• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ગાંધીધામમાં અન્ડરગ્રાઉન્ડ વીજમાળખું ઊભું કરવાની તૈયારી

કુલદીપ દવે દ્વારા  : ગાંધીધામ, તા. 11 : કચ્છના આર્થિક પાટનગર તરીકે જાણીતા  ગાંધીધામ શહેરમાં અન્ડરગ્રાઉન્ડ વીજમાળખું ઊભું કરવા માટે વીજતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભાઈ છે. અંદાજિત 250  કરોડના ખર્ચે થનારા ત્રણ પ્રકલ્પો માટે પી.જી.વી.સી.એલ. દ્વારા ટેન્ડરપ્રક્રિયા સંપન્ન કર્યા બાદ એજન્સીને કામગીરી સોંપવાનો તબક્કો અંતિમ પડાવમાં પહોચ્યો છે. જો અન્ય કોઈ વિઘ્ન ન નડે તો આગામી 2થી 3 વર્ષમાં  સમગ્ર શહેર વીજવાયરો વિનાનું બનશે તેવું માહિતગારોએ જણાવ્યું હતું.  ગાંધીધામ સંકુલમાં છેલ્લા લાંબા સમયથી અન્ડરગ્રાઉન્ડ વીજમાળખું ઊભું કરવાની ચર્ચા  છેલ્લા કેટલાય વર્ષોથી ગતિમાં છે. અબલત્ત જુદા-જુદા કારણોસર  આ  પરિયોજના સાકાર  થઈ શકી ન હતી, ત્યારે  આ યોજનાને પૂર્ણ કરવા માટે પી.જી.વી.સી.એલ. તંત્ર દ્વારા મક્કમ મન સાથે તૈયારીઓ આરંભાઈ હોવાના અહેવાલ સાંપડયા હતા. જાણકારોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યોજનામાં ગાંધીધામના 23 જેટલા ફીડરોનો સમાવશે કરાયો છે. આ અંતગર્ત  156.49 કિલોમીટર એચ.ટી. લાઈન અને 156.49 કિલોમીટરની એલ.ટી. લાઈન  પાથરવામાં આવશે. આ ઉપરાંત  નવી વીજ વ્યવસ્થામાં મોટી ક્ષમતાના વીજ ટ્રાન્સફોર્મર મુકાશે તેમજ પ્રથમ ફેઝમાં એક સાથે  53 હજાર ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે. વીજ પુવરઠો સતત જળવાઈ રહે તે માટે  નવાં વીજમાળખાંમાં  રિંગમેન્સ સિસ્ટમનો સમાવેશ કરી શકાશે. એટલે કે, જો કોઈ વીજ ફીડરમાં ખોટીપો સર્જાયો હોય તો અન્ય વીજ ફીડરમાંથી તેને વીજ પુરવઠો આપવામાં આવશે. પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઈજનેર શ્રી ધામેચાનો સંપર્ક કરતાં તેમણે અન્ડરગ્રાઉન્ડ વીજમાળખાંની પ્રક્રિયા અંતિમ  તબક્કામાં પહોંચી  હોવાનું તેમણે જણાવ્યું હતું. આ માટે નકકી થયેલી એજન્સી સાથે  જરૂરી પરાર્મશ બાદ વર્કઓર્ડર આપવા વિગેરે કામગીરી આગળ ધપશે. જમીન વીજમાળખાંની વ્યવસ્થા માટે વીજતંત્ર દ્વારા મહાનગરપાલિકા સહિતના જુદાં-જુદાં તંત્રો પાસેથી પ્રાથમિક માહિતી એકત્ર કરવાની દિશામાં તૈયારીઓ આરંભાઈ છે. જાણકારોના મતના અનુસાર આ પરિયોજનાને અન્ય કોઈ વિક્ષેપ ન નડે તો આગામી  2થી 3 વર્ષમાં આ અદ્યતન માળખું ઊભું થઈ જશે. નવાં વીજમાળખાંમાં  જી.પી.એસ. સિસ્ટમ  આવશે તેમજ   ફોલ્ડ ડિટેકશન સિસ્ટમ પણ આવશે, જેનાં કારણે જે સ્થળે વીજ વિક્ષેપ સર્જાયો હોય તેની  વિગતો ઝડપભેર મળી શકશે. પી.જી.વી.સી.એલ.ના  મેનેજિંગ ડાયરેકટર પ્રીતિબેન શર્માના પ્રયાસો થકી આ પરિયોજના શકય બનશે. કચ્છમાં સમયાંતરે વાવાઝોડાં   સહિતની અનેક કુદરતી આપદા  રહે છે. નવી વીજવ્યવસ્થા થકી વીજતંત્રને નુકસાન ઓછું થશે અને ઝડપભેર વીજ પુરવઠો કાર્યરત થઈ શકશે તેવું પણ  માહિતગારોએ ઉમેર્યું હતું. નોંધપાત્ર છે કે, અદ્યતન વીજમાળખું ઊભું કરવા  માટે  શહેરમાં ચોતરફ થયેલા અતિમક્રમણો, જમીન સહિતના પ્રશ્નો માટે ઝઝૂમવું પડશે. મહાનગરપાલિકા આવી ગઈ હોવાથી  આ વિક્ષેપ સરળતાથી ઉકેલાઈ જવાની આશા સેવાઈ રહી છે. - મહાનગરપાલિકા ક્ષેત્રમાં તમામ સ્થળે નવાં વીજમાળખાં માટે દરખાસ્ત : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગાંધીધામને મહાનગરપાલિકાની ભેટ આપવામાં આવી છે. ઝડપભેર શહેરમાં અદ્યતન સુવિધાઓ ઊભી થાય તે દિશામાં તંત્રે વ્યાયામ આરંભ્યો છે, ત્યારે  પી.જી.વી.સી.એલ. દ્વારા ભાવિ  જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને   મહાનગરપાલિકાની હદમાં  આવતા આદિપુર, મેઘપર બોરીચી અને કુંભારડી વિગેરે વિસ્તારમાં પણ   શહેરની માફક    અન્ડરગ્રાઉન્ડ વીજવ્યસ્થા ઊભી કરવા માટે પી.જી.વી.સી.એલ.  તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ દરખાસ્ત કરવામાં આવી છે. સંભવત: નજીકના દિવસોમાં  આ મુદ્દે પણ હકારાત્મક પરિણામ સાંપડે તેવો આશાવાદ પણ તંત્રના અધિકારીઓએ વ્યકત કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd