ભચાઉ, તા. 3 : અહીંની
નગરપાલિકામાં આજે કોંગ્રેસનું એક ફોર્મ અયોગ્ય ઠરતાં અને 10 પરત
ખેંચાતાં 28માંથી 15 ફોર્મ ભરનારા કોંગ્રેસ પાસે હવે
માત્ર ચાર ઉમેદવાર છ બેઠક પર કાયમ રહ્યા છે. અલબત્ત આવતીકાલે ત્રણ વાગ્યા સુધી
ફોર્મ પરત ખેંચી શકાશે. આમ ભચાઉ નગરપાલિકામાં ભાજપના 22 ઉમેદવાર
બિનહરીફ ભણી આગળ વધી રહ્યા છે. આ સાથે વાગડ નગરપાલિકા બિનહરીફ કરાવવામાં આગળ
રહ્યું છે. આજે 22 ઉમેદવાર બિનહરીફ થઈ જતાં વધુ એક વખત સત્તાનું સુકાન કેસરિયા
પક્ષની ઝોળીમાં ગયું છે. આજે ભચાઉમાં ભાજપની નગરપાલિકામાં વિજયભણી માત્ર વહીવટી
ઔપચારિકતા બાકી રહી છે. પાર્ટીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આવતીકાલે પણ કેટલાક
ફોર્મ પરત ખેંચાઈ જશે. બપોરે ત્રણ વાગ્યે રાપર વિધાનસભાના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ
જાડેજા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપાસિંહ જાડેજાનાં ફાર્મ પર બિનહરીફ
થયેલા ઉમેદવારો, ભાજપના પદાધિકારીઓ, વેપારી
આલમ અને સમાજના આગેવાનો ઊમટી પડયા હતા અને બિનહરીફ વિજેતા 22 ઉમેદવારને
હારતોરા કરી કતારબદ્ધ બેસાડ્યા હતા. વિશાળ મેદની - નગરજનો સમક્ષ ધારાસભ્ય
વીરેન્દ્રાસિંહ જાડેજા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપાસિંહ જાડેજાએ
કચ્છમિત્રને જણાવ્યું હતું કે,
સ્થાનિક ચૂંટણીમાં નાના-મોટા વિવાદ - સંઘર્ષ થતા હોય છે, ત્યારે નગર વિકાસમાં દરેક કોમની સરખી ભાગીદારી રહે તેનું ધ્યાન રાખી ભાજપ
દ્વારા ટિકિટ ફાળવાઈ હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમરસ ગ્રામ
પંચાયત એવોર્ડ આપી વિશેષ ગ્રાન્ટ સન્માન આપતા તેવી રીતે નગરપાલિકામાં બિનહરીફ બનવા
તરફ પ્રયાણ કરી ઉદાહરણીય કામ કર્યું છે. ભચાઉ નગરપાલિકાનો વહીવટ આમ વર્ગ માટે
એકતારૂપ હોવાથી અઢારે આલમ 18 તારીખની રાહ જોયા વિના અહીં
વિજયનો આનંદ લેવા આવી ગયા છે. જાડેજા ફાર્મ ખાતે ઢોલ, હારતોરા અને મીઠાઈઓ
વહેંચાઈ હતી, તો શાલ, હાર સાથે નગરના
વિવિધ સમાજના આગેવાનો, વેપારી અગ્રણીઓ ઊમટી પડ્યા હતા અને
ખુશી વ્યક્ત કરી હતી. ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાનું શાલ, હારતોરા કરી ભચાઉ નગરપાલિકાને બિનહરીફ કરવા બદલ સમરસતાનું ઉદાહરણ પૂરું
પાડવા બદલ આભાર પ્રગટ કર્યો હતો. દરમ્યાન મળતી વિગતો મુજબ વોર્ડ નં.-ચારમાં
રસીલાબેન હિતેશભાઇ પરમાર, સંદીપ લક્ષ્મણભાઇ મહેશ્વરીએ
ઉમેદવારી પાછી ખેંચતાં કોઈ ઉમેદવાર રહ્યા ન હતા. આ વોર્ડમાં બે ફોર્મ ભરાયાં હતાં.
વોર્ડ નંબર-પાંચમાં કોંગ્રેસના ત્રણ ફોર્મ ભરાયાં છે તેમાંથી બે ઉમેદવાર નૂરમામદ
કાસમ બગડા, સકીનાબેન ઈબ્રાહીમ ફકીરે ઉમેદવારી પાછી ખેંચી
લીધી હતી. જો કે, આ વોર્ડમાં કોંગ્રેસના એક ઉમેદવાર મેદાનમાં
રહેશે. વોર્ડ નંબર-છમાં ચારમાંથી બે બેઠક ઉપર જ ફોર્મ ભરાયાં હતાં. આ વોર્ડમાં પણ
બે બેઠક રહી છે, જ્યારે વોર્ડ નંબર-સાતમાં અમીનાબેન હુસેનભાઇ
કુંભાર અને હુસેનભાઇ હાજી કુંભારે દાવેદારી પાછી ખેંચી હતી. 28 ઉમેદવાર
પૈકી કોંગ્રેસે માત્ર 17 ફોર્મ ભર્યાં હતાં, તેમાં એક ફોર્મ મેન્ડેડ
વિનાનું ભરાયું હતું અને 10 ઉમેદવારીપત્રો આજે ભરાયા હતા.
હવે છ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો રહ્યા છે. ભચાઉ કોંગ્રેસના પદાધિકારીઓના ફોન બંધ રહ્યા હતા.
વોર્ડ નં.-એકમાં ભરત ખીમજી શાહનું ફોર્મ રદ કરાયું હતું. વોર્ડ નં.-ત્રણમાં અશોક
કાંતિ પરમાર, મણિબેન કાનાભાઈ રબારી, દીપિકા ભરતકુમાર પરમારે
ઉમેદવારી પરત ખેંચતા હવે એક જ ઉમેદવાર મેદાનમાં રહ્યો છે. ભચાઉ ચૂંટણીનું સંકલન
પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા
ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,
ધારાસભ્ય શ્રી જાડેજા દ્વારા સંભાળવામાં આવ્યું હતું. આવતીકાલે ચાર
તારીખે બપોરે ત્રણ વાગ્યે ચિત્ર સ્પષ્ટ થશે. બાકીની સાત બેઠક ઉપર ચૂંટણી થાય છે કે આખી નગરપાલિકા બિનહરીફ થાય છે,
તેના ઉપર સૌકોઈની નજર મંડાઈ છે. આજે 22 બેઠક
બિનહરીફ થતાં નગરના શેરી, મહોલ્લા, બજારમાં ફટાકડા ફૂટી રહ્યા છે. અમુક
ઉમેદવારોએ બજારમાં વિજય સરઘસ કાઢ્યાં હતાં, આવતીકાલે ત્રણ
વાગ્યે છ બેઠકના ચાર ઉમેદવારનાં ફોર્મ પર અટકાળો ખેંચાય એવી સેવાઈ રહી છે, અત્યારે 22 બેઠક સાથે ભાજપનું કમળ છવાઈ ગયું
છે.