ગાંધીધામ, તા. 10 : અહીંના ભારતનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય
સમયથી ગટરની સમસ્યાની રાવ ઊઠી રહી છે. તેવામાં પાઇપ લાઇન નાખવાની કામગીરીમાં પાણીની
લાઈન તૂટી ગઈ હતી, જેમાં સિમેન્ટની લાઈનમાં પીવીસી પાઇપ ફીટ કરી દેવાતાં અનેક અટકળો
વહેતી થઈ રહી છે. પંચરંગી શહેરમાં અગાઉ નગરપાલિકા દ્વારા એક સાંધો ત્યાં તેર તૂટે જેવી
સ્થિતિ ઊભી થતી હતી, ત્યારે મહાપાલિકાના અમલીકરણ બાદ પણ આ પ્રક્રિયા યથાવત રહી હોવાના
ચિત્રો ઉપસી રહ્યા છે, જેમાં શહેરમાં કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું દૂષિત
જળ આવતું હોવાની પણ ફરિયાદો ઊઠતી આવે છે, તો વળી કેટલીક જગ્યાએ ગટર અને પાણીની લાઈન
આસપાસમાં નાખી દેવાયાની રાવ ઊઠતી આવે છે. જેનો દાખલો અહીંના ભારતનગરમાં પ્રકાશમાં આવ્યો
છે. ભારતનગર મધ્યે બજારમાં ગટર લાઈન બદલવામાં ઘોર બેદરકારી જોવા મળી હતી, જેમાં ગટરની
લાઈન બદલાવાઈ, પરંતુ પાઈપ એકબીજા ઉપર બરોબર ફિટ કરાયા ન હતા, જેથી દૂષિત પાણી લીક થયું
હતું. બીજી બાજુ ગટરલાઈનની બાજુમાં જ પીવાના પાણીની લાઈન હતી. આ લાઈન બદલાવતા સમયે
તૂટી ગઈ હતી, તેમ છતાં સિમેન્ટની પાણીની લાઈનમાં પીવીસી પાઈપ નાખવામાં આવ્યો હતો. ત્યારે
ગટર અને પીવાના પાણીની લાઈનો લીક થતાં પાણીની લાઈનમાં ગટરનું જળ ભળી રહ્યું છે. ગટરની
લાઈનનું લીકેજ બંધ કરવા માટે જૂના કપડાનો ઉપયોગ કરાઇ રહ્યાની ફરિયાદ ઊઠી રહી છે. પરિણામે
આ પ્રક્રિયામાં ટૂંક સમયમાં સ્થાનિકોને હેરાનગતિનો સામનો કરવાની ફરજ પડી શકે તેમ છે,
જેથી આ મુદ્દે વહેલીતકે નિર્ણય લેવા માંગ કરાઈ હતી.