ગાંધીધામ, તા. 30 : લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે તા. 1 ડિસેમ્બરના મીડિયા પાર્ટનર કચ્છમિત્ર
અને ગાંધીધામની વિવિધ સંસ્થાઓના સહયોગથી સાઈક્લોથોનનું
આયોજન કરાયું છે. આ અંગેની
તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતેથી સાઈક્લોથોન શરૂ થશે. આ વેળાએ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના
પ્રમુખ દિલીપભાઈ દેશમુખ, સાંસદ વિનોદભાઈ ચાવડા,
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય,
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સુધરાઈ પ્રમુખ તેજસ શેઠ,પૂર્વ કચ્છ પોલીસવડા
સાગર બાગમાર,ડી.પી.એ.ના ડેપ્યુટી ચેરમેન નંદીશ શુક્લા, સાઈક્લોથોનના કન્વીનર ધવલ આચાર્ય,
નંદલાલ ગોયલ વિગેરે ઉપસ્થિત રહેશે. આયોજનમાં માનવ સેવા ટ્રસ્ટ, મારવાડી યુવા મંચ, ભારત વિકાસ પરિષદ, અગ્રવાલ સમાજ, રોયલ ગ્રુપ, મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ,
રેન્કર્સ ગ્રુપ, સેવી ઈન્ટરનેશનલ ગ્રુપ ઓફ
સ્કૂલ, ઈન્નરવ્હીલ ક્લબ, બી.એમ. કેર ફાઉન્ડેશન,
3 કોર ન્યૂટ્રિશિયન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (પૂર્વ કચ્છ), ઈન્સ્ટન્ટલી ઈન્ડિપેન્ડેન્ટ
ટ્રસ્ટ, ક્રાંતિ સેના, વી.એસ.એસ.એસ., નવદુર્ગા નવરાત્રિ મંડળ, સિંધી સમાજ સહયોગ આપી રહ્યા છે. આંબેડકર હોલથી સાઈક્લોથોન શરૂ
થયા બાદ મુંદરા સર્કલ ખાતે ભાગ લેનારાઓને ટોકન આપવામાં આવશે. સંયોજક ધવલ આચાર્યે જણાવ્યું હતું કે, આ સ્પર્ધા
નથી, અંગદાન માટે જાગૃતિ ફેલાવવા માટેનું કાર્ય છે. આ ટોકનમાંથી લક્કી ડ્રો કરાશે અને
તે પૈકી 11 વ્યક્તિઓને સાઈકલ આપવામાં આવશે. આયોજનને આખરી ઓપ આપવા માટે આજે મારવાડી
ભવન ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં તૈયારીઓને
આખરી ઓપ આપવામાં આવ્યો હતો. વિવિધ સંસ્થાના
પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.