• બુધવાર, 30 એપ્રિલ, 2025

કર્મવાદનો સિદ્ધાંત છે - જેવી કરણી, તેવી ભરણી

ભુજ, તા. 21 : જનમાનસને આધ્યાત્મિક સંસ્કાર પ્રદાન કરનારા જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા અને શાંતિદૂત આચાર્ય મહાશ્રમણજી ગાંધીધામમાં સંઘ પ્રવાસને સફળતાપૂર્વક પૂર્ણ કરી, ફરીથી યાત્રાયિત થઈ ચૂક્યા છે. શુક્રવારની પ્રભાત વેલા દરમિયાન પડાણા ખાતે આવેલ પાઇન ઇન્ડિયા પરિસરમાંથી પ્રસ્થાન કર્યું હતું. ભક્તજનોને આશીર્વાદ આપતા-આપતા, આશરે દસ કિલોમીટરનો વિહાર કરીને તેઓ નાની ચિરઈ ગામે આવેલા શક્તિ વિદ્યાલયે આવી પહોંચેલા આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, કર્મવાદનો સિદ્ધાંત જૈન ધર્મ તથા અન્ય ધર્મોમાં પણ જોવા મળે છે. કર્મવાદનું સંક્ષિપ્ત પ્રાણતત્વ છે- `જેવી કરણી, તેવી ભરણી. `બસ, આમાં જ કર્મવાદનો સારો સાર સમાઈ જાય છે. શાસ્ત્રોમાં પણ જણાવાયું છે કે, મનુષ્ય આ લોક અને પરલોક બંનેમાં પોતાના કર્મોનાં ફળના આધારે દુ:ખ કે સુખ પ્રાપ્ત કરે છે. કરેલા કર્મોનાં ફળ ભોગ્યા વિના, મનુષ્યને મુક્તિ મળતી નથી. પોતાના કર્મોનું ફળ પોતે ભોગવવું જ પડે છે. મનુષ્ય હસતા-હસતા કર્મ બંધન કરે છે, પણ જયારે પરિણામ આવે ત્યારે તેને રડવું પડે છે. કોઈ વ્યક્તિ ચોરી કરે અને જો પકડાઈ જાય, તો તેને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે! એ જ રીતે, હિંસા કે હત્યા કરતા લોકો પણ તેમના કર્મોનાં ફળ ભોગવે છે.મનુષ્યએ પોતાના જીવનમાં પ્રયત્ન કરવો જોઈએ કે તેનાથી કોઈપણ દુશ્કર્મ ન થાય. ચોરી, હિંસા, હત્યા, ઠગાઈ વગેરે જેવી બાબતોથી બચવું જોઈએ અને સદાચરણ તથા ઈમાનદારીનો માર્ગ અપનાવવો જોઈએ. આ માનવજીવન અતિ દુર્લભ છે અને આપણે સૌએ તેને પામ્યું છે, તો આપણા માટે આ સોનાનો અવસર છે કે આપણે ધાર્મિક સાધનામાં આપનું જીવન સમર્પિત કરીએ. જેટલું શક્ય થાય તેટલું ધર્મની આરાધના અને સાધના કરવી જોઈએ. જો ધર્મમાં આપત્તિ, વિપત્તિ કે સંકટ પણ આવી જાય, તો પણ મનુષ્યે ધર્મનો ત્યાગ કરવો નહીં. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અડગ રાખવી. આ જીવનમાં સારા કર્મો અને ધર્મસાધનાથી જીવનને ફળદાયી બનાવવું એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા. આચાર્ય સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે. કે. સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ્, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે, સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે તેવું એક યાદીમાં આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ-ભુજના પ્રીન્ટ મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd