ભુજ, તા. 15 : તાજેતરમાં સુખપરમાં રહેતા કોલી
સમાજના એક યુવાનનું મૃત્યુ થતાં તેમના સંબંધીઓએ ગામના એક કાર્યકર્તાને ફોન કરીને જણાવ્યું
કે, અમને મૃતદેહ દાટવાને બદલે સ્મશાનમાં અગ્નિસંસ્કાર
કરવાની ઇચ્છા છે, તો એ વ્યવસ્થા થઈ શકે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓ ધરાવતાં આ ગામમાં વર્ષોથી આ બધું કાર્ય
સહજ હોતાં તરત જ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. અગાઉ હિંદુ સમાજની દરેક જ્ઞાતિ અને જાતિ મૃત્યુ
પછી મૃતદેહનો અગ્નિસંસ્કાર જ કરતી હતી, પરંતુ ક્યાંક સ્મશાન જેવી
સુવિધાઓની ઉપલબ્ધતા ન હોવાથી અને ક્યાંક ગરીબીને કારણે લાકડાં, ઘી, નનામી, કાટખપણ સહિતની વસ્તુઓ
માટે થતા ખર્ચ સહિતનાં વિવિધ કારણોસર અનુ.જાતિ અને કોલી સમાજ અગ્નિસંસ્કારને બદલે જ્યાં
જગ્યા મળે ત્યાં ખાડો કરીને પગને અંગૂઠે પ્રતીકાત્મક અગ્નિદાહ આપીને મૃતદેહને દાટવાની
વિધિ કરતો થયો હતો. ગામ કે સીમમાં દાટવા માટે જગ્યાનો અભાવ, કલાકો
સુધી પરિવારજનોની વ્યથા અને કલ્પાંત વચ્ચે મૃતદેહને કલાકો સુધી ઘરે સાચવી રાખવો. મૃતદેહ
દટાયો હોય તે જગ્યાએ હિંસક જનાવરની બીકથી મોટા પથ્થરોથી એ જગ્યાને ઢાંકવી. સમય જતાં
સમાધિ જેવું પાકું બાંધકામ કરીને વર્ષો સુધી તેની આમન્યા માટે જાળવણી કરવી એ કામ અગ્નિસંસ્કાર
કરતાંય વધુ અઘરું બની જાય છે. આ જ્ઞાતિના વડવાઓને પોતે જોયેલી જૂની વ્યવસ્થા યાદ આવતાં
ફરીથી અગ્નિદાહ માટેની તૈયારી દર્શાવતાં ગામના સંપન્ન સમાજ દ્વારા મદનપુર (સુખપર) ગામે
આવેલી સાર્વજનિક હિંદુ સ્મશાન ભૂમિ (મુક્તિધામ) ખાતે આ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવતાં
હવે આ સમાજ પણ અગ્નિસંસ્કાર જેવી શાસ્ત્રોક્ત અને સરળ વિધિ તરફ પાછો વળી રહ્યો છે.
ભુજ-માંડવી હાઇવે સ્થિત શિવપારસ મંદિર સંકુલની બરોબર પાછળ આવેલી અને કોરોના સમયે રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનાં માધ્યમે ટુંકા સમયમાં સેંકડો મૃતદેહોના અગ્નિસંસ્કાર
માટે નિમિત્ત બનેલી આ જગ્યાએ અત્યારે યુ.કે. સ્થિત ગામના જ દાતા નારાણભાઈ શિયાણી દ્વારા
નજીકના ડુંગરા ઉપર આદિયોગીની વિશાળ મૂર્તિ બેસાડવા ઉપરાંત બાગ-બગીચા અને વૃક્ષારોપણ
દ્વારા ફરવાલાયક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે કે, દૂરથી
લોકો કલ્પના પણ ન કરી શકે કે, આ જગ્યાએ સ્મશાન પણ છે. ઘણો સમય અગ્નિસંસ્કારની વિધિથી દૂર રહેલા આ સમાજને
જ્યાં પણ જરૂર પડે ત્યાં ગામના સ્વયંસેવકો સ્મશાને પહોંચી જઈને સમરસતાના ભાવ સાથે ચૂલામાં
લાકડાં ગોઠવવા સહિતની પ્રારંભથી અંત સુધીની સંપૂર્ણ વિધિ કરવામાં સહયોગી બને છે. સેવાભાવી
વાલજી લખમણ હાલાઈ અને તેમના પુત્રો પણ આ કામ માટે રાત-દિવસ ખડેપગે રહેવાની સેવા સંભાળી
રહ્યા છે.