મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 6 :?વિશ્વમાં
તંબાકુના વપરાશને કારણે દર વર્ષે લાખો લોકોનાં મોત થાય છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહી
તો તંબાકુનાં કારણે કરોડો લોકોનાં મોત થશે. રાજ્યમાં તંબાકુના ઉપયોગનું પ્રમાણ પુરુષોમાં
60થી 70 તથા મહિલાઓમાં 8થી 9 ટકા જેટલું હોવાનું અનુમાન છે. 13થી 15વર્ષના વિદ્યાર્થીઓ,
કિશોરોમાં તેનું ચલણ ઝડપથી વધી રહ્યંy છે. જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા, તંબાકુ ગુટખાના સેવન પર પ્રતિબંધ
જાહેર કરવામાં આવ્યું છે તેમ છતાં જાહેર સ્થળોએ આ બધું બેફામ, બેફિકરાઈથી થઈ રહ્યું
છે. સામે તેને રોકવા માટે જોઈએ તેવી કામગીરી જિલ્લામાં ક્યાંય થતી નથી. તંબાકુના વ્યસનથી
લોકો પોતાની આવકનો ઘણોખરો હિસ્સો વ્યસન પાછળ વેડફે છે. રાજ્યમાં 51 ટકાથી ઉપર પુરુષોમાં
તથા 17 ટકાથી ઉપર મહિલાઓમાં કેન્સર તંબાકુના લીધે થાય છે. તંબાકુનાં કારણે કેન્સર,
હૃદયરોગ, લકવો, અસ્થમા, ટી.બી., નપુંસકતા જેવા ગંભીર રોગ થાય છે. આ તમામ બાબતોને ધ્યાને
લઈ સરકારે સી.ઓ.ટી.પી.એ. 2003નો કાયદો અમલમાં મુક્યો હતો. જેમાં કલમ - 4 હેઠળ જાહેર
સ્થળો જેવા કે, સરકારી કચેરી, શૈક્ષણિક સંસ્થાઓ, કામના સ્થળો, હોસ્પિટલ, રેલ્વે, મનોરંજનના
કેન્દ્ર, રેસ્ટોરેન્ટ, બેન્કવેટ હોલ, ડિસ્કોથેક્સ, કેન્ટીન, કોફી હાઉસ, પબ, બાર, એરપોર્ટ,
લોન્જ, સભાગૃહ, કોર્ટનાં મકાનો, શોપિંગ મોલ્સ, સિનેમા, પુસ્તકાલય, જાહેર પરિવહનના સાધનો,
ઓડિટોરિયમ, સ્ટેડિયમ, બસમથક વગેરે જગ્યાએ ધૂમ્રપાન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
આવી જગ્યાએ `ધૂમ્રપાન
પ્રતિબંધિત વિસ્તાર, અહીં ધૂમ્રપાન કરવું ગુનો બને છે' તેવાં બોર્ડ મારવાનાં હતાં,
પરંતુ આવાં બોર્ડ ક્યાંય દેખાતાં નથી. આ કલમનો ભંગ કરનારાઓને દંડની જોગવાઈ છે. કલમ
પાંચમાં તંબાકુની સીધી કે પરોક્ષ જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમજ તંબાકુનું
વેચાણ કરતી દુકાનોએ 60#45 સેમીનાં બોર્ડ પર તંબાકુ મોત નોતરે છે તેવું લખાણ લખવાનું
હતું, પરંતુ આવું ક્યાંય દેખાતું નથી. આ કલમના ભંગ બદલ આરોપીને બે વર્ષ સુધીની જેલ
તથા રૂા. 1000 દંડ અને બીજીવાર પાંચ વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા
કેટલાક વર્ષોથી આવી કાર્યવાહી કરાઈ હોય તેવું જણાતું નથી. કલમ - 6માં 18 વર્ષથી નીચેની
વયની વ્યક્તિને તંબાકુ કે તેના બનાવટનાં વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ
અનેક જગ્યાએ દુકાનદારો બાળકોને આવી વસ્તુઓ વેચતા નજરે પડે છે. દુકાનદારોએ 18 વર્ષથી
ઓછી ઉંમરની વ્યક્તિને તંબાકુનું વેચાણ એ દંડનીય ગુનો છે તેવા લખાણ સાથે 60#30 સેમીનું
બોર્ડ લગાડવાનું હોય છે. કલમ-7 મુજબ તંબાકુની બનાવટની વસ્તુઓ પર ચિત્રાત્મક આરોગ્ય
વિષયક ચેતવણી દર્શાવવાની હતી. ભારતની કંપનીઓ દ્વારા આવું ચિત્ર દોરાય છે પરંતુ વિદેશી
કંપનીઓમાં આવુ ચિત્રામણ હોતું નથી. ગાંધીધામ સંકુલમાં આવી વિદેશી સિગારેટ વગેરે બેફામ
વેચાય છે પરંતુ પોલીસ દ્વારા જોઇએ તેવી કામગીરી કરાતી નથી. આ કલમના ભંગ બદલ આરોપીને
પ્રથમ બે અને બીજી વખત પકડાય તો પાંચ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી હોવાનું જાણવા
મળ્યું હતું. કલમ-6-બી મુજબ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ 100 વારના વિસ્તારમાં તંબાકુ
કે તેના બનાવટની વસ્તુઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં અનેક શૈક્ષણિક
સંસ્થાની બિલકુલ નજીક જ આવી વસ્તુઓનું બેફામ વેચાણ થાય છે જે લોકોને નરી આંખે દેખાય
છે પરંતુ તંત્રોને આવી દુકાનો ગમે તે કારણે દેખાતી નથી. જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ
કચ્છ પોલીસમાં જોઇએ તેવી કામગીરી કરાતી નથી. પશ્ચિમ કચ્છમાં કલમ-4ના સપ્ટેમ્બર મહિના
સુધીમાં 580 કેસ કરાયા હતા. કલમ-પાંચના બે, કલમ-6-એના 29, 6-બીના 26 જ્યારે કલમ સાતના
વર્ષ દરમ્યાન એકેય કેસ કરાયા નથી, જ્યારે પૂર્વ કચ્છમાં નવમા મહિના સુધીમાં કલમ-4ના
123 કેસ કરાયા હતા, જ્યારે કલમ-પાંચ, કલમ-6-એ.બી. તથા કલમ-7ના એકેય કેસ ન કરાયા હોવાનું
જાણવા મળ્યું હતું. જો આમ ને આમ ચાલુ રહ્યું તો કિશોરોની સાથે બાળકોમાં પણ તંબાકુની
આ બદી ઘર કરી જશે અને આવનારી પેઢી શારીરિક રીતે બિલકુલ નબડી પડી જશે તેમાં બે મત નથી
તેવું જાણકારોએ જણાવ્યું હતું.