ભુજ, તા. 8 : અહીં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાની પોલિયો ઝુંબેશ
ધારાસભ્ય કેશુભાઇ પટેલ દ્વારા ભૂલકાંઓને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મુક્યું
હતું. પાત્રતા ધરાવતું એક પણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ના રહી જાય તેનું ધ્યાન રાખવા
વાલીઓ અને આરોગ્ય વિભાગને અપીલ કરાઇ હતી અને પોલિયો નાબૂદીમાં રોટરીની કામગીરીને બિરદાવી
હતી. કચ્છ કલેક્ટર અમિત અરોરાએ સરકારી વ્યવસ્થા
તથા રોટરી સંસ્થાના સહકારની સરાહના કરતાં લોક સહયોગની જરૂરિયાતનું મહત્ત્વ જણાવ્યું
હતું. ભારત પોલિયોમુકત હોવા છતાં પડોશી દેશની અસરના પગલે અહીં ચલાવતી ઝુંબેશમાં સફળતાની
દૃષ્ટિએ કચ્છ આ કાર્યમાં અવ્વલ નંબરે આવે છે તેવું જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. પ્રજાપતિએ
જણાવ્યું હતું. આ અંગે વિગત આપતાં જિલ્લા રસીકરણ અધિકારી ડો. જે. એ. ખત્રીએ દસ તાલુકાના
67 પ્રા. આરોગ્ય કેન્દ્રના નેજા હેઠળ કુલ 1354 બુથો ખાતે 5900 જેટલા કર્મચારીઓ દ્વારા
3.21 લાખ બાળકોને ડોઝ પીવડાવી સો ટકા સિદ્ધિ પ્રાપ્ત કરશે તેવી તાલીમ અપાઇ હોવાનું
જણાવ્યું હતું. વિશેષમાં 176 મોબાઇલ બુથ પણ કાર્યરત રહેશે તેવું ઉમેર્યું હતું. ડો.
રોહિત ભીલે ભુજ ખાતે કુલ 198 જેટલા બુથ કાર્યરત થયા હોવાની પૂરક વિગતો આપી હતી. નગર
અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ અહીંના પોલિયો બુથ ખાતે બાળકોને ડોઝ પીવડાવી અભિયાનને શુભેચ્છા
પાઠવી હતી. ભુજ બાર એસો. પ્રમુખ સચિન ગોર, મંત્રી ચિરાગ ઠાકર, લોહાણા સમાજ પ્રમુખ ડો.
મુકેશ ચંદે, હરેશ કતિરા, જિ.ભા. મહિલા પાંખ પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, ભુજ અર્બનના ડો. વૈશાલી ડાભી ઉપસ્થિત રહ્યા હતા.
રોટરી પ્રમુખ ભાવેશ પટેલે સ્વાગત પ્રવચનમાં પોલિયો નાબૂદી માટે વિશ્વમાં 54 હજાર કરોડ
રૂા. સંસ્થા દ્વારા વપરાયા હોવાનું જણાવતા કચ્છની તમામ ક્લબો આ ક્ષેત્રે સક્રિય હોવાનું
વહીવટીતંત્રને નિર્દેશ કર્યો હતો. જિલ્લાના ઉચ્ચ વહીવટી વડા, જિલ્લા પદાધિકારીઓનું
પ્રશંસનીય કામગીરી બદલ સન્માન કરાયું હતું. જયેશ શાહ, અભિજીત ધોળકિયા, ડો. ઉર્મિલ હાથી,
ભરત ત્રિવેદી, દિલીપ ઠક્કર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, આશુતોષ ગોર, ચૈતન્ય પટ્ટણી, ઇન્નરવ્હીલ
ક્લબના શીલા ભટ્ટ, પ્રેમીલા ઠક્કર, અશોક માંડલિયા, જ્યોતિ ભટ્ટ સહયોગી રહ્યા હતા. વ્યવસ્થા
ડો. નવઘણ આહીર, વિમલ ખારેચા વિ.એ સંભાળી હતી. સંચાલન પ્રોજેક્ટ ચેરમેન પ્રફુલ ઠક્કર
અને આભારવિધિ ધવન શાહે કરી હતી. કચ્છ કલેક્ટર અમિત અરોરા તથા પ્રીતિબેન શર્માએ પોતાની
દીકરીને જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે પોલિયો બુથ પર ડોઝ પીવડાવી જાહેર જનતાને પ્રેરણારૂપ
ઉદાહરણ પૂરું પાડયું હોવાનું યાદીમાં જણાવાયું હતું.