• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ગાંધીધામમાં દબાણ હટાવવા સુધરાઇ લાકડાની તલવારના સહારે

રમેશ ધેડા દ્વારા : ગાંધીધામ, તા. 30 : જોડિયા આ શહેરમાં કોઈ ગલી, રોડ કે વિસ્તાર બાકી નથી જ્યાં, દબાણ ન ખડકાયા હોય હવે, તો કોઈ રસ્તો ખુલ્લો દેખાય તો પણ આશ્ચર્યજનક બાબત ગણાય છે. રાજકીય હુંસાતુંસીમાં આ બંને નગરો દબાણકારોના ભરડામાં સપડાઈ ગયા છે. તેવામાં નગરપાલિકા દ્વારા વાહન દોડાવી માઇક પર બિનઅધિકૃત બાંધકામ દૂર કરવા મૌખિક સૂચના આપવાનો પ્રારંભ કરાયો છે.  ગાંધીધામ, આદિપુરમાં મુખ્ય બજાર, ગાંધી માર્કેટ, ઓસ્લો રોડ, ટાગોર રોડ, ચાવલા ચોક, મદનાસિંહ સર્કલ, 80 બજાર, 64 બજાર, આ ઉપરાંત આંતરિક વિસ્તારોમાં ખૂણે ને ખાંચરે બિનઅધિકૃત બાંધકામોના ખડકલા થઈ ગયા છે. મુખ્ય બજારમાં કેટલીક દુકાનો આગળ ફૂટપાથ બાદ હવે પાર્કિંગ સ્થળ પણ હડપ કરવાની ગતિવિધિ શરૂ થઈ છે, તો વળી સુંદરપુરી, ઓસ્લો રોડ પર વરસાદી નાળા, ગટરની ચેમ્બરો ઉપર પાકા બાંધકામ ખડકાઈ ગયા છે. આવી જ રીતે પોશ ગણાતા વિસ્તારોમાં પણ વાહન પાર્કિંગ કે અન્ય કોઈ પણ રીતે દબાણો ખડકી દેવાયા છે. જેના કારણે ત્રણ વાહન સરળતાથી પસાર થઈ જાય એવા રોડ પર માંડ એકલ દોકલ વાહન જ નીકળી શકે તેવી હાલત સર્જાઈ છે.   ભાઈ પ્રતાપ દ્વારા ભવિષ્યના આયોજનને લક્ષ્યમાં રાખીને સુંદર એવા આ જોડિયા નગરોની સ્થાપના કરી હતી, પરંતુ પાછળથી સરકારી તંત્રોની ધાક બેસાડતી કામગીરીના અભાવે દબાણકારોને મોકળુ મેદાન મળી ગયું હતું. સમયાંતરે નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, પરંતુ આ પ્રક્રિયામાં પણ રાજકીય અવરોધ આવતા કામ અધવચ્ચે જ અટકી જતું હતું. આ દરમ્યાન સુધરાઇએ વાહન દોડાવી બિનઅધિકૃત બાંધકામો દૂર કરવા મૌખિક સૂચના આપવાનો પ્રારંભ કરાયો છે, ત્યારે લેખિત નોટિસ ફટકારવા છતાં કોઈ પરિણામ ઊપજ્યું ન હતું. તેવામાં મૌખિક સૂચનાથી વર્ષોથી સળગતા દબાણના પ્રશ્નને હલ કરી શકાશે? તેવો પ્રશ્ન જાગૃત વર્ગમાંથી ઊઠી રહ્યો છે. આ સંદર્ભે નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજયકુમાર રામાનુજનો સંપર્ક સાધતા તેમણે, દબાણની સમસ્યા ચોતરફ હોવાનો સ્વીકાર કર્યો હતો અને મોટી સંખ્યામાં બિનઅધિકૃત બાંધકામો હોવાથી લેખિત નોટિસ આપવામાં ખાસ્સો સમય નીકળી જાય તેમ છે. જેથી જાહેર સૂચન કરીને જાણ કરવામાં આવી રહી છે. આગામી તા.7/12થી દબાણ હટાવ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવશે અને પ્રાથમિક તબક્કે અહીંના ખન્નામાર્કેટ વિસ્તારમાં  આ કામ શરૂ કરવાની વાત તેમણે કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang