• ગુરુવાર, 01 મે, 2025

જંત્રીના સૂચિત ભાવવધારા પહેલાં દસ્તાવેજ નોંધણીમાં ઉછાળો

ભુજ, તા. 17 : હિસાબી વર્ષના આખરી મહિનાની કામગીરીનો ધમધમાટ હવે પરાકાષ્ટાએ પહોંચી રહ્યો છે, તો રાજ્ય સરકારે પહેલી એપ્રિલથી જંત્રીના નવા દર લાગુ કરવાની હિલચાલ આદરી છે. આ બન્ને મહત્ત્વનાં પરિબળનાં કારણે કચ્છમાં દસ્તાવેજ નોંધણીમાં ઉલ્લેખનીય વધારો જોવા મળ્યો છે. ઓનલાઈન ટોકન અપાયા બાદ પાંચ દિવસે દસ્તાવેજ નોંધણી માટે વારો આવતો હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. કચ્છમાં આ વિશે વિક્રમી દસ્તાવેજની નોંધણી થવા સાથે સ્ટેમ્પ ડયૂટી પેટે રેકોર્ડબ્રેક આવક થવાના અનુમાન વચ્ચે અત્યાર સુધી 84,000થી વધુ દસ્તાવેજની નોંધણી થઈ ચૂકી છે અને સ્ટેમ્પ ડયૂટી પેટે પ00 કરોડ  જેટલી આવક થઈ ચૂકી છે. હજુ માર્ચ મહિનાનો એક પખવાડિયા જેટલો સમય બાકી છે અને જંત્રીના દરમાં જો કમરતોડ ભાવવધારો આવે તો મિલકતધારકોએ પાણી પહેલાં પાળ બાંધવાની નીતિ અપનાવી જંત્રીના જૂના ભાવ મુજબ દસ્તાવેજ નોંધાવવા માટે રીતસરની દોટ મૂકી છે. માર્ચના અંતિમ સપ્તાહમાં દસ્તાવેજ નોંધણીનો આંક ઊંચો જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભુજ સબ રજિસ્ટ્રાર કચેરીના રજિસ્ટ્રાર જયંતીભાઈ ગોરના જણાવ્યાનુસાર ભુજમાં દૈનિક 7પથી 80 દસ્તાવેજ નોંધાઈ રહ્યા છે. કચ્છ સહિત સમગ્ર રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીમાં સર્જાતી ભીડને ટાળવા માટે ઓનલાઈન ટોકન પ્રથા અમલી બનાવાઈ છે. અગાઉ ઓનલાઈન ટોકન અપાયા બાદ એક કે બે દિવસનું વેઈટિંગ રહેતું, પણ છેલ્લા કેટલાક દિવસોથી ક્યારેક પાંચ કે છ દિવસનું વેઈટિંગ હોતાં દસ્તાવેજ નોંધાવવા માટે આટલો સમય સુધી રાહ જોવાની નોબત આવી રહી છે.  રાજ્ય સરકારે નવા વેલ્યૂ ઝોન મુજબ જંત્રીના ભાવમાં આકરો વધારો ઝીંકવાનું મન મનાવી લીધું છે, જો સૂચિત ભાવવધારો અમલી બને તો રિયલ એસ્ટેટ માર્કેટને મોટો ફટકો પહોંચે તેવી શક્યતા વચ્ચે જૂના ભાવ પ્રમાણે દસ્તાવેજ નોંધાવવા અનેક મિલકતધારકો મન મનાવી લેતાં દસ્તાવેજ નોંધણીમાં ઉછાળો આવેલો જોવા મળી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd