• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ફિનલેન્ડવાસી ગુજરાતીઓના દિલમાં વતન અને દેશ ધબકે છે

ભુજ / મુંબઇ, તા. 6 : બદલાતા જમાના સાથે ગુજરાતીઓ ભારે વિકસ્યા છે, પરંતુ આપણી માતૃભાષા, સંસ્કૃતિ, પરંપરાનાં મૂળિયાં નબળાં પડી રહ્યાં છે, એવા સમયે મૂલ્યનિષ્ઠ પત્રકારત્વને વરેલા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અખબારોએ વિદેશ સ્થિત ગુજરાતીઓ સાથે સંબંધોનો સેતુ રચીને પોતીકી માતૃભૂમિ-વતન, દેશ સાથે તેમને જોડવાનું બીડું ઝડપ્યું છે. આ પહેલના ભાગરૂપે પેરિસ (ફ્રાંસ) હેલ્સિન્કી (ફિનલેન્ડ) અને સ્વિત્ઝર્લેન્ડ ખાતે સ્થાનિક ગુજરાતી સમાજના નિમંત્રણને માન આપીને જન્મભૂમિ પત્રોએ દિવાળીના તહેવારો દરમ્યાન ભવ્ય કાર્યક્રમ યોજ્યા હતા.સુપ્રસિદ્ધ જય વસાવડાએ મુખ્ય વક્તા તરીકે માતૃભાષાનાં મહત્ત્વ અને વિદેશ વસતા ગુજરાતીઓના લગાવને બિરદાવતાં મનનીય પ્રવચનથી સૌને પ્રભાવિત કર્યા હતા, તો સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા અને ટ્રસ્ટી સંજયભાઇ એંકરવાલાએ ગુજરાતીઓ માટે જન્મભૂમિ પત્રો શું કરી શકે એનો ખ્યાલ આપીને તેમને વતન સાથે `િરકનેક્ટ' થવા આહ્વાન આપ્યું હતું. ગુજરાતી સમાજ માટે... હાર્દિકભાઇએ જણાવ્યું હતું કે, ત્યાંના નિવાસીઓને સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના સમાચારોમાં રસ છે. તેને ધ્યાનમાં રાખીને જન્મભૂમિ ગ્રુપના વિદેશ વસતા એનઆરઆઇ? માટે ઓનલાઇન આવૃત્તિ, જેવાયએફના ઉપક્રમે ગુજરાતી ભાષાના કોર્સ શરૂ?કરવા તેમજ વિદેશ સ્થિત ગુજરાતી-ભારતીયોના વિચારોને અખબારોમાં સ્થાન મળે તેવા નિયમિત વિશેષ કવરેજની જાહેરાત કરી હતી. - ગાંધીજીની પ્રતિમાને અંજલિ : હાર્દિકભાઇ અને સંજયભાઇ એંકરવાલાએ હેલ્સિન્કીમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ જઇને પુષ્પાંજલિ અર્પી હતી તેમજ ભારતીય રાજદૂત હેમંત એચ. કોટલવારને મળીને કચ્છમિત્રનું વિશેષ પ્રકાશન `વેલકમ ટુ કચ્છ'  ભેટ આપી હતી. - રાજદૂત સાથે ચર્ચા : કોટલવાર સાથેની ચર્ચામાં ટેક્નોલોજી હસ્તાંતરણ સંદર્ભે ફિનલેન્ડમાં બિઝનેસ કોન્કલેવનું આયોજન કરવા, ઇ-ન્યૂઝપેપર શરૂ?કરવા તેમજ ફિનલેન્ડ સ્થિત ભારતીય એલચી કચેરીમાં કચ્છને પ્રવાસનના આકર્ષણ તરીકે સ્થાન આપવા સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી હતી. કચ્છના વધતા મહત્ત્વ વિશે અવગત રાજદૂતે એ માટે ખાતરી આપી હતી. - દિવાળીની ઉજવણી નિમિત્તે : દિવાળી અને નવાં વર્ષની ઉજવણી નિમિત્તે યોજિત સમારોહમાં ફિનલેન્ડ ગુજરાતી સમાજનાં આમંત્રણથી ખાસ ઉપસ્થિત રહેલા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયાએ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત જન્મભૂમિ જૂથ અને તેનાં અગ્રિમ અખબાર કચ્છમિત્ર દ્વારા કરાતી વિવિધ સમાજ, સંસ્કૃતિ અને ભાષા પોષક પહેલો વિશે જાણકારી આપી હતી. - માતૃભાષાના વર્ગો : યુવા ટ્રસ્ટી સંજયભાઈ એંકરવાલા, પ્રખ્યાત ગુજરાતી વક્તા જય વસાવડા સહિત અગ્રણીઓની હાજરી વચ્ચે સમારોહને સંબોધતાં હાર્દિકભાઈએ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને કચ્છમિત્ર દ્વારા ફિનલેન્ડમાં ગુજરાતી સમાજ માટે માતૃભાષા વર્ગોની મહત્ત્વપૂર્ણ પહેલ વિશે વાત કરી હતી. જન્મભૂમિ જૂથ એનઆરઆઈ રોકાણની તકો, ગુજરાતીઓ, કચ્છીઓને વતનની વાત પકડીને માતૃભૂમિમાં સ્થાયી થવામાં પીઠબળ પૂરું પાડવા જેવી વિવિધ યોજનાઓ સમાવતી પ્રવૃત્તિઓ નિરંતર કરી રહ્યું છે, તેવું શ્રી મામણિયાએ જણાવ્યું હતું. બાળકોને ગુજરાતી ભાષાનું અક્ષરજ્ઞાન આપવા માટે ખૂબ ઉપયોગી પુસ્તકોનું ગુજરાતી સમાજના બોર્ડ સભ્યોના હસ્તે અનાવરણ પણ આ અવસરે કરાયું હતું. - જય વસાવડા : ગુજરાત અને ગુજરાતી ભાષાના નામાંકિત વક્તા જય વસાવડાએ માતૃભાષાનું મહિમાગાન કરતાં ભાષાની કેળવણી અંગે સરળ શૈલીમાં સમજણ આપી હતી. ભાષા કાનથી વધુ ગતિભેર શીખી શકાય, આંખથી નહીં. માતૃભાષા અથવા કોઈ પણ ભાષા વાંચવા કરતાં સાંભળતા રહેવાથી વધારે સરળ રીતે શીખી શકાય, તેવું શ્રી વસાવડાએ જણાવ્યું હતું. સંસ્કૃતિ, ભાષા અને પરંપરાનાં ગૌરવ વિશે જય વસાવડાના વિચારો, વ્યાખ્યાઓ, અવલોકનો, ઉદાહરણોરૂપે પથદર્શનથી ઉપસ્થિત પ્રવાસી સમુદાય મંત્રમુગ્ધ બની રહ્યો હતો. - રંગોળીનું આકર્ષણ : ફિનલેન્ડનાં હેલ્સિંકી સ્થિત ઈસ્પો ઈન્ટરનેશનલ સ્કૂલનાં પરિસરમાં પ્રકાશપર્વ, નૂતનવર્ષની ઉજવણી નિમિત્તે રચાયેલી 245 રંગોળી અને સેલ્ફી પોઈન્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. માતા લક્ષ્મીની આરતી, પૂજનમાં સૌ ભાવભેર જોડાયા હતા. નૃત્ય, ગીતગાન અને નાટયપ્રદર્શનોમાં ભૂલકાં, કુમારો, વડીલો, યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. - સાંસ્કૃતિક કાર્યક્રમ : સમારોહમાં વિવિધ કલા, સંસ્કૃતિની સુંદર રજૂઆત કરનાર તમામ સહભાગીઓને દિવાળીભેટ સ્મૃતિચિહ્ન આપી, પ્રોત્સાહિત કરાયા હતા. આ અવસરે ફિનલેન્ડ ગુજરાતી સમાજના નેજા હેઠળ દિવાળીના આનંદનાં આકર્ષણરૂપે આતશબાજી પણ કરાઈ હતી. હાર્દિકભાઈ, સંજયભાઈ અને જય વસાવડાનાં મન પર એવી છાપ દૃઢ થઈ હતી કે દેશ, વતનથી યોજનો દૂર, પેઢીઓના અંતર છતાં ફિનલેન્ડમાં વસતા ગુજરાતીઓનાં દિલમાં વતન પ્રત્યે લગાવ છે, ભારત માતા પ્રત્યે ભાવ, પ્રેમ અને ગૌરવ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang