ભચાઉ, તા. 29 : તાલુકાનાં ખોડાસર અને જડસા ગામમાં આવેલી ભચાઉ
તાલુકા અનુ. જાતિ ખેતી સામૂદાયિક મંડળી લિ.ની 102 એકર જમીનની માપણી કરાઇ હતી અને મંડળીને
તેનો કબજો સોંપવામાં આવ્યો હતો. કચ્છ કલેક્ટરની સૂચના અને ભચાઉ પ્રાંત અધિકારીનાં માર્ગદર્શન
હેઠળ મામલતદાર, નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર, પોલીસ વિગેરેની ઉપસ્થિતિમાં સ્થાનિકે માપણી
કરાઇ હતી અને ચતુર્થ દિશા નક્કી કરી કબજો આપવામાં આવ્યો હતો. પાછલા એક મહિનાથી આ કામગીરી
ચાલી રહી છે. તા. 4/12 અને 5/12 સુધીમાં મંડળીની તમામ જમીનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા
સોંપી દેવામાં આવશે, તેવો દાવો કરાયો હતો. સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીએ જણાવ્યું
હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાનાં
માર્ગદર્શન હેઠળ વાદ-વિવાદ વિના તમામ જમીનોના કબજા સોંપવાની પ્રક્રિયા કાર્યરત છે.
આ કામગીરીમાં વહીવટી અને પોલીસ તંત્રની સાથે સામાજિક કાર્યકર નીલ વિંઝોડા, મંડળીના
સભાસદ સુરેશભાઈ કાંઠેચા, સુરેશભાઈ વાઘેલા, રમેશભાઈ દાફડા, રાહુલભાઇ ખાનિયા, વિશાલ પંડયા,
ભરતભાઈ દાફડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.