ભુજ, તા. 17 : શહેરના
વધતા વ્યાપની સાથોસાથ વધવા માંડેલા વાહનવ્યવહારના ભારણને હળવું કરવા માટે બાયપાસ
રોડ, ભુજને
મહાનગરપાલિકા બનાવવા સહિતના મહત્ત્વના પ્રશ્નો અંગે ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલે
સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અસરકારક રજૂઆતો કરી હતી. રૂબરૂ
મુલાકાત દરમ્યાન રસપૂર્વક રજૂઆતો સાંભળી મુખ્યમંત્રીએ તમામ પ્રશ્નોના સત્વરે
ઉકેલની ધારાસભ્ય શ્રી પટેલને ખાતરી આપી હતી. કેશુભાઇએ કરેલી પ્રાણપ્રશ્નોની સબળ
રજૂઆતના હકારાત્મક અને અસરકારક પ્રતિસાદના ભાગરૂપે મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી
સંબંધિત અધિકારીઓને બોલાવીને તમામ વણઉકેલ્યા પ્રશ્નોને યોગ્ય રીતે ઝડપભેર ઉકેલવા
માટે સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન કેશુભાઈએ ભુજ શહેરમાં ભારે વાહનોની
મુશ્કેલી તેમજ ટ્રાફિક સમસ્યાનાં નિવારણ માટે વહેલામાં વહેલી તકે બાયપાસ રોડ બનાવવા
અંગે રજૂઆત કરી હતી. ભુજને મહાનગરપાલિકા બનાવવા માટે પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
કરતાં કેશુભાઈએ જણાવ્યું હતું કે, કચ્છ હાલમાં તેના
સર્વકાલીન વિકાસના શિખરે છે અને જ્યારે ભારતભરની નજર વ્યાપાર અને પ્રવાસન માટે
કચ્છ તરફ મંડાયેલી છે ત્યારે કચ્છના પાટનગર ભુજનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી
ભુજ માટે વિકાસની નવી ક્ષિતિજો ખૂલશે અને શહેરની શોભામાં ચારચાંદ લાગી ઊઠશે. આ
ઉપરાંત ધારાસભ્ય શ્રી પટેલે ભુજ વિસ્તારના માપણી વધારાના દાયકાઓ જૂના પ્રશ્ન અંગે
પણ મુખ્યમંત્રીને અવગત કર્યા હતા અને જણાવ્યું હતું કે, માપણી
વધારાના સુખદ નિરાકરણની પ્રક્રિયા હાથમાં લઈને આવા અનેક વણઉકેલ્યા પ્રકરણો નિયમિત
કરવામાં આવે તો વિસ્તારના લોકોને મોટી રાહત મળી શકે એમ છે. ભૂકંપ બાદ અનેક લોકોને
સરકારે જંત્રીભાવે જમીન ફાળવેલી હતી, જે તમામ નવી શરતની
મિલકતોને પણ હવે જૂની શરતમાં ફેરવવા માટે યોગ્ય આયોજન ઘડી કાઢવા પણ રજૂઆત કરાઇ હતી
તેમજ અનેક કોમર્શિયલ ઈમારતોમાં ઉપરના માળે રહેતા ફ્લેટધારકોને તો જમીન ફાળવવામાં
આવી હતી, પણ આવી મિલકતોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો ધરાવતા
મિલકતધારકોનો પણ યોગ્ય નિર્ણય થાય એ બાબતે પણ ધારાસભ્યએ ઘટતી રજૂઆત કરી હતી. ભુજ
શહેરને પેયજળના કાયમી નિરાકરણ માટે ધુનારાજા ડેમની હાઈટ વધારીને એને નર્મદાનાં
નીરથી ભરવામાં આવે તો ભુજને ભવિષ્યમાં ક્યારેય પણ પાણીની હાલાકીનો સામનો ન કરવો
પડે એવું નક્કર આયોજન ઊભું કરવા પણ રજૂઆત કરાઇ હતી. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં
સિંચાઈ માટે નર્મદાનાં જળનું સુવ્યવસ્થિત આયોજન થાય અને બાકી રહેતા વિસ્તારોમાં
પાણી ઝડપભેર પહોંચે એ મતલબની પણ મુખ્યમંત્રી સાથે ગહન વિચારણા કરવામાં આવી હતી. આ
અંગે વધુ પ્રકાશ પાડતાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને ભુજ વિસ્તારના
વર્ષો જૂના મહત્ત્વના પ્રશ્નો અંગે વિસ્તૃતમાં રજૂઆત અને ચર્ચા- વિચારણા કરવામાં
આવી હતી, જે અનુસંધાને મુખ્યમંત્રીએ પૂરતો રસ અને ગંભીરતા
દાખવીને જે તે વિભાગોના સંબંધિત અધિકારીઓને રૂબરૂ બોલાવીને તક્ષણ જ તમામ બાબતો પર
નિર્ણાયક અને અસરકારક કામગીરી પૂર્ણ કરવા આદેશો આપ્યા હતા. આમ મુખ્યમંત્રીના આટલા
હકારાત્મક અભિગમ અને તેમની પ્રેરણાદાયી કાર્યદક્ષતા અને જનવત્સલ નીતિ-રીતિ બદલ
સમસ્ત ભુજ વિધાનસભા વિસ્તારના લોકો વતી કેશુભાઇએ આભાર માન્યો હતો.