ભુજ, તા.30 : કાશ્મીરમાં નવેસરથી બરફવર્ષા થઈ છે અને તેની અસરે
ઠંડક પ્રસરે તેવી સંભાવના વચ્ચે આજે પવનની વધેલી ઝડપે લોકોને ઠંડકની અસર વર્તાવી હતી
તો મહત્તમ અને લઘુતમ એમ બંને તાપમાનના પારામાં બે ડિગ્રીનો મોટો તફાવત જોવા મળ્યો હતો.
હવામાન ખાતાએ જોકે ત્રણ દિવસ બાદ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારાનો વર્તારો આપ્યો છે. કચ્છના શીતમથકનું
બિરુદ પામેલા નલિયામાં આશરે બે ડિગ્રીના ઘટાડા સાથે રાત્રિનું તાપમાન 13 ડિગ્રીએ પહોંચતાં
તે કેશોદની સાથે રાજ્યનું સર્વાધિક શીતસ્થળ બન્યું હતું. નલિયામાં દિવસના તાપમાનમાંપણ એકાદ ડિગ્રીના ઘટાડે 31.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન
અનુભવાયું હતું. જિલ્લામથક ભુજમાં હવાની ઝડપ સરેરાશ છ કિ.મી. પ્રતિકલાકની રહેતાં લોકોને
દિવસ દરમ્યાન આછેરી ઠંડક અનુભવવા મળી હતી. જિલ્લામથકે મહત્તમ તાપમાન બે ડિગ્રીથી વધુ
ઘટીને 30.7 ડિગ્રી સેલ્સિયસ જ્યારે રાત્રિનું તાપમાન એક ડિગ્રી ઘટીને 16.3 ડિગ્રી સેલ્સિયસે
પહોંચ્યું હતું. અન્ય મથકોના નોંધાયેલા આંક પર નજર માંડતાં કંડલા પોર્ટ ખાતે પણ લઘુતમ
તાપમાન સામાન્ય ઘટીને 18.5 જ્યારે મહત્તમ તાપમાન થોડું ઘટીને 29.5 ડિગ્રી સેલ્સિયસ પહોંચતાં મિશ્ર હવામાનની તાસીર
જોવા મળી હતી. અંજાર, વરસામેડી સહિતના વિસ્તારોના હવામાનને ઝીલતા કંડલા એરપોર્ટ ખાતે
દિવસના તાપમાનમાં થોડા ઘટાડા સાથે પારો 30.0 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમનો પારો
13.2 ડિગ્રીએ પહોંચતાં ઠંડકની અસર વર્તાઈ હતી.