ભુજ, તા. 21 : કચ્છના જૈન સમાજના આગેવાન અને
ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તા હિતેશભાઈ હિંમતલાલ ખંડોરને ભારતીય જૈન સંઘટનામાં
ગુજરાત પ્રદેશના મંત્રી (ટેકનોલોજી અને ગ્રુપ ફોર્મેશન) તરીકેની વિશેષ જવાબદારી આપવામાં
આવી છે. હિતેશભાઈ હાલમાં ગુજરાત ભાજપ પ્રદેશમાં આપત્તિ, રાહત અને સેવાઓ વિભાગના સંયોજક તરીકે પોતાની
સેવાઓ આપી રહ્યા છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનમાં પણ તેઓ કચ્છ જિલ્લા
મહામંત્રી તેમજ અન્ય હોદ્દાઓ પર વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. ભારતીય જૈન સંઘટના-કચ્છના
અધ્યક્ષ તરીકે પણ તેમની સેવાના વિવિધ પ્રકલ્પોની કામગીરીમાં પોતાનું નામ મુઠ્ઠીઉંચેરું
કર્યું છે. ભુજ તાલુકાનાં વિવિધ તળાવો ઊંડાં કરવા 100 જિલ્લામાં ભારત સરકાર સાથે
એમ.ઓ.યુ. કરવામાં આવેલાં છે અને જળસંગ્રહ શક્તિ વધારવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
ભુજની મુખ્ય ઓળખ એવાં હમીરસર તળાવની વિવિધ સાત પ્રકારની આવની સફાઈ દ્વારા ભુજની તમામ
જનતાનાં હૃદયમાં પોતાની અમીટ છાપ છોડી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જૈન સંઘટના દ્વારા ધરતીકંપ સમયે 368 સ્કૂલનું નિર્માણ કરવામાં આવેલું
છે. વાગડ બે ચોવીસી જૈન સમાજ માધાપરના પ્રમુખ તરીકે અને હિન્દુ સનાતન સમાજના દરેક જ્ઞાતિ
અને વર્ગોમાં પણ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા શ્રી ખંડોર સારી લોકચાહના મેળવી
રહ્યા છે. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છના અધ્યક્ષ તરીકે તેઓ જીવદયાની ઉત્તમ સેવાઓ, જેમાં શ્વાનો માટે દરરોજ 3,000 જેટલી રોટલી વિતરણ કરવામાં
આવી રહી છે તેમજ કચ્છભરમાં જ્યાં પણ ગૌમાતા માટે ઘાસની અછત હોય ત્યારે ઘાસ વિતરણ જેવી
પ્રવૃત્તિઓમાં હંમેશાં અગ્રેસર રહ્યા છે.