વાયોર (તા. અબડાસા), તા. 8: આ ગામ તથા આજુબાજુનાં ગ્રામવિસ્તારમાં ખેતરોની અંદર ઘોડાઓ ઘુસીને
મગફળી, કપાસ, એરંડા વિગેરે જેવા શિયાળુ પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે.
સમગ્ર પંથક ઘોડાઓના આતંકથી ત્રસ્ત છે. આજુબાજુ મગફળીનાં ભાવ ઘટી ગયા છે તેવામાં દિવસ
રાત તનતાડે મહેનત કરીને ખેતી કરતા કિસાનો શિયાળુ પાકનું વાવેતર કરેછે. તેવામાં 35 જેટલાં
ઘોડાઓનું જુથ ખેતરોમાં તૈયાર પડેલા મગફળીનાં પાકને મોટાપાયે નુકસાન કરે છે. તથા ખેડૂતો
ઘોડા પકડવા જાય તો હાથમાં આવતા નથી. ઉલ્લેખનીય છે કે, ગરડા પંથકમાં ચોમાસું મગફળી સારી
થતી હોય છે. પરંતુ, આ વખતે ભાવમાં ઘટાડો નોંધાયો છે જેથી ખેડૂતોને નુકસાની ભોગવવી પડી
છે. આ બાબતે વાયોરનાં યુવાન સાલેભાઈ ઓઢુજાનાં ખેતરમાં મગફળીનાં પાકને નુકસાન કરતા તેમણે
તાત્કાલિક ધોરણે સુઝબુઝ વડે એક ઘોડીને પોતાનાં ખેતરમાં બાંધી છે. ખેડૂતોની માંગણી છે
કે જો તાત્કાલિક ધોરણે આ ઘોડાઓને માલિક આવીને લઈ નહીં જાય તો બિનવારસુ તરીકે વહેંચી
દેવામાં આવશે અથવા અન્ય સુમસાન જગ્યાએ છોડી દેવામાં આવશે. જેથી ખેડૂતોનાં ખેતરોમાં
મગફળીનાં પાકને નુકસાન થતું બચાવી શકાય.