ભુજ, તા. 19 : તાલુકાની મિરજાપર ગ્રુપ શાળામાં
મોચીરાઇ પ્રા. શાળામાં હાલમાં ખંડેર જેવી જર્જરિત બની ગઇ છે. આવી કાળઝાળ ગરમીમાં ઉપર
આભ નીચે જમીનના સહારે બાળકોને અભ્યાસ કરવાનો વારો આવી રહ્યો છે. એક બાજુ સરકાર તરફથી
વિવિધ તાયફા કરી બાળકોને શાળામાં લાવવામાં આવે છે,
ત્યારે આ શાળાની હાલત જર્જરિત થતાં બાળકોને ક્યાં બેસાડવાં એ પ્રશ્ન
થાય છે. અહીંની પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8માં 170 જેટલા વિદ્યાર્થી અભ્યાસ માટે આવે છે અને આ શાળામાં પાંચ વર્ગખંડ
આવેલા છ, જે છેલ્લાં બે વર્ષથી બિસમાર હાલતમાં છે. ભયના
ઓથાર તળે આટલો સમય અભ્યાસ કરવામાં આવતો હતો, પણ હવે દરેક રૂમની
છતના પોપડા પડયા કરે છે. આ શાળાને ખુદ શિક્ષણ તંત્ર દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવેલું
છે કે, આવા ઓરડામાં બાળકોને અભ્યાસ માટે બેસાડવાં નહિ. વારંવાર
લેખિતમાં પણ રજૂઆત શિક્ષણ વિભાગને કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં
આવ્યાં નથી, એવું આચાર્યા કુસુમબેન જોશીએ જણાવેલું હતું. એસ.એમ.સી.
અધ્યક્ષ નોડે રાયબ જરાડ, અગ્રણી જુશબ ઉમર નોડે, ગ્રામ પંચાયતના માજી સદસ્ય નોડે મામદ સાલેમામધ વગેરેએ આ શાળાનું કામ નવેસરથી
કરવામાં આવે એવી માંગ કરી છે.