• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

દરેક પ્રજ્ઞાચક્ષુમાં કોઈ ને કોઈ શક્તિ છુપાયેલી છે

ભુજ, તા. 8 : વિશ્વ દિવ્યાંગ દિવસના ભાગરૂપે આજે અહીં નેશનલ એસોસીએશન ફોર ધ બ્લાઈન્ડ કચ્છ ડિસ્ટ્રીક્ટ બ્રાન્ચ, લાયન્સ ક્લબ ઓફ ભુજ અને કચ્છમિત્રના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનો માટે ઓપન ચેસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત કચ્છમાં ફક્ત કચ્છના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે યોજાયેલી આ ચેસ ટૂર્નામેન્ટમાં ભુજ ઉપરાંત આસપાસનાં ગામો સહિત છેક સામખિયાળી, રાપર તાલુકાના મોટી રવ, ગાંધીધામ વિ. ગામોમાંથી નાનાથી મોટા 42  સ્પર્ધકે હોંશભેર ભાગ લીધો હતો. સવારે યોજાયેલી ટૂર્નામેન્ટનો સાંજે સમાપન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિજેતા ખેલાડીઓને ઈનામોથી મહાનુભવોના હસ્તે નવાજવામાં આવ્યા હતા. મંચસ્થ મહાનુભાવો નેશનલ એસો. ફોર ધ બ્લાઈન્ડ (કચ્છ ડિસ્ટ્રીક્ટ બ્રાન્ચ)ના પ્રમુખ અભય શાહ, લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરત મહેતા, કચ્છમિત્રના મેનેજર મુકેશ ધોળકિયા, લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રમુખ અજિતસિંહ રાઠોડ, લાયન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંજય દેસાઈ, નેશનલ એસો. ફોર ધ બ્લાઈન્ડના (કચ્છ ડિ. બ્રાન્ચ)ના સેક્રેટરી મનોજ જોશી, ટ્રેઝરર પ્રકાશ ગાંધી વિ.ના હસ્તે દીપ પ્રાગટયથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. શરૂઆતમાં અભય શાહે શાબ્દિક આવકાર આપી ભવિષ્યમાં બે દિવસ માટે ટૂર્નામેન્ટનું આયોજન કરવાની વાત કરી હતી. મનોજ જોશીએ સંસ્થાનો પરિચય આપ્યો હતો અને દિવ્યાંગોને સરકારી નોકરીમાં કનડતા પ્રશ્નો અંગે વાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક પ્રજ્ઞાચક્ષુમાં કોઈ ને કોઈ શક્તિ છુપાયેલી હોય છે, તે જાણીને તેમની પાસેથી કામ લઈ શકાય છે. કચ્છમિત્રના મેનેજર મુકેશ ધોળકિયાએ કચ્છમિત્ર હંમેશાં દિવ્યાંગોની સાથે જ છે અને તેમને લગતા પ્રશ્નોની યોગ્યસ્તરે રજૂઆત કરવાની ખાતરી ઉચ્ચારી હતી. લાયન્સ ચેરિ.ના સંજય દેસાઈએ પ્રજ્ઞાચક્ષુઓની આવી પ્રવૃત્તિ માટે લાયન્સ હોલ ફ્રી ઓફ ચાર્જ આપવાની જાહેરાત કરી હતી. ભરત મહેતાએ જણાવ્યું હતું કે, પ્રશ્નોની રજૂઆત યોગ્ય સ્તરે અને યોગ્ય સમયે હોય તો ચોક્કસ પરિણામદાયી બને છે. લાયન્સના અજિતસિંહ રાઠોડે પ્રાસંગિક ઉદ્બોધનમાં સહયોગની તત્પરતા દાખવી હતી.  ચેસ ટૂર્નામેન્ટના વિજેતા પ્રથમ હિસાન સમીરભાઈ જેડા, દ્વિતીય રામજી વેલજીભાઈ દાવડા અને તૃતીય કપિલ નવીનચંદ્ર દોશી રહ્યા હતા. તેમને શાલ અને રોકડ પુરસ્કાર આપી નવાજાયા હતા. આ ઉપરાંત ભૂમિ કેતનભાઈ સોલંકી અને શ્લોક ખોડિયારનું વિશેષ સન્માન કરાયું હતું. ભાગ લેનારા સૌ ખેલાડીઓનું શાલથી સન્માન કરાયું હતું.  સ્પર્ધકોએ પોતાના પ્રતિભાવમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે આ પ્રકારનાં ટૂર્નામેન્ટનાં આયોજન બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. દીપ ચાવડા અને રાકેશ વાઢેરે રેફરી તરીકેની સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન હેતલ ભટ્ટ અને આભારવિધિ પ્રકાશ ગાંધીએ કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd