• ગુરુવાર, 01 મે, 2025

મંદિર આસ્થા તથા પરસ્પર એકાત્મભાવનું કેન્દ્ર

કોડાય (તા. માંડવી), તા. 15 : માંડવીનાં સ્વામિનારાયણ મંદિરની રજત જયંતીએ ઊજવાતા ઘનશ્યામ મહોત્સવમાં મહાઅભિષેક, અન્નકૂટ દર્શન, રક્તદાન કેમ્પ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મહોત્સવમાં આચાર્ય 1008 કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા સંતોના હસ્તે મહાભિષેક કરાયો હતો. અન્નકૂટ દર્શનમાં ભાવિકો ઉમટયા હતા. આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજીએ મંદિર એ આસ્થા તથા પરસ્પર એકાત્મભાવ માટેનું કેન્દ્ર હોવાથી ભજન, સત્સંગ મારફતે ધર્મનો સંચાર થતો હોવાથી સંતોની નિશ્રામાં સકારાત્મક દૃષ્ટિકોણની પ્રાપ્તિ થાય છે તેવું જણાવ્યું  હતું. માંડવી મંદિરના મહંત પુરુષોત્તમ સ્વરૂપદાસજીએ સેવા આપનારા હરિભક્તો તથા સાંખ્યયોગી બહેનોનાં યોગદાન, યજમાન પરિવાર તથા સહયોગીઓની ભક્તિને બિરદાવી હતી. ભુજ મંદિરના કોઠારી દેવપ્રકાશદાસજીએ માંડવી મંડળ, ટ્રસ્ટીગણ તથા હરિભક્તોને બિરદાવ્યા હતા. કથાના વક્તા સ્વામી શ્યામકૃષ્ણદાસજીએ ભગવાન સ્વામિનારાયણે માંડવી વિસ્તારમાં કરેલાં ગામદીઠ વિચરણનું વર્ણન કર્યું હતું. રક્તદાન કેમ્પમાં 160 બોટલ રક્ત એકત્ર થયું હતું. સંતો તથા સાંખ્યયોગી બહેનોએ રક્તદાન કર્યું હતું. કેમ્પમાં ભુજ જનરલ હોસ્પિટલ તથા માંડવી જનરલ હોસ્પિટલ સહયોગી બની હતી. મહોત્સવમાં મુખ્ય સહયોગી, ટ્રસ્ટી મંડળનું સન્માન કરાયું હતું. કથામાં શ્રીજીનંદનદાસજી, ભજન પ્રકાશદાસજી, કપિલમુનિદાસજી, વાસુદેવપ્રિયદાસજીએ સંગીતના સૂરો રેલાવ્યા હતા. માંડવી તાલુકાની ગૌશાળા તથા પાંજરાપોળોમાં દરરોજ 800 મણ જેટલો ચારો નાખવામાં આવ્યો હતો. અન્ય જીવદયાનાં કાર્યો કરાયાં હતાં. ભુજ મંદિરના મહંત ધર્મનંદનદાસજીનાં અધ્યક્ષસ્થાને આયોજિત ઘનશ્યામ મહોત્સવમાં ગઢપૂર મંદિરના ચેરમેન શા. સ્વામી હરજીવનદાસજી, સ્વામી શ્રીહરિદાસજી, અંજાર મંદિરના કોઠારી શ્રીરંગદાસજી, માનકૂવા ગુરુકુળના ઉત્તમપ્રિયદાસજી, તપોવન ગુરુકુળના શા. સ્વામી દેવચરણદાસજી, કોડાય ગુરુકુળના શા. સ્વામી કૃષ્ણજીવનદાસજી સહિત સંતો, ભુજ મંદિરના મુખ્ય કોઠારી મૂળજી શિયાણી, ટ્રસ્ટીગણ, તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, સુરેશભાઈ સંગાર, વિજય ચૌહાણ, સોતિક શાહ, પીયૂષ ગોહિલ, લક્ષ્મીશંકર જોષી, અરવિંદ ગોહિલ, પ્રેમજી કેરાઈ, કીર્તિભાઈ ગોર, રાઘવદાન ગઢવી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન સ્વામી સુખદેવ સ્વરૂપદાસજીએ કર્યું હતું, તેવું મહોત્સવના કન્વીનર ડો. સત્યપ્રસાદદાસજીએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd