રાપર, તા. 17 : હજી
તો ઉનાળો શરૂ જ થયો છે અને કેનાલ પણ બંધ નથી થઈ એ પહેલાં જ રાપરના હાઈવે પટ્ટીના
ભીમદેવકા અને ફૂલપરામાં પેયજળ માટે લોકો વલખાં મારી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે.
ભીમદેવકા-ફૂલપરા જૂથ ગ્રામ પંચાયત ધરાવતાં 3000થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં
ચિત્રોડ સમ્પથી પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે, જે અગમ્ય કારણોસર છેલ્લા
પંદર દિવસથી બંધ હોવાનું સરપંચ અરાવિંદ દજાએ જણાવ્યું હતું. આ અંગે રાપર અને
ભચાઉના પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને ફરિયાદ કરતાં ગોળ-ગોળ જવાબ આપતાં હોવાનું
સરપંચે જણાવ્યું હતું. નલ સે જલ યોજનાનો છેદ ઉડાડતાં ભીમદેવકા અને ફૂલપરાના
ગ્રામજનોને ન છૂટકે તળાવનું દૂષિત પાણી પીવું પડી રહ્યું છે, એમ ભીમદેવકા સરપંચ અરાવિંદભાઈએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચિત્રોડ સમ્પથી હાઈવે પટ્ટીના લગભગ ગામોમાં પાઈપલાઈન દ્વારા પાણી
પહોંચાડવામાં આવી રહ્યું છે, ત્યારે જો આ રીતે પાણીકાપ
મૂકવામાં આવશે તો અન્ય હાઈવે પટ્ટીનાં ગામોમાં પણ પાણીની કટોકટી સર્જાઈ શકે છે,
તો એપ્રિલથી નર્મદા કેનાલ બંધ થવાની હોવાથી પ્રાંથળ સહિતના
તાલુકાનાં ગામો અને રાપર શહેરને પાણીની તંગીનો સામનો કરવો પડી શકે તેમ છે.