ભુજ, તા. 10 : શહરેના સાત મહત્ત્વના માર્ગો 30 કરોડના ખર્ચે
આગામી સમયમાં નવા વાઘા સજશે. રાજ્ય સરકારે ભુજને ફરતે પથરાયેલા 41 કિ.મી. માર્ગને સ્ટેટ
હસ્તક મૂકયા બાદ પ્રથમ ચરણમાં 13.70 કિ.મીના રિસર્ફેસિંગને મંજૂરી આપી છે. ભુજના ધારાસભ્ય
કેશુભાઈ પટેલની સતત અને સબળ રજૂઆતનાં પગલે રાજ્યના મુખ્યમંત્રીએ એક અભૂતપૂર્વ નિર્ણય
લેવા સાથે ભુજના માર્ગોના મજબૂતીકરણ માટે ગ્રાન્ટ ફાળવણીમાં અગ્રતા આપતાં હવે ભુજવાસીઓને
થોડા જ સમયમાં ખખડધજ માર્ગની જંજાળમાંથી મુક્તિ મળવાની છે. ધારાસભ્ય કેશુભાઈ પટેલે
આપેલી સત્તાવાર વિગત અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કિસ્સામાં 41 કિ.મી. લંબાઈના
18 મહત્ત્વના માર્ગને ખાસ કિસ્સામાં રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તક લીધા હતા. આ
18 રસ્તા પૈકી પ્રથમ તબક્કામાં 13.70 કિ.મી.ના
સાત માર્ગના ડામર કામ માટે 30.પ કરોડનું માતબર ફંડ ફાળવ્યું છે. શ્રી પટેલે
પાઠવેલી યાદી અનુસાર પ્રંથમ ચરણમાં જે સાત માર્ગોનું મજબૂતીકરણ થવાનું છે તેમાં નળ
સર્કલથી એન્કર સર્કલ થઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને જોડતા માર્ગ માટે 7 કરોડ, જિલ્લા ઉદ્યોઁગ
કેન્દ્રથી એરોપ્લેન સર્કલ થઈ પ્રિન્સ રેસિડેન્સીને જોડતા માર્ગ માટે 8 કરોડ, આત્રામ
સર્કલથી જથ્થાબંધ બજાર થઈ દીનદયાળ સ્કૂલ સુધીના માર્ગ માટે 2.પ0 કરોડ, મહિલા આશ્રમ
સર્કલથી સરપટ ગેટ સુધીના માર્ગ માટે 3.20 કરોડ, ભીડ ગેટથી રેલવે સ્ટશેન રોડ માટે
2.70 કરોડ, રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાથી ગાંધી સર્કલ થઈ કચ્છમિત્ર કોલોનીના માર્ગ માટે
3 કરોડ અને જ્યુબિલી સર્કલથી વી.ડી. હાઈસ્કૂલ થઈ દેશલસર તળાવના માર્ગ માટે 4.10 કરોડની
ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ માર્ગ પર વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં
રહે છે. કાળક્રમે આ રસ્તાની હાલત બિસમાર બનતાં તેની રિપેરિંગ સહિતની જાળવણી કોણ કરશે
તે અંગે સવાલ ઊઠયા હતા તેવામાં ધારાસભ્યે અંગત રસ લેતાં શહેરીજનોને વેઠવી પડતી યાતનાનો
હવે અંત આવશે. આગામી થોડા સમયમાં જ બાકીના 11 રસ્તા માટે પણ ગ્રાન્ટ ફાળવણી કરવામાં
આવશે.