• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

પાછોતરા વરસાદથી ભુતડીનો ચારો બગડતાં ભાવ ગગડયા

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 29 : નખત્રાણા તાલુકો મગફળીના ઉત્પાદનનું હબ ગણાય છે. આ વખતે મગફળી ઉખેડવાનો સમય આવ્યો ત્યારે વાવાઝોડું આવતાં ભુતડીના પાક સાથે ચારો પણ ખરાબ થઇ ગયો હતો. નેત્રાના યુવાન ખેડૂત મામદ સંઘારે કહ્યું  હતું કે, આ વખતે વરસાદે ભુતડીનો ચારો બગાડતાં ગત વર્ષ જે ચારો પનીના ભાવ 350 રૂા. મણ હતો તે હાલમાં વરસાદથી કાળો પડતાં ચારો 100 રૂા. મણે વેચાય છે. જ્યારે વરસાદથી ખેતરોમાં ન ઉખડેલી ભુતડીનો સારો ચારો 200 રૂા. મણ વેચાય છે. વરસાદથી ખાસ કરીને દેશી ભુતડીનો પાક વહેલો ઉખડતાં ખેતરોમાં પાથારા જે પડયા હતા તે ભુતડી સાથે ચારો કાળો પડી ગયો. જ્યારે અન્ય ભુતડી સાડા ત્રણ મહિના સુધીનો પાક ખેતરોમાં ઊભો હોઇ જે ભુતડીનો ચારો કાળો નથી પડયો. નખત્રાણા તાલુકામાં અને તેમાં નેત્રા, બાંડિયા, લક્ષ્મીપર, ખીરસરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભુતડીનું વાવેતર થતાં આ વિસ્તારમાંથી રોજની 15થી 20 ગાડીઓ ભરીને લોકો લઇ જાય છે. તો નાના માલધારીઓ પણ પોતાના પશુઓ પ્રમાણે આ (ચારા)નો સંગ્રહ કરી રાખે છે. આ ચારો બેથી અઢી વર્ષ સંગ્રહવાથી બગડતો નથી. આ ચારો પશુઓ આરોગે તો દૂધ વધુ આપે છે અને પશુઓને સશક્ત પણ બનાવે છે. પહેલાના જમાનામાં ભુતડીનો ચારો ભારીના હિસાબે જ વેચાતો હતો હવે મણના હિસાબે વેચાય છે. આ ચારો વધારે પ્રમાણમાં પાંજરાપોળવાળા લે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang