• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

આજે બીએસએફનો 60મો જન્મદિન

વિશ્વનું સૌથી મોટું સીમા રક્ષક દળ - સીમા સુરક્ષા દળ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ : બીએસએફ) ભારતની સીમા રક્ષા સેના છે. તેના જવાનોની વિકટ કામગીરી દેશની અખંડિતતા જાળવવા અને દેશવાસીઓને સુખચેનથી જીવાડવા આશીર્વાદરૂપ છે. બીએસએફ એક અર્ધલશ્કરી દળ છે, જેની સ્થાપના આજથી 59 વર્ષ પહેલાં પહેલી ડિસેમ્બર, 1965ના થઈ છે. તેનું સ્વાભાવિક લક્ષણ છે :?`કોઈ પણ કાર્ય, કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ.' સીમા દળના મુદ્રાલેખ `જીવનપર્યન્ત કર્તવ્ય' (ડયુટી અનટુ ડેથ)ને ચરિતાર્થ કરવા તેણે લોહી અને પરસેવો પાડયાં છે. શાંતિના સમય દરમિયાન ભારત ભૂમિ સીમા રક્ષણ અને આંતરરાષ્ટ્રીય અપરાધ રોકવા માટે આ દળ કાર્યરત છે. આ દળ કેન્દ્ર સરકારનાં ગૃહ મંત્રાલયનાં નિયંત્રણમાં મુકાયેલું છે. ભારતીય પ્રદેશની સંરક્ષણની `પ્રથમ દીવાલ' અથવા `પ્રથમ હરોળ' તરીકે બીએસએફને ઓળખવામાં આવે છે. આજે તેના 60મા સ્થાપનાદિને જાંબાઝ દળ વિશે વધુ કેટલીક રસપ્રદ વિગત જાણીએ.. 0 1965 સુધી પાકિસ્તાન સાથેની ભારતની સરહદો રાજ્ય સશત્ર પોલીસ બટાલિયન હવાલે હતી. પાકિસ્તાને કચ્છ રણ સરહદે સરદાર ચોકી, છાડબેટ અને બેરિયાબેટ પર નવમી એપ્રિલ, 1965નાં આક્રમણ કર્યું હતું. નાપાક સૈન્યના સશત્ર હુમલાના બનાવ વખતે રાજ્ય-કેન્દ્રીય પોલીસ દળની મર્યાદા છતી થઈ અને ભારત સરકારે કેન્દ્રીય નિયંત્રણ હેઠળનાં ખાસ સીમા સુરક્ષા દળની જરૂરત અનુભવી, પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમા પર સશત્ર અને તાલીમથી સજ્જ વિશેષ દળ હોય એવું વિચારાયું. 0 સીમા વ્યવસ્થાપન પ્રણાલી ગોઠવવા - વિસ્તારવા સચિવ સ્તરની સમિતિની ભલામણોનાં પરિણામે સીમા સુરક્ષા દળ પહેલી ડિસેમ્બર 1965નાં અસ્તિત્વમાં આવ્યું અને કે.એફ. રૂસ્તમજી તેના પ્રથમ વડા અને સ્થાપક બન્યા હતા, જેમને 1972માં પદ્મભૂષણ અને પછી 1991માં પદ્મવિભૂષણથી નવાજાયા હતા. અત્યારે દલજિત સિંઘ ચૌધરી ડાયરેક્ટર જનરલ તરીકે સેવારત છે. 0 કચ્છની સમુદ્ર સીમાએ બીએસએફની 117મી બટાલિયનના ક્રીક ક્રોકોડાઇલ કમાન્ડો-મરિન કમાન્ડો અત્યાધુનિક બોટમાંથી ફાયરિંગ કરીને નિશાન ભેદવાથી માંડીને દરિયામાં ઊતરીને થતી કામગીરી પણ કરી શકવા સમર્થ છે. 0 સીમા દળ જુદા જુદા ફ્રન્ટિયરમાં વહેંચાયેલું છે. તેમાં રાજસ્થાન અને ગુજરાત રાજ્યની આંતરરાષ્ટ્રીય સીમાઓ સમાવતા ગુજરાત ફ્રન્ટિયરની સ્થાપના પહેલી એપ્રિલ-2004ના કરવામાં આવી છે. આ ફ્રન્ટિયર ત્રણ?સેક્ટર બાડમેર, ગાંધીનગર અને નવું રચાયેલું ભુજ સેક્ટર ધરાવે છે. 0 બાડમેર જિલ્લાની સીમા ચોકી 780થી કચ્છના સિરક્રીક વિસ્તારની મુખ?પાસેની સીમા ચોકી 1175 સુધીના કુલ 741 કિ.મી.નું અંતર ધરાવે છે. 0 બીએસએફએ 1971નાં યુદ્ધ વખતે કચ્છ સીમાએથી કૂચ કરીને સિંધના નગરપારકર પર ત્રિરંગો લહેરાવ્યો હતો અને બ્રિગેડ મેજર ચંદનસિંહ ચંડેલે વિંગુર ચોકી પર હલ્લો બોલાવ્યો હતો, એ પ્રકરણ `બેટલ ઓફ વિરાવા'?તરીકે આજેય પ્રખ્યાત છે. 0 સીમા સુરક્ષા દળ સંયુક્ત રાષ્ટ્રો (યુએન)નાં શાંતિ જાળવણી મિશનમાં સેવા આપવા દર વર્ષે સંખ્યાબંધ જવાનોને તૈનાત કરી સહયોગ આપે છે. 0 કચ્છ-ગુજરાતના 26મી જાન્યુ. 2001ના ભયાનક ભૂકંપ વખતે હતાહત લોકોની મદદે આ દળ સૌથી પહેલાં પહોંચ્યું હતું. ગુજરાતના કોમી દંગા વખતે પણ તેના જવાનોએ મોરચો સંભાળી લઇને લોકોની મૈત્રી અને ભાઇચારાની ભાવનાને પુન:સ્થાપિત કરી હતી. 0 શાંતિકાળે સરહદી વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષાની સમજ વધારવી, સરહદની પેલે પારથી થતા ગુનાઓ રોકવા, અનધિકૃત ભારત પ્રવેશ રોકવો, દાણચોરી અને અન્ય બીજી ગેરકાનૂની પ્રવૃત્તિઓ રોકવી એ બીએસએફનું મુખ્ય કાર્ય છે. છેલ્લાં થોડાં વર્ષોથી સીમા દળને વધારાની ફરજોમાં બંડ (ઈન્સર્જન્સી) વિરુદ્ધ અને આંતરિક સલામતી માટે તૈનાત કરવામાં આવે છે. 0 યુદ્ધના સમયે, જ્યાં મુખ્ય હુમલો થયો હોય તે સિવાયનાં ઓછાં ખતરાવાળાં ક્ષેત્રોમાં ભૂમિજાપ્તો સંભાળે છે અને સ્થાનિક પરિસ્થિતિ મુજબ કાર્યવાહી કરવાની સીમા દળ ક્ષમતા ધરાવે છે. દુશ્મન કમાન્ડો - પેરા જવાનો અથવા છાપા સામે હવાઈ ક્ષેત્રોનાં મહત્ત્વપૂર્ણ ઊતરાણને સલામતી બક્ષે છે. અન્ય એકમો સાથે જોડાણમાં રહીને મજબૂત પોઈન્ટ હોલ્ડિંગ દ્વારા મુખ્ય સંરક્ષણ હરોળ બાજુએ વિસ્તરણ સેવા બજાવે છે. 0 શરૂઆતમાં માત્ર 25 બટાલિયન ધરાવનાર બીએસએફની વર્તમાન સમયમાં કુલ 193 બટાલિયન આવેલી છે અને આ બટાલિયન ટુકડીઓ દ્વારા 6386 કિ.મી. લંબાઇ ધરાવતી આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાનું કાર્ય કરે છે, જે પવિત્ર?ભૂમિ, દુર્ગમ ભૂમિ, રણની ભૂમિ, દરિયાકાંઠા, નદીઓ, પર્વતો તથા ખીણો તેમજ હિમાચ્છાદિત પ્રદેશો સુધી ફેલાયેલી છે. અત્યારે ફોર્સની સ્ટ્રેન્થ 2,70,000 જવાનની છે. 0 સીમાદળ પાકિસ્તાન, બાંગલાદેશ અને મ્યાંમાર સીમાજાપ્તાનું કાર્ય સંભાળે છે. 0 સીમાદળનું મુખ્યાલય નવી દિલ્હીના લોધી રોડ પર આવેલું છે. 0 બીએસએફ એર વિંગ, મરિન વિંગ, આર્ટિલરી રેજિમેન્ટ અને કમાન્ડો યુનિટ ધરાવનારું એકમાત્ર અર્ધસૈન્ય દળ છે. 0 સીમાદળ સ્વતંત્ર એકેડેમી (તાલીમ સંસ્થા), શ્વાન તાલીમ કેન્દ્ર, ટીયર સ્મોક યુનિટ (ટીયર ગેસ સેલ બનાવવા)ની સવલત પણ ધરાવે છે. તેની ત્રણ બટાલિયન એનડીઆરએફ?(નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) તરીકે તૈયાર કરવામાં આવી છે. 0 ભારતીય ટપાલ ખાતાંએ બીએસએફની સુવર્ણ જયંતી નિમિત્તે રૂા. પાંચનું મૂલ્ય ધરાવતી ખાસ બહુરંગી ટપાલ ટિકિટ પણ 2015માં જારી કરી છે. સંકલન : સંજય ઠાકર 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang