• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ટ્રસ્ટના કાયદા, નોંધણી નિયમો અંગે અપાયું માર્ગદર્શન

ગાંધીધામ, તા. 10 : અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને  આવકવેરા વિભાગના સંયુક્ત ઉપક્રમે  સંકુલના વિવિધ ટ્રસ્ટો, સામાજિક સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  ટેક્સ સલાહકારો  સાથે ટ્રસ્ટની નોંધણી, કાયદાકીય અનુપાલન, અમલીકરણમાં થતી  ફરિયાદોના નિવારણ માટે સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આરંભમાં ચેમ્બર પ્રમુખ મહેશ પુજે જણાવ્યું હતું કે,  ગાંધીધામ સંકુલ દેશનું કોસ્મોપોલિટીન સંકુલ ગણાય છે.  દરેક રાજ્યના લોકો દશકાઓથી સંકુલમાં વસવાટ કરે છે. દરેક સમાજના વિવિધ ટ્રસ્ટો, સમાજો,   સંસ્થાઓ, વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. ટ્રસ્ટોની નોંધણી   અને કાયદામાં થયેલા સુધારા  વિશે વિસ્તૃત માર્ગદર્શન મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. પ્રારંભિક પ્રવચનમાં  અમદાવાદના જોઈન્ટ કમિશનર  યોગીશ મિશ્રાએ વિવિધ ટ્રસ્ટો,  સંસ્થાઓની સામાજિક, ધાર્મિક, અને સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.  ટ્રસ્ટોની નોંધણી અને તેના અનુપાલનમાં ઉદ્ભવતા  કરવેરા મુક્તિના અને અન્ય નીતિગત પ્રશ્નો અંગે તેમણે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. તેમણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ વિભાગ દ્વારા કરદાતાઓ માટેની વિવાદ સે વિશ્વાસ  યોજના 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી હોવાની માહિતી આપી હતી, જેમાં 27-7-2024 સુધીની વિલંબીત અપીલોનું નિરાકરણ કરવામાં આવશે, જેથી વ્યાજ સહિતની પેનલ્ટી વિગેરેની બહુ જૂની અપીલોના નિરાકરણનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સેવાકીય પ્રવૃત્તિના નામે ઘણી સંસ્થાઓ   ટ્રસ્ટો અસામાજિક પ્રવૃત્તિ, ગેરકાયદે નાણાં ભંડોળ, ફંન્ડિંગ  કરે છે, તેના ઉપર નિયંત્રણ લાવવા સંસદ દ્વારા ટ્રસ્ટો, એન.જી.ઓ.ના નોંધણી, અનુપાલનના નિયમોમાં સુધારા કર્યા છે, તે અંતર્ગત દરેક સંસ્થાઓએ તેમના હિસાબોનું સુધારેલા ધારા-ધોરણો અનુસાર કાયદેસર અનુપાલન મુજબ રિટર્ન ફાઇલ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કે ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ મુજબ કરમુક્તિની જોગવાઇઓ અનુસાર મળવાપાત્ર માફી માટે દાવો કરી શકાય છે. ટ્રસ્ટ માટેની જોગવાઇઓનું ખોટી રીતે અર્થઘટન ન થાય તે માટે સુધારાઓ કરવામાં આવ્યા છે, તેમ જણાવી તેમણે 80જી, 1રએ, 10બીડી અને બેંકિંગ ચેનલ વિશે વિસ્તૃત જાણકારી આપી, ભારત સરકારના નીતિ આયોગ દ્વારા સૂચિત દર્પણ પોર્ટલમાં ટ્રસ્ટો અને એન.જી.ઓ.ને ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા જણાવ્યું હતું. પ્રશ્નોત્તરી દરમ્યાન સી.એ. અનિમેશ મોદી, સી.એ. ગજેન્દ્ર બોલિયા, નંદલાલ ગોયલ વગેરેએ ટ્રસ્ટોને શેડમાં અથવા યુ.પી.એ./ક્યુ.આર. કોડથી મળતા અનુદાન અને તેમાં દાતાના પાન કાર્ડની વિગતો વગેરે અંગે પ્રશ્નો પૂછયા હતા. ચેમ્બરના કારોબારી સમિતિના સભ્ય કૈલેશ ગોરે ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સંવાદ સેતુ કાર્યક્રમમાં  રાજકોટ આવકવેરા વિભાગના અધિકારી ગૌરવ જૈન, ચેમ્બરની કારોબારી સમિતિના સભ્યો, મહિલા પાંખના હોદ્દેદારો, વિવિધ ટ્રસ્ટો અને સમાજોના ટ્રસ્ટીઓ અને પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd