• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ગોપાલપુરી : નવા માપદંડ સાથે બનતું કચ્છનું પ્રથમ રેલવે સ્ટેશન

ગાંધીધામ, તા. 29 : કચ્છમાં ભુજ-ગાંધીધામ-કંડલા વચ્ચે મીટરગેજ રેલવે લાઈન હતી, ત્યારે પ્રવાસીઓની અવરજવરથી ધમધમતાં ગોપાલપુરી રેલવે સ્ટેશનથી ભુજ સુધી બ્રોડગેજ રેલવેલાઈન પથરાયા બાદ આ રેલવે સ્ટેશન ફ્લેગ બની ગયું હતું અને બે દાયકા કરતાં પણ વધુ સમયથી  બાવળની ઝાડીઓથી ફરી વળ્યું હતું. ભુજથી આવતી ટ્રેનો બાયપાસ થઈને પસાર થાય, તો  વ્યાપક સમય બચે તે હેતુથી ગોપાલપુરી રેલવે સ્ટેશન કાર્યરત કરવા પ્રબળ માંગ હતી. રેલવે દ્વારા હાલ રેલવે સ્ટેશનના નિર્માણની કામીગીરી ચાલુ કરી દેવાઈ છે. કચ્છના અત્યાર સુધીના  રેલવે સ્ટેશનોમાં ફેરફાર કરીને સુવિધા વિકસાવાઈ છે, જ્યારે ગોપાલપુરી નવા માપદંડ સાથે તૈયાર થનારું કચ્છનું પ્રથમ રેલવે સ્ટેશન બની રહેશે. એક સમયે બાવળોની ઝાડીઓથી ઘેરાયેલા અને જૂની જર્જરિત ઈમારત સહિતની સ્થિતિમાં રહેલા આ વિસ્તારની મુલાકાત લીધી, ત્યારે સ્ટેશનના નિર્માણની કામગીરીનો ધમધમાટ જણાયો હતો. હાલ માટીકામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને પ્રથમ  પ્લેટફોર્મનાં નિર્માણની કામગીરી આગળ વધી રહી છે, જૂના રેલવે સ્ટેશનમાં રેલવે લાઈન છે. હાલ વધુ બે લાઈન નાખવામાં આવશે.   નવા માપદંડ બાબતે વાત કરીએ, તો  આ સ્ટેશનમાં એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે ફ્લાયઓવર નહીં અંડરગ્રાઉન્ડ  સબ-વે બનાવાશે. સબ-વેની લંબાઈ 40 મીટર અને અને 17 મીટરનો ઢાળ હશે.  90 મીટરના એરિયામાં 10 મીટર પ્લેટફોર્મ, 70 મીટર સ્ટેશન બિલ્ડિંગ અને 70 મીટરનો સર્ક્યુલેટિંગ એરિયા  હશે. જો કે, ગાંધીધામના હયાત રેલવે સ્ટેશનની સરખામણીએ અહીં પહોળાઈ ઓછી હશે. જો કે, લંબાઈ વધુ રાખી શકાશે. સ્ટેશન ઈમારતમાં ચાર  રિઝર્વેશન કાઉન્ટર, જેમાં  વિકલાંગો માટે અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત પાર્સલ રૂમ, એસી-નોન એસી વેઈટિંગ રૂમ, એસી  વેઈટિંગ રૂમમાં ત્રી અને પુરુષોના અલગ વેઈટિંગ રૂમ તથા બહેનો માટે અલગ ડ્રેસિંગ રૂમની પણ સુવિધા વિકાસવવામાં આવશે. આ ઉપરાંત આર.પી.એફ. ઓફિસ,  વી.આઈ.પી. રૂમ, ઈન્સ્પેક્ટર મિટિંગ રૂમ સહિતની સુવિધા  વિકસાવાશે. આ સુવિધા અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં  આવી હતી. સ્ટેશન નિર્માણની કામગીરી નીલકંઠ ગ્રુપ દ્વારા કરવામાં આવી  રહી છે. લાંબા  સમયની માંગ બાદ ગોપાલપુરી રેલવે સ્ટેશનનાં નિર્માણની કામગીરી શરૂ થતાં આગામી સમયમાં  ગાંધીધામને નવી ભેટ મળશે.  આ સાથે  ગાંધીધામમાં પાવર બદલાવવાની કામગીરીમાં 20 મિનિટનો થતો સમય બચશે અને ટ્રેનોના સંચાલનમાં સમયની બચત  થશે. આ સ્ટેશન કાર્યરત થયા બાદ ભુજથી ઉપડતી  તમામ ટ્રેનો ગાંધીધામ બાયપાસ થઈને દોડશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang