ફકીરમામદ ચાકી દ્વારા : કોટડા (ચકાર), તા. 8 : જેમ યુ.પી.ના ભૈયા વત્રો વેચી રોજી મેળવવા કચ્છમાં મોટી સંખ્યામાં
આવે છે તેમ છેલ્લી ત્રણ પેઢીઓથી વાજાં રિપેર કરી રોજી મેળવવા છેક મધ્યપ્રદેશના ગોંડ
આદિવાસી કારીગર આવે છે. ભજનો, લોકગીતો, લોકસંગીત કવ્વાલીઓમાં કલાકારોના સૂરીલા સ્વરમાં
સૂરીલો સૂર પુરાવતાં હાર્મોનિયમ વગર, પેટી કે વાજાં વગર બધું અધૂરું છે. હાર્મોનિયમ-
વાજાં-પેટી જ્યારે બગડે, સૂર બેસૂરા થાય તો તેને રિપેર કરાવવા પડે અને તેના કારીગરને
તો શોધવો જ પડે. જાણીતા તમામ ભારતીય વાજિંત્રોના ચાહક તેમજ સૂરસાધક માંડવીના મહેશભાઈ
જાની, ભુજના અરવિંદભાઈ ઠક્કર, કોટડાના સુરેશ ઠક્કર, માંડવીના નેંઢો ડેરો (દેવરાજ ગઢવી)
તેમજ નિરોણાના કાફી-કવ્વાલ મુસા હુસેન પારા, જીતુગિરિ બાપુ બધા કહે છે કે સ્વરમાં સૂર
માટે વાજું જોઈએ છે.માંડવીના તમામ ભારતીય વાજિંત્રોના જાણકાર - વગાડનાર તેમજ કલાકારોને
સાથ આપનાર એવા મહેશભાઈ જાની કહે છે કે, છેલ્લી ત્રણ પેઢીથી એમ.પી.ના કટનીના બગડેલા
સાજને રિપેર કરવા છેલ્લા ત્રીસેક વર્ષથી કચ્છમાં રોજી રળવા માટે રાજકુમાર ગોંડ, શનિલાલ
રાજકુમાર તેમજ અભિશની ગોંડથી સંપર્ક કરી રિપેરિંગ
માટે બોલાવીએ તો આવી પહોંચે છે. આ ગોંડ આદિવાસી જાતિ પર જાણીતા નવલકથાકાર અશ્વિની ભટ્ટની
ઓથારમાં તેમના આઝાદી સંગ્રામમાં મહત્ત્વનાં યોગદાનને બિરદાવ્યું છે. આ કારીગરોને હાર્મોનિયમ,
પેટી અંગે પૂછતાં તેઓએ કહ્યું કે, દિલ્હી, મુંબઈ, કલકતા સહિતમાં જે હાર્મોનિયમ તૈયાર
થાય છે તે ઓછામાં ઓછા પાંચ હજારથી સવા-દોઢ લાખના પણ હોય છે.