• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ગાંધીધામમાં વર્ષોથી કાટ ખાતા પાણીના ટાંકાઓની આખરે સફાઈ શરૂ

ગાંધીધામ, તા. 29 : પંચરંગી આ શહેરમાં દાયકાઓ પહેલાં પીવાનાં પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ સહિત નવ ટાંકા બનાવવામાં આવ્યા હતા, પરંતુ સમયાંતરે તેની સફાઈ અંગે કોઈ દરકાર લેવાતી ન હતી. તેવામાં કચ્છમિત્રમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ટાંકાની સફાઈની કામગીરી શરૂ કરાઇ છે. ગાંધીધામના ભારતનગર, સેક્ટર-5, સપનાનગર, આદિપુર વગેરે સ્થળોએ પાણીના સંગ્રહ માટે નવ ટાંકા બનાવવામાં આવ્યા હતા. આ ટાંકામાં નિયમિત સફાઈ કરવા અંગે કોઈ કાર્યવાહી થઈ ન હતી. કેટલાક ટાંકામાં પાછલા એકાદ દાયકાથી સફાઈ મુદ્દે ગંભીરતા દાખવવામાં આવી ન હતી, જેથી પક્ષીઓના મૃતદેહ, જીવજંતુ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ પાણીનું વિતરણ થતાં લોકોના આરોગ્યને ગંભીર અસર પડતી હોવાની રાવ ઊઠી હતી. પાણીના સંગ્રહ માટે બનેલા આ ટાંકા જ સ્વાસ્થ્ય માટે જોખમી બનતાં પ્રજાના પહેરી અને સદાય લોકપ્રશ્નોને વાચા આપતા કચ્છમિત્ર  દ્વારા  ટાંકાની સફાઈમાં ચાલતા પોલમપોલ અંગે પ્રકાશ પાડ્યો હતો. પરિણામે નગરપાલિકા તંત્ર દોડતું થયું હતું અને દુર્ગંધ મારતા આ ટાંકાની સફાઈની કામગીરી શરૂ કરાઇ હતી. આ સંદર્ભે સુધરાઇના પ્રમુખ તેજસભાઇ શેઠનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, જોડિયા શહેરમાં જુદા-જુદા સ્થળોએ આવેલા પાણીના ટાંકાની સફાઈનું કામ રૂપિયા 5.50 લાખના ખર્ચે નારાયણ કંટ્રકશનને આપવામાં આવ્યું છે, જેમાં દિવાળી બાદ ટાંકાની સફાઈનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ થવાની વાત તેમણે કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang