ગાંધીધામ, તા. 17: ઈજનેરી
અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની મહત્ત્વની
જોઈન્ટ એન્ટ્રન્સ એકઝામ (જે.ઈ.ઈ)ની પરીક્ષાના પરિણામો જાહેર થયા હતા, જેમાં દેશના 14 ટોપર
વિદ્યાર્થીની યાદીમાં કચ્છનો વિદ્યાર્થી ઝળકયો હતો. આ પરીક્ષામાં દેશના 14 છાત્રએ
100 પર્સન્ટાઈલ
મેળવ્યા હતા. જેમાં મૂળ અંજારના અને હાલમાં અમદાવાદમાં અભ્યાસ કરતા શિવેન વિકાસ
તોષનીવાલનો પણ સમાવેશ થયો હતો. ગાંધીધામની ડીપીએ અને વેલસ્પન વિદ્યામંદિરમાં અભ્યાસ
બાદ ધો.9થી તેમણે અમદાવાદમાં વિદ્યાભ્યાસ આરંભ્યો હતો. વોટસએપ સિવાય
એક પણ સોશ્યલ મીડીયાનો ઉપયોગ ન કરનારા આ વિદ્યાર્થી છેલ્લા બે વર્ષથી તૈયારીઓ કરી રહયા હતા. જાન્યુઆરી 2025માં
લેવાયેલી આ પરીક્ષામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં પરીક્ષા આપી હતી. ટોપ-14ની યાદીમાં શિવેન ગુજરાતમાંથી એકમાત્ર છાત્ર રહયા
હતા. અંજારના બાળરોગ નિષ્ણાંત ડો. શિલ્પાબેન અને
હાડકા રોગના નિષ્ણાંત ડો. વિકાસ તોષનીવાલના પુત્રે આઈ.આઈ.ટી. દિલ્હી, મુંબઈ, મદ્રાસ અને કાનપુરમાં કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રેમાં ઉચ્ચઅભ્યાસ કરવાની
આશા વ્યકત કરી હતી.