ભુજ, તા. 4 : આ વખતની ર1મી પશુધન ગણનામાં સ્થળાંતરિત કરતા માલધારીઓના
પશુઓને પણ સમાવવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરાયો છે. ભારત સરકાર દ્વારા દર પાંચ
વર્ષે પશુધન ગણના કરવામાં આવે છે, અત્યાર સુધી ર0 વખત પશુધન ગણના થઈ ચૂકી છે, હાલમાં
ર1મી પશુધન ગણનાનું કાર્ય ચાલુ છે. આ વખતે પશુધન ગણનામાં પાણી અને ચારાની શોધમાં વિચરતા
માલધારીઓના પશુધનની ગણતરી પણ સૌપ્રથમ વખત કરવાનો નિર્ણય ભારત સરકાર દ્વારા કરવામાં
આવ્યો છે. પશુધન ગણતરીની પ્રક્રિયા મુજબ ગણતરી કરનાર ગણતરીદારો મહોલ્લા, શેરી અને દરેક
વોર્ડમાં ઘર-ઘર જઈને દરેક ઘરને ઘર નંબર આપીને તે ઘરના પશુધનની ગણતરી કરવાની હોય છે, જ્યારે માલધારીઓ સામાન્ય રીતે જ્યાં
જંગલ, વગડામાં હોય ત્યાં ગણતરીદારો પહેંચતા ન હોવાથી મોટાભાગના સ્થળાંતરિત માલધારીઓનું
પશુધન ગણતરીથી બાકાત રહી જતું હતું. બે વર્ષ પહેલાં ભુજના એલ.એલ.ડી.સી. ખાતે નેશનલ
પાસ્ટોરલ યૂથ કોન્ક્લેવ યોજાયો હતો, જેમાં તત્કાલીન કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ
રૂપાલા સમક્ષ માલધારીઓના પશુધનને ગણતરીમાં લેવા રજૂઆત થતાં મંત્રી દ્વારા ર1મી પશુધન
ગણનામાં માલધારીઓના પશુધનને ગણતરીમાં સમાવવા જાહેરાત કરી હતી. દેશના રર રાજ્યમાં વિચરતા
માલધારી સમુદાયો જોવા મળે છે, ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં રબારી, ભરવાડ,
જેવા માલધારીઓ બહોળી સંખ્યામાં જોવા મળે છે. કચ્છ એ માલધારીઓનો પ્રદેશ કહેવાય છે, અહીં
રબારી, ભરવાડ, ફકીરાણી જત, બન્નીના માલધારી, સમા, સોઢા, આહીર, ચારણ જેવા માલધારી સમુદાયો
જોવા મળે છે. ચાલુ વર્ષે પશુધન ગણતરી મોબાઈલ એપ્લિકેશન દ્વારા થઈ રહી છે. કચ્છમાં અને
સૌરાષ્ટ્રમાં માલધારીઓની બહોળી સંખ્યા હોવાથી પશુધન ગણનામાં તેમની ગણના અંગે બહોળી
જાગૃતિ, પ્રચાર-પ્રસાર અને મૂલ્યાંકન માટે ભારત સરકાર પશુપાલન મંત્રાલયના પશુધન ગણતરીના
ડાયરેક્ટર વિશ્વનાથ પ્રતાપ સિંઘ સ્વયં કચ્છની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે, જેમાં
પ્રથમ દિવસે ભુજ ખાતે માલધારીઓ સાથે સંવાદ, સાંજે રાજ્યના પશુધન ગણનાના જિલ્લા અધિકારીઓ
સાથે વર્ચુઅલ મિટિંગ, બીજા દિવસે પશુધન ગણનામાં માલધારીઓના પશુધનની ગણના માટે બન્નીના
માલધારીઓ સાથે ગોરેવાલી ગામમાં પશુધન ગણના કરવામાં પ્રત્યક્ષ હાજરીમાં ડેટા કલેક્શન
કરવામાં આવશે.ત્યાર બાદ ખડીરનાં જનાણ ગામમાં ઘેટાં-બકરા અને ઊંટ માલધારીઓની ગણતરી કરવામાં
આવશે. આજે જિલ્લા પંચાયત હોલ ખાતે કચ્છ અને સૌરાષ્ટ્રના માલધારીઓ સાથે પશુધન ગણનામાં
માલધારીઓને સમાવી લેવા માટે સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર કચ્છના
અને સૌરાષ્ટ્રના માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પશુધન ગણનામાં માલધારીઓના
પશુધનને ગણતરીમાં લેવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા લેવાના થતા વિશેષ પગલાઓ,
જાગૃતિ, સ્વૈચ્છિક સંસ્થાઓની સહાયક ભૂમિકા, માલધારીઓ દ્વારા પહેલ અને સહકાર બાબતે ચર્ચા
હાથ ધરાઈ હતી. આ કાર્યક્રમ પશુપાલન વિભાગ, ગાંધીનગર હેઠળ પશુપાલન શાખા જિલ્લા પંચાયત-ભુજ
દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. સહજીવન સંસ્થા-ભુજ દ્વારા સહયોગ અપાયો હતો. પશુધન
ગણના થયા પછી, પશુ રસીકરણ, કુમિનાશક દવા, ઈન્જેક્શનોના જથ્થાની ફાળવણી, પશુધન વિકાસની
વિવિધ યોજનાઓ, સરકારી લાભો માલધારીઓ સુધી કઈ રીતે પહોંચી શકે તે માટે ગણના થયા પછી
પશુધન સંખ્યાના આધારે વિવિધ રાજ્ય સરકારો દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા માલધારીઓ
માટે નવી યોજનાઓ અને કાર્યક્રમો ઘડવામાં મદદ મળશે.આ બેઠકમાં ગુજરાતના ડો. ડી.કે. કાપડિયા,
કચ્છ જિલ્લાના નાયબ પશુપાલન અધિકારી ડો. રાજેશ પટેલ, ડો. હરેશ ઠક્કર, ડો. રામાણી, ડો.
ગિરીશ પરમાર, તમામ પશુ ચિકિત્સકો વગેરે હાજર રહ્યા હતા.