ભુજ, તા. 17 : મુંદરા
તાલુકાના ડેપા, રામાણિયા, મોટી ખાખર, દેશલપર,
સિરાચા, નાની-મોટી તુંબડી સહિતનાં દસેક ગામમાં
કંપની દ્વારા આગામી સમયમાં થનારી ભારે વીજલાઈન વિસ્તરણની કામગીરીનાં કારણે બાગાયતી
ખેતીનો સોથ વળી જવાની ભીતિ સાથે આ કામગીરી અટકાવવા આ વિસ્તારના ખેડૂતો સહિતના
આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર
કંઠીપટ્ટ તરીકે જાણીતા મુંદરા તાલુકાનાં દસેક ગામમાં ભારે વીજલાઈન માટે આકાશી
સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં જ્યાંથી આ લાઈન
પસાર થવાની છે તે પિયતવાળી ખેતીલાયક જમીનોમાં બાગાયતી પાકો લેવામાં આવી રહ્યા છે,
હવે આ ભારે વીજલાઈન પસાર થશે તો ખેતીની જમીનમાં મોટા ટાવરો
બેસાડવામાં આવશે, જેથી આ જમીનો ખેતીલાયક રહેશે નહીં અને
ખેડૂતોની આજીવિકાનું એકમાત્ર સાધન ખેતી છીનવાઈ જવાનો ભય ઊભો થયો છે. વળી આ
વિસ્તારમાં નર્મદાનાં નીર વહેતાં થયાં છે, જેનાથી ખેડૂતોને
સારી ખેતીની આશા જાગી છે, પરંતુ આ વીજલાઈનનાં કારણે ખેતીની
આશા પર પાણી ફરી વળશે તેવો બળાપો પણ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે. બીજી તરફ મેન્યૂઅલ
સર્વેમાં ખેડૂતોને જાણ કરવામાં આવતી ન હોવાનોયે આક્ષેપ ખેડૂત અગ્રણીઓએ કર્યો હતો.
હવે વધુ વીજલાઈનો નીકળશે તો આ વિસ્તારમાં કરાયેલા જળસંગ્રહનાં કામો પર પણ અસર
થવાની સંભાવના આ વિસ્તારના અગ્રણી અને
જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું. આવેદનપત્ર
આપવા તાલુકા પંચાયતના સદસ્ય રતનભાઈ ગઢવી, મોટી ખાખરના
ઉપસરપંચ જયદેવસિંહ જાડેજા, બળવંતસિંહ ગોહિલ (રામાણિયા),
જતિનભાઈ (ડેપા), મહેન્દ્રસિંહ જાડેજા સહિતના
આગેવાનો, ખેડૂતો જોડાયા હતા.