડા મુજબ એક જાન્યુઆરી-2024થી લઈને 31 ડિસેમ્બર-2024 દરમિયાન કુલ 6699 બાળકના જન્મની નોંધણી થઈ હતી, તેમાં 3462 બાળક અને 3237 બાળકી છે, બંને વચ્ચે 255 એટલે કે, લગભગ 3.36 ટકાનો તફાવત જોવા મળી રહ્યો
છે, પરંતુ જાન્યુઆરી-2025થી લઈને માર્ચ-2025 દરમિયાન ત્રણ મહિનામાં 1598 બાળકના જન્મની નોંધણી થઈ છે
તેમાં સ્ત્રી જન્મ દર ઊંચો છે. 797 બાળકની સામે
801 બાળકીના જન્મની નોંધણી થઈ છે.
બંને વચ્ચે ચારનો તફાવત જોવા મળ્યો છે. આ ત્રણ મહિના દરમિયાન 392 લોકોનાં મૃત્યુની નોંધ થઈ હોવાનું
સૂત્રોએ જણાવ્યું હતું. હાલના સમયે આધારકાર્ડ
અને શાળાઓમાં વિદ્યાર્થીઓના અપાર આઈડી માટે જન્મના પ્રમાણપત્રમાં સુધારા માટે ઘણી ભીડ
જોવા મળે છે. જન્મ નોંધણી વિભાગ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 3200થી વધુ અરજીનો નિકાલ કરવામાં
આવ્યો છે. પ્રિન્ટર સહિતની સાધન-સામગ્રીના અભાવે કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઇ રહી હતી, પણ કમિશનર અને નાયબ કમિશનરે વિભાગની સ્થિતિનો તાગ મેળવીને તાકીદે નવા પ્રિન્ટર
સહિતના ઉપકરણ વિભાગને આપવમાં આવ્યા છે. જેના કારણે જન્મના પ્રમાણપત્ર કાઢવાની કામગીરીમાં
પણ ઝડપ આવી છે. હાલના સમયે અરજીઓ આવવાનો સિલસિલો યથાવત છે. સવારથી રાત સુધી વિભાગના
કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે અને પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
સ્ટાફઘટની સમસ્યા છે, તેને ઝડપથી નિવારવામાં આવે તે જરૂરી છે.