ભુજ, તા. 24 : પાંચ દિવસ ચાલેલા લોકસાંસ્કૃતિક
મહોત્સવ - વિન્ટર ફેસ્ટિવલ - 2025 ઓડિશા, કચ્છ અને ગુજરાતના કલાકારોના ધમાકેદાર લોકગીતો,
લોકસંગીત અને લોકનૃત્યો સાથે પૂર્ણ થયો હતો. વિવિધતામાં એકતાની સંસ્કૃતિનાં
દર્શન કરાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે યોજાયેલ વિન્ટર ફેસ્ટિવલ-2025નું સંસ્કૃતિના ગૌરવ અને ગરિમા
સાથે સમાપન થયું હતું. કચ્છ અને ઓડિશાના કલાકારો અને કારીગરોએ ડાન્સ, મ્યુઝિક, ક્રાફ્ટ અને
ફૂડનો અનેરો સમન્વય રચીને કલાપ્રેમી લોકોને અનહદ આનંદની અનુભૂતિ કરાવી હતી. અંતિમ દિવસે
સાંજે રેયાણ કાર્યક્રમમાં બાળકલાકાર ઉદ્દીશ વોરાએ ગીતોની રમઝટ બોલાવી હતી. સાથે તેણે
વાંસળી પર ગીતોની ધૂન વગાડીને સૌને મોહિત કરી દીધા હતા. હરમન ઝાલાએ ઢોલ પર અને પૂજન
જોશીએ ઓર્ગન પર રંગત જમાવી હતી. મેઇન સ્ટેજ પર સાંજે કચ્છના પ્રખ્યાત કલાવારસો ગ્રુપ
દ્વારા કચ્છી - ગુજરાતી લોકગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. તેની સાથે ઓડિશાના ગોટીપુઆ
ગ્રુપ દ્વારા ઓડિશાનું લોકસંગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું. માર્ગમ ડાન્સ એકેડેમી
- ગાંધીધામે કચ્છની કલા અને સંસ્કૃતિની થીમ પર નૃત્ય રજૂ કર્યું હતું. ઓડિશાના નૃત્ય
મલ્હાર ગ્રુપના કલાકારો - મહારી ડાન્સ, પ્રતિવા ફોક એન્ડ ટ્રાયબલ
ડાન્સ ગ્રુપ-પારંપરિક માડલી અને બનાબડી ડાન્સ,
ગોટીપુઆ ગ્રુપના કલાકારો-શિવ બંદના અને મિક્સ બાંધા ડાન્સની પ્રસ્તુતિ
કરી હતી. લોકપ્રિયતાના શિખરે બિરાજતાં ગુજરાતી હિપ-હોપ બેન્ડ અઘોરી મ્યુઝિકના કલાકારોએ
ગુજરાતી લોકગીતો અને ગુજરાતી રેપ સોંગની રમઝટ બોલાવીને લોકોને ડોલાવ્યા હતા. કાર્યક્રમમાં
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મોહનભાઇ પટેલ,
પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ કે. એલ. વ્યાસ, અદાણી
પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ, પ્રાગમહેલના આર્કાઇવસ્ટ
દલપતભાઈ દાણીધારિયા, ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. નરેન્દ્ર
હીરાણી, સરકારી ટી. બી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. પ્રાચી
દોશી, કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સી.ઈ.ઓ. ડો.
તૃપ્તિ પટેલ, ડિસ્ટ્રીક્ટ રજિસ્ટ્રાર ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનથી
આવેલ કઠપૂતળીના શોનો લોકોએ આનંદ માણ્યો હતો. ક્રાફ્ટ બજારમાં ઓડિશા અને કચ્છની હસ્તકળાઓના
સ્ટોલ્સમાં વિવિધ હસ્તકળાઓની વસ્તુઓની લોકોએ ખરીદી કરી હતી. જાદૂગર ક્રેનિલ બ્રહ્મક્ષત્રિયએ
લોકોને કાર્ડ્સના અલગ અલગ જાદૂ બતાવીને લોકોને અચંબિત કરી દીધા હતા. ભાવનગર,
અમદાવાદ અને કચ્છના નૃત્ય ગ્રુપના કલાકારો તેમજ ઓડિશાથી આવેલા લોકસંગીત-લોકનૃત્યોના
કલાકારો અને વિવિધ ક્રાફ્ટના કારીગરો તેમજ ઓડિશાના ટ્રેડિશનલ ફૂડના નિષ્ણાતોનું મહાનુભાવોના
હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આયોજનમાં એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ
મુખ્ય દાતા રહ્યા હતા. સહદાતા અદાણી ફાઉન્ડેશન, એગ્રોસેલ ફ્રેન્ડ્ઝ
કેમિકલ્સ, જ્યારે સહયોગી દાતા તરીકે એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ,
આરતી ફાઉન્ડેશન, ટ્રાન્સપેક તેમજ સહાયક દાતા તરીકે
લીલાધર પાસુ, સુમિટોમો કેમિકલ, ખીમજી રામદાસનો
નાણાકીય સહયોગ રહ્યો હતો. એગ્રોસેલના ચેરમેન દીપેશભાઇ શ્રોફ તથા સૃજન-એલ.એલ.ડી.સી.ના
મેનાજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ દ્વારા કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સૃજન
ક્રિએશન્સ, એલ.એલ.ડી.સી. ક્રાફ્ટ મ્યુઝિયમ, એગ્રોસેલ, વી.આર.ટી.આઈ., વી. આર. ડી. આઈ.ના કર્મચારીઓએ કાર્યક્રમની
જહેમત ઉઠાવી હતી. સંચાલન કપિલ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન એલ.એલ.ડી.સી.
ક્રાફ્ટ મ્યુઝિયમના પી.આર., આઈ.ટી. અને ઈવેંટ્સ હેડ મહેશભાઇ ગોસ્વામીએ
સંભાળ્યું હતું.