ભુજ, તા. 30 : સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને ધારાસભ્યો
તથા કલેકટરની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ
મોનિટરિંગ કમિટી (દિશા)ની બેઠક મળી હતી. બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસ
કામોની સમીક્ષા સાથે તેને સમય મર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદે સૂચના સાથે માર્ગદર્શન
આપ્યું હતું. વિવિધ યોજના હેઠળ ચાલતા વિકાસ કામોનું સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા
નિદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદ
ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તથા ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ
જાડેજા, અનિરુદ્ધભાઇ દવે દ્વારા અધિકારીઓએ રજૂ કરેલી વિગતો પર ચર્ચા કરવામાં આવી હતી
તથા તે કામને સંલગ્ન સૂચનો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ધારાસભ્યોઓ દ્વારા પોતાના
વિસ્તારને લગતા મુદા રજૂ કરીને જે તે વિભાગ પાસેથી તે અંગેના કામો અંગે માહિતી મેળવાઇ
હતી. સાંસદે આ બેઠકને મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવીને પદાધિકારીઓ દ્વારા રજૂ થતી સમસ્યા
અને સૂચનોને અધિકારીઓ દ્વારા ધ્યાને લઇને ત્વરીત નિકાલ કરવા તથા પ્રગતિ હેઠળના કામોને
સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. કચ્છમાં રેલવેના ચાલતા વિવિધ પ્રોજક્ટની
સમીક્ષા કરીને તેને લગતા પ્રશ્નોનો ત્વરાએ નિવેડો લાવવા જણાવ્યું હતું. ભુજ શહેરનો
ટ્રાફિક સંતુલિત કરવા પ્રસ્તાવિત બાયપાસ રોડના કામો તથા પ્રગતિ હેઠળના રોડના કામને
ગતિ આપવા સંલગ્ન વિભાગને જણાવ્યું હતું. એર કનેકટીવીટી તથા નવા સૂચિત પ્રોજક્ટ સંદર્ભમાં
ચર્ચા કરીને ભવિષ્યમાં પ્રવાસીઓને વધુ સુવિધા મળી રહે તે માટેના આયોજન અંગે ખાસ ચર્ચા
કરી હતી. કલેકટર અમિત અરોરાએ વિવિધ વિભાગ હેઠળ થતાં વિકાસકામો જનપ્રતિનિધિઓ સાથે સંકલન
અને સહયોગમાં રહીને કરવા સાથે સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જન જન સુધી સુખાકારીના
કામો સુચારૂ રીતે થાય તે બાબતે અધિકારીઓને સૂચન કર્યું હતું. ધારાસભ્ય કેશુભાઇએ ભુજ-ખાવડા
રોડના ટોલનાકા, ભુજનો ટ્રાફિક ઘટાડવા નવા બાયપાસ રસ્તા, રેલવેને સંલગ્ન ખેડૂતોના તથા
રસ્તાના પ્રશ્ન અંગેની રજૂઆત કરીને આ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું.
ધારાસભ્ય શ્રી દવેએ કચ્છના પ્રવેશદ્વારના બે ટોલનાકાનો પ્રશ્ન, પાસપોર્ટ કેન્દ્ર, ગામડાની
ગટરલાઇનની સફાઇ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય શ્રી જાડેજાએ પોસ્ટ ઓફિસ, પુલના
કામ, એરપોર્ટ ઓથોરિટીના સીએસઆરના કામ સહિતના પ્રશ્નો રજૂ કરીને તેનો તત્કાલ નિકાલ કરવા
જણાવ્યું હતું. ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખે વિગતો આપી હતી.