બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા.
10 : ક્યારેક ધંધા માટે વિદેશ ગયેલા વાલમને સંદેશો મોકલવા પત્ની કુંજલડીને માધ્યમ બનાવી
કહેતી, કુંજલડી રે સંદેશો મારો, જઈને વાલમજીને કહેજો હો જી રે... પરંતુ હાલ એ જ કુંજ
પક્ષીના દાયકા જૂના ચરિયાણ પ્રદેશ છારીઢંઢમાં થઈ રહેલી કનડગતને લઈને જાણે એ વિદેશી
પક્ષી કચ્છીજનોને કહી રહ્યા છે, કુંજલડીનો સંદેશો દેજો સરકારને... પેટ માટે ઊડી ઊડી
આવ્યાં, દખલ ન દેજો... હો જી રે... હજારો કિ.મી. પંથ કાપી દર વર્ષે શીત મોસમમાં કચ્છના
મહેમાન બનતા વિદેશી કુંજ પક્ષીના ચરિયાણ વિસ્તારમાં મોટા પ્રોજેક્ટ અને અન્ય સેન્ટરના
આગમનને પગલે ઊભી થયેલી પરિસ્થિતિને લઈ હાલાકી વેઠી રહ્યા છે. હાલ આ પક્ષી છારીઢંઢની
આસપાસ કરતાં પહેલી વખત તેની પૂર્વ તરફના રણ વિસ્તારમાં ભારે સંખ્યામાં ઉમટી ચરિયાણ
માટે ભટકી રહ્યા છે. કચ્છના રણ સાથે સદીઓ જુનો
નાતો ધરાવતા કુંજ પક્ષી શિયાળામાં નવેમ્બરથી માંડી ફેબ્રુઆરી સુધીના સમયગાળા દરમ્યાન
ચરિયાણ માટે આવે છે. ઉત્તર એશિયાના સાઈબિરિયાથી લગભગ 6 હજાર કિ.મી.નો લાંબો પ્રવાસ
ખેડી લાખોની સંખ્યામાં કચ્છના મોટા રણ પંથકમાં ઉતરી પડે છે. ખાસ કરીને પશ્ચિમ બન્નીના
છેવાડે આવેલ કીરો ડુંગર અને છારીઢંઢની આસપાસનો મોટો વિસ્તાર કુંજ પક્ષીઓનો ચરિયાણ માટે
ખાસ પ્રદેશ ગણાય છે. સારા વરસાદ પછી મીઠાસરી પ્રકારની આ મરૂભૂમિમાં ધામૂળ નામની વનસ્પતિ
વિપુલ માત્રામાં ઉગી નીકળે છે. દિવાળી આસપાસ આ વનસ્પતિ પરિપક્વ થયા પછી તેના મુળમાં
ડુંગળી આકારની એક નાની ગાંઠ થાય છે, જે ગાંઠ કુંજ પક્ષીનો માનીતો ખોરાક ગણાય છે. શીત
મોસમ શરૂ થતાંની સાથે લાખોની સંખ્યામાં કુંજ લાંબી-લાંબી હારબંધ કતારમાં ઉતરાણ કર્યા
પછી કીરો ડુંગર, છારીઢંઢ અને છસલાનો રણપંથક કુંજના કુણકારથી ગાજી ઉઠે છે. જે દિવસ દરમ્યાન
પોતાની લાંબી, અણીદાર ચાંચથી જમીન ખોદી તેમાંથી ધામૂળની ગાંઠ કાઢી ખોરાક તરીકે ઉપયોગ
કરે છે અને સાંજ થતાંની સાથે આ પક્ષી રણપંથકમાં ભરાયેલાં છીછરાં પાણીના ઢીંઢના કિનારા
પર સુરક્ષિત બની રાતવાસો કરે છે. - વાહનોના ધમધમાટથી
પક્ષીઓ ભયભીત : કુંજ પક્ષીના મુખ્ય ચરિયાણ વિસ્તારની આસપાસ હજારો હેકટર જમીન
ખાનગી કંપની અને ચિત્તા સંવર્ધન કેન્દ્રને ફાળવ્યા પછી એ વિસ્તારમાં વાહનોની અવરજવર
વધી છે. હજારો લાખોનાં ટોળાંમાં ચરિયાણ માટે વિચરતા વિહંગોની વચ્ચે કે તેમની આસપાસમાંથી
નીકળતાં વાહનોની દખલગીરીને લઈ આ પક્ષીઓ ભારે ભયભીત બન્યા હોવાનું પક્ષીપ્રેમીઓ કહે
છે. જેને લઈ આ પક્ષી આ વિસ્તારમાંથી હટી પૂર્વ તરફના રણપ્રદેશમાં જમાવટ કરી રહ્યા છે.
પાવરપટ્ટીના વંગ, ખારડિયા, બિબ્બર, નિરોણા અને પાલનપુરની ઉત્તરે પથરાયેલા રણપંથકમાં
ભારે માત્રામાં આ કુંજ પક્ષીઓ ચરિયાણ માટે વ્યસ્ત બન્યાં છે. કચ્છના માનીતા ગણાતા પક્ષીઓના
ચરિયાણમાં ઉભી થયેલી અડચણોની અસરની જાત-તપાસ કરવા કચ્છમિત્રની ટીમે નિરોણા-બિબ્બરના
ઉત્તરે રણપ્રદેશની મુલાકાત લીધી ત્યારે એ પંથકના
પાણીના સરકારી અવાડા અને તેની આસપાસ વન વિભાગે હસ્તગત કરેલા વિશાળ પ્લોટમાં મોટી સંખ્યામાં
કુંજ પક્ષીઓનાં ઝુંડ જોવા મળ્યા હતા. પાણીના અવાડા નજીક ભેંસોનો વાડો બનાવી દૂધનો ધંધો
કરતા માલધારી ઈસ્માઈલભાઈ કુંભારના જણાવ્યા મુજબ અમો અહીં વર્ષોથી ભેંસો ચરાવવાનો ધંધો
કરીએ છીએ. આ વિસ્તારમાં ચાલુ સાલે હદ વગરના કુંજ દેખાયા છે. - પક્ષીવિદો્ માટે સંશોધનનો વિષય : કચ્છના જાણીતા પક્ષીવિદ નવીનભાઈ બાપટને ચરિયાણ વિસ્તારમાંથી
કુંજ પક્ષીના સ્થળાંતર બાબતે પૂછતાં જણાવ્યું હતું કે, છારીઢંઢ અને આસપાસનો વિસ્તાર
આ પક્ષીના ચરિયાણ માટે ભારે અનુકૂળ હોઈ દરવર્ષે વધુમાં વધુ કુંજ આ વિસ્તારમાં જોવા
મળે છે, પરંતુ ચાલુ સાલે એ વિસ્તાર કરતાં અન્ય સ્થળે કુંજ પક્ષીઓનો મોટો પડાવ સંશોધનનો
વિષય છે. અનુમાન મુજબ કીરા ડુંગર આસપાસ ચરિયાણ ઘટયું હશે કાં તો માનવસર્જીત નડતર હોઈ
શકે છે. સંવેદનશીલ ગણાતા આ પરદેશી પંખીના ચરિયાણ પ્રશ્ને નડતર હશે તો ભવિષ્યમાં તે
કચ્છ સાથે સદીઓ જૂનો નાતો તોડી પણ શકે છે! - વન વિભાગ
સતર્કતા વધારશે : આ વિસ્તારની મુલાકાત દરમ્યાન મળી ગયેલા નખત્રાણા - પૂર્વ રેન્જના આરએફઓ ડી.બી. દેસાઈને પુછતાં તેમણે આ વિસ્તારમાં
પ્રથમવાર મોટી સંખ્યામાં કુંજ પક્ષીઓના પડાવ બાબતે કે સામાન્ય રીતે દરવર્ષે આ વિસ્તારમાં
કુંજ પક્ષી દેખાય જ છે, પરંતુ કદાચ ચાલુ સાલે વધુ હોઈ શકે છે. ભૂતકાળમાં આ નિર્દોષ
પક્ષીઓના શિકારની ઘટનાઓ બની છે, ત્યારે આ વિસ્તારમાં કુંજના મોટા કાફલાના રક્ષણ માટે
વનવિભાગ કેવા પગલાં ભરશે? તેવા સવાલના જવાબમાં અધિકારીએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં
વનકર્મીઓ શિકારની પ્રવૃત્તિને નાથવા રાઉન્ડ લગાવે જ છે, તેમ છતાં હાલ વધુ પ્રમાણમાં
આ પક્ષીઓની સુરક્ષા માટે રાત્રીના ભાગે ચોકીપહેરો ગોઠવવાની સૂચના આપી છે. ઉલ્લેખનીય
છે કે, તાજેતરમાં જ કુંજના ચરિયાણ વિસ્તારમાં ખાનગી કંપનીને ફાળવવામાં આવેલ જમીન બાદ
પ્રકૃતિ અને પર્યાવરણને થનાર અસરને લઈ છારીઢંઢ વિસ્તારની આસપાસના 29 ગ્રા. પંચાયતના
પ્રતિનિધિઓ, સરપંચો અને માલધારીઓએ જિલ્લા મથકે પત્રકાર પરિષદ યોજી વિરોધનો સૂર વ્યકત
કર્યો હતો.