ભચાઉ, તા. 3 : 2001ના
વિનાશક ભૂકંપમાં ભચાઉ વિસ્તારમાં મોટાં પ્રમાણમાં ખાનાખરાબી સર્જાઈ હતી. આ કુદરતી આપ-દાની
24મી વરસીએ ભચાઉ શહેર ઉપરાંત આ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં
લોકોએ બંધ પાળીને ભૂકંપમાં દિવગંત પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 26મી જાન્યુઆરીએ વહેલી સવારે મંદિરમાં મંગળા આરતીનાં
દર્શન કર્યાં હતાં તેમજ તમામ ધાર્મિક સ્થળોએ આસ્થળુઓએ પ્રાર્થના કરી હતી. ગાયમાતાનાં
પૂજન સાથે લોકોએ જીવદયાનાં કાર્ય કર્યાં હતાં. ભૂકંપની વરસીએ મંદિરોમાં અંખડ મંત્રજાપ, દીપમાળા, ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ભચાઉ શહેરમાં વહેલી સવારેથી સંપૂર્ણ વેપાર-ધંધા બંધ રહ્યા હતા. આ ઉપરાંત આધોઈ,
સામખિયાળી, લાકડિયા, મનફરા
- ખારોઈ, વોંધ, નંદગામ, જશોદાધામ, મેઘપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ પણ
બંધ પાળીને દાન-પુણ્ય કર્યું હતું. મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત કરગરિયા તીર્થધામ ખાતે સુધરાઈ દ્વારા બનાવાયેલ સ્મારક
ખાતે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને પોતાના સ્વજનો અને સ્નેહીઓને શ્રદ્ધાંજલિ
આપી હતી. આ દિવસે ભચાઉ વિસ્તારમાં સૂનકાર પ્રસર્યો હતો.