• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ગુંદિયાળી સહિત ચાર ડિસેલિનેશન પ્લાન્ટમાં રીટેન્ડરીંગ ?

મુન્દ્રા, તા. 10 : ગુજરાત સરકાર હસ્તકની ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા હાથ ધરાયેલા અને પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટેના મહત્વાકાંક્ષી વોટર ડિસેલિનેશન પ્લાન્ટ પ્રોજેક્ટ અધવચ્ચે ફસાઈ પડ્યા છે અને સાથે જેમને કામ સોપાયું હતું એ એજન્સી સાથેનો કરાર ટર્મિનેટ (રદ) થઈ ચૂક્યો હોવાના ચોંકાવનારિ અહેવાલ મળી રહ્યા છે. જોકે, સત્તાવાર રીતે જીડબ્લ્યુઆઈએલના કચ્છ તેમજ ગાંધીનગર સ્થિત અધિકારીઓ ઇન્કાર કરી રહ્યા છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે, આવી કોઈ ગતિવિધિ નથી અને  કચ્છના ગુંદિયાળી સહિત તમામ પ્લાન્ટમાં કામ ચાલુ છે.  દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવી અને જેનો પીવાના પાણી તેમજ ખાસ કરીને ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લઈ શકાય એવા વોટર ડિસેલિનેશન પ્લાન્ટની રાહ જોઈ બેઠેલા કંપનીના કેટલાક ઉચ્ચ સ્તરીય વિશ્વસનીય સૂત્રોએ દાવો કર્યો હતો કે, ગુજરાતમાં જે કચ્છના માંડવી તાલુકાના ગુંદિયાળી, દ્વારકા, ભાવનગર અને ગીર સોમનાથમાં વોટર ડિસેલિનેશન પ્લાન્ટનું કાર્ય ચાલી રહ્યું છે. તેમાં શાપુરજી પાલનજી કંપનીને ઈન્યુઈટી હાઈબ્રીડ મોડેલના આધારે  મૂડીના 50 ટકા સરકારી હિસ્સો તેમજ 50 ટકા કોન્ટ્રેક્ટ લેનાર કંપનીના રોકાણથી `ડીબુટ `એટલે કે' ડિઝાઇન બિલ્ડ ઓન  ઓપરેટ એન્ડ ટ્રાન્સફર'  ધોરણે આ કોન્ટ્રાક્ટ અપાયેલો હતો પરંતુ નિયત સમયમાં કામ ન થતાં  અને આર્થિક મુશ્કેલીઓથી કામ વિલંબમાં પડતાં એજન્સી ટર્મિનેટ કરવામાં આવી છે અને હવે રિટેન્ડારિંગ થશે. હવે જે કોન્ટ્રાક્ટ અપાશે એમાં ઈપીસી  મોડેલના આધારે કામ સોંપાશે એટલે કે `એન્જાનિયારિંગ પ્રોકયુરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન' નું જ કામ સોંપાશે. સૂત્રોએ દાવો કર્યો કે, અગાઉ ડીબૂટ મોડલમાં એજન્સીએ પ્લાન્ટનું નિર્માણ પણ કરવાનું હતું અને  1000 લીટરના રૂપિયા 48ના ભાવ પ્રમાણે વિતરણ કરવાની પણ બાંહેધરી આપવામાં આવી હતી અને એ રીતે એમનું ટેન્ડર મંજૂર કરાયું હતું. જે રદ થઈ ગયું છે.  આની પાછળ એવું કારણ પણ અપાય છે કે જો 48 રૂ. 1000 લીટરમાં પાણી વહેંચે તો આ નિર્માણ કરતી કંપનીને આર્થિક પરવડે એમ જ નથી, એટલે આ રીતે આ ચાર પ્લાન્ટમાંથી એક બે પ્લાન્ટમાં કામ કર્યા સિવાય કોઈ જગ્યાએ કામ થયું નથી. સૌથી વધુ કામ કચ્છના ગુંદીયાળી પ્લાન્ટમાં  થયું છે. બાકી દ્વારકામાં 10 થી 15 ટકા, જ્યારે ભાવનગર અને ગીર સોમનાથમાં તો બિલકુલ કામ થયું નથી. વેબસાઈટમાંથી પ્રાપ્ત આંકડા મુજબ આ ચાર પ્લાન્ નો ખર્ચ રૂ. 2160 કરોડ અંદાજવામાં આવ્યો હતો.  આ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે રિટેન્ડરીંગ થશે એટલે પાણીના દર વધી જશે અને ઔદ્યોગિક જગતને વધુ મોંઘા ખર્ચે પાણી ખરીદવું પડશે અને આ નવી એજન્સીને ઈપીસી મોડેલથી કામ અપાશે, જેમાં  પ્લાન્ટ નિર્માણ થયા બાદ વધારાનું બીજું રિટેન્ડારિંગ કરવું પડશે અને  સંચાલનનું કામ અન્ય એજન્સીને સોંપવાનું થશે અને તેના પાણી વિતરણ દર નવા આવશે. જોકે, આ સંદર્ભે હકીકત જાણવા માટે જીડબલ્યુઆઈએલના કચ્છ સ્થિત તેમજ ગાંધીનગર સ્થિત જનરલ મેનેજરનો  સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આવી કોઈ વાત અત્યારે છે જ નહીં. એજન્સી દ્વારા કામ ચાલુ જ છે. એજન્સી બદલી પણ નથી બદલવાની પ્રક્રિયા પણ નથી. જ્યારે પ્રિન્સિપાલ સેક્રેટરીનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd